બુટલેગરનો કિમીયો:રાજકોટમાં મકાઇના ભૂસાની આડમાં ટ્રકમાંથી 2688 બોટલ વિદેશી દારૂ મળ્યો, બે શખ્સની ધરપકડ, 27 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મકાઈના ભૂસાની અંદર દારૂની પેટીઓ સંતાડી હતી. - Divya Bhaskar
મકાઈના ભૂસાની અંદર દારૂની પેટીઓ સંતાડી હતી.
  • રાજકોટ- અમદાવાદ હાઇવે પર બેટી નદીના પુલ પર ટ્રકને રોકવામાં આવ્યો હતો

દારુની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ દ્વારા ફરી એક વખત મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં પોલીસે મકાઇના ભુસાની આડમાં છૂપાવીને લાવવામાં આવતા દારુના ટ્રક સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 27 લાખ 69 હજાર 340 કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એરપોર્ટ પોલીસે દારૂ ભરેલા ટ્રકને ઝડપ્યો
રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટી નદીના પુલ પર એક ટ્રકમાં મકાઇના ભૂસાની આડમાં વિદેશી દારુ લાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ટ્રકને અટકાવી તપાસ કરતા મકાઇની આડમાં દારુનો જથ્થો લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

દારૂ ક્યાંથી લાવી કોને આપવાનો હતો તે દિશામાં તપાસ
હાલ એરપોર્ટ પોલીસે ગુરમીતસિંહ ચમાર અને દિલબાગ ચમારની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ વિદેશી દારુની 2688 બોટલ, એક ટ્રક અને બે મોબાઇલ ફોન સહિત કુલ 27 લાખ 69 હજાર 340 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે આરોપીઓ દ્વારા દારુના જથ્થાને ક્યાંથી લઇ કોને આપવાનો હતો તે દિશા તરફ વધુ તપાસ હાથ ધરી છે.

એરપોર્ટ પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો.
એરપોર્ટ પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો.

પાણીના પાઉચની આડમાં દેશી દારૂ વેચાણ
ગઇકાલે લાલપરી મફતીયાપરામાં આરએમસી પ્લાન્ટ બિલ્ડિંગ અને શુલભ શૌચાલયની વચ્ચેના ભાગે રહેતો રાજેશ છગનભાઇ મકવાણા નામનો શખ્સ દેશી દારૂનો જથ્થો બહારથી મંગાવતો હતો. બાદમાં પ્લાસ્ટિકની પાણીના પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવી વેંચતો હતો. આ અંગેની બાતમી DCBના જયુભા એમ.પરમાર અને પ્રતાપસિંહ ઝાલાને મળતાં દરોડો પાડવામાં આવતાં રાજેશ ભાગી ગયો હતો. પોલીસે ઘરમાંથી રૂ.3900નો 195 લીટર દારૂ, પાઉચ બનાવવાનું રો મટીરીયલ્સ, તથા પાઉચને પેક કરવા માટેના ત્રણ ઇલેક્ટ્રિક મશીનો અને રૂ. 3000ના મળી કુલ રૂ.6900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.