કોઈ મોબાઈલ કે સોશિયલ સાઈટ હેક કરે તે ડર કરતા વધુ ડર યુવતીઓને પરિવારના સભ્યો દ્વારા થતા મોબાઈલ ચેકિંગથી ડર લાગતો હોય છે. મોટાભાગની મહિલાઓને લાગે છે કે પરિવારના સભ્યો તેમના ઓનલાઇન કે સોશિયલ સાઈટ પર બાઝ નજર રાખીને બેઠા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની નીમી પટેલે ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 1080 યુવાનો અને યુવતીઓ પર સાયબર ક્રાઇમ અને સોશિયલ સાઈટ આધારિત પ્રશ્નો પૂછીને સર્વે કર્યો હતો. સર્વેના આંકડાઓ જણાવે છે કે ઓનલાઇન કેઓફલાઈન, સોશિયલ સાઈટ કે સમાજ જીવનમાં યુવતીઓ હજુ બધે અસલામતી અનુભવે છે.
સર્વેમાં પૂછાયેલા પ્રશ્નો
1. સોશિયલ સાઇટ હેક થઈ જવાનો ડર અનુભવો છો ?
- હા 90%
- ના 10%
2. સાઇબર ક્રાઈમ વિશે જાણકારી ધરાવો છો?
- હા 45%
- ના 55%
3. સાઇબર ક્રાઇમના ભોગ બન્યા છો?
- હા 68%
- ના 32%
4. સોશિયલ મીડિયામાં ફોટા પોસ્ટ કર્યા હોય ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા ખરાબ કૉન્ટ્સ કે અન્ય ચેડાં થયા છે?
- હા 57%
- ના 43%
5. અજાણ્યા નંબર પરથી મેસેજ કે ફોન આવે ત્યારે લોભામણી લાલચ કે લોટરી લાગશે એવું બન્યું છે?
- હા 67%
- ના 33%
6. સોશિયલ મીડિયામાં તમારા ફ્રેડ્સ બનાવતા પહેલા તેમનું પ્રોફાઈલ કે અન્ય વિગત ચકાસો છો?
- હા 46%
- ના 54%
7. તમારા મહત્વના આઈડી પાસવર્ડ તમારા મિત્રો કે અંગત વ્યક્તિ સાથે શેર કરો છો?
- હા 58%
- ના 42%
8. સોશિયલ મીડિયામાં ફોટા કે અન્ય વિગત શેર કરી ખુશી અનુભવો છો?
- હા 56%
- ના 44%
9. લોટરીના ચક્કરમાં ઓનલાઇન વેબસાઈટ પર રજીસ્ટર કરો છો?
- હા 66%
- ના 34%
10. સાઈબર ક્રાઈમ થાય ત્યારે શું કરવું જોઇએ તેના વિશે જાણકારી ધરાવો છો?
- હા 39%
- ના 61%
11. તમારા પરિવારજનો તમારી જાસૂસી માટે તમારી સોશિયલ સાઈટ હેક કરે એવો ડર અનુભવો છો?
- 72% મહિલાઓએ કબુલ્યૂં કે અમારી સોશિયલ સાઈટ ઘરના સભ્યો જાસૂસી માટે હેક કરતા હશે એવો ભય છે.
12. તમારા પાસવર્ડ કે ખાનગી યાદીઓ કોઈ ચેક કરતું હોય એવું લાગે છે?
-54% એ કબુલ્યું કે અમારા પાસવર્ડ પરિવારના સભ્યો જ એક યા બીજી રીતે જાણવાનો પ્રયત્ન કરે છે અને જાસૂસી કરે છે.
13. તમારો મોબાઈલ ફોનને કોઈ ચેક કરતું હોય એવું લાગે છે?
-81% યુવતીઓને લાગે છે કે પરિવારના સભ્ય રાત્રે ચેક કરતા હોય તેવો ભય છે.
એક યુવતીએ વધુમાં જણાવ્યું કે મારાં ભાઈઓ રાત્રે મારો મોબાઈલ ચેક કરવા અરધી રાત્રે જાગે છે. સ્ક્રિનશોટ અથવા તેનાં મોબાઈલમાં ફોટા પાડીને રાખે છે. આવા અવિશ્વાસથી ઘણી યુવતીઓ ન કરવાનું પછી કરતી હોય છે. અમારાં અંગત જીવનમાં ડોકીયું કરીને અમને આડે રસ્તે વાળવા મજબૂર કરતા હોય એવું લાગે છે. ભાઈઓ એટલે દેવદૂત નથી હોતા એ દરેક ભાઈઓએ સમજવુ જોઇએ.
સાઇબર ક્રાઈમ કોણ કરે છે અને કેવી રીતે કરે છે?
સાઇબર ક્રાઈમ ચોરી કરવા માટે થાય છે. હવે તમને બધાને ખબર છે કે ચોરી કોણ કરે તો આપડે કહીશું ચોર, તો બસ સાઇબર ક્રાઈમ પણ ચોર ચોરી કરવા માટે કરે છે. સાઇબર ક્રાઈમ કરવા પાછળ ચોરનું શું કારણ હોય છે તે આપણે નક્કી ના કરી શકીએ તેમ છતાં પણ કદાચ એવું હોય કે કોઈ મજા લેવા માટે કરતા હોય, અમુક એવા હોય કે ચોરી કરીને તેનો ડેટા લીક કરવા માટે બ્લેક મેલ કરે, અમુક એવા હોય છે જે ચોરી કરીને ડેટા વેચીને પૈસા કમાય છે.
સાઇબર ક્રાઇમમાં ક્યાં પ્રકારના ગુના નોંધાય છે?
સાયબર ક્રાઇમમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અન્વયે એટીમએમ કાર્ડ ક્લોનિંગ, મેઈલ હેકિંગ, મોબાઈલ હેકિંગ, એટીએમ હેકિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ હેકિંગ, કમ્પ્યુટર રિસોર્સીસ સાથે ચેડાં, સોશિયલ મીડિયા થકી ફ્રોડ કે બ્લેકમેલિંગ, પ્રાઇવસી ભંગ, બીભત્સ મટિરિયલ્સ કરવું અને બાળકોની પોરનોગ્રાફી સહિતના તમામ ગુનાઓનો સમાવેશ થાય છે.
સાયબર લો
- ઓળખાણની ચોરી બદલ 66 (એ) અંતર્ગત ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.
- અશ્લિલ અને આપત્તિજનક સામગ્રીના પ્રચાર
-પ્રસાર માટે કલમ 292 હેઠળ કાર્યવાહી થઈ શકે છે જે અંતર્ગત બેથી પાંચ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ છે.
- ગુપ્તતાના ભંગ બદલ 66 (ઈ) હેઠળ ત્રણ વર્ષની જેલ અને બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
સાઇબર ક્રાઇમથી બચવા કેવી કેવી સાવધાની રાખવી
- વર્તમાનમાં ભારતના મોટાભાગના લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો તો ઉપયોગ કરે છે. પરંતુ તેના વિશે સાચી માહિતી કે જાણકારીનો અભાવ જીવ મળે છે. તેમજ મોટાભાગના સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના સર્વર વિદેશમાં છે. જેના લીધે ભારતમાં થતા સાયબર ક્રાઈમની જડ સુધી પહોંચવું મુશ્કેલ બને છે.
- સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધ રહો, કોઈ અજાણ્યા અથવા શંકાસ્પદ લિંક્સને ખોલશો નહીં તેમજ આવી જ સાવધાની ડાઉનલોડીંગ વખતે પણ રાખવું હિતાવહ રહેશે.
- મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતાં હો તો હંમેશા સ્ક્રીન લૉકના વિકલ્પનો ઉપયોગ કરવો.
- જાહેર સ્થળ ઉપરના કોમ્પ્યુટરમાં બ્રાઉઝરનો ઉપયોગ કર્યા પછી બ્રાઉઝિંગ ઈતિહાસને ડિલિટ કરવાનું ભૂલશો નહીં.
- તમારા હેન્ડસેટમાં એકાઉન્ટ નંબર, પીન નંબર કે પાસવર્ડની માહિતી ક્યારેય સ્ટોર કરશો નહીં.
- એટીએમ અથલા બેન્કિંગ કામકાજ દરમિયાન વાપરવામાં આવતા પાસવર્ડને સમયાંતરે બદલતાં રહો તેમજ જન્મ તારીખ, નામ, મોબાઈલ કે ફોન નંબરનો પાસવર્ડ તરીકે ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયા દ્વારા થતો સાયબર ક્રાઈમ
ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પોતાના અથવા પોતાની ફેમિલીના ફોટા અપલોડ કરવાનું ટાળો એ હિતાવહ રહેશે. કારણ કે, તમારા ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ ઉપાડી શકે છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. ખાસ કરીને ફેસબુકના એકાઉન્ટ ફેક હોઈ શકે છે. માટે વિશ્ર્વસનીય એકાઉન્ટમાંથી જ માહિતી શેર કરવી જોઈએ, ફેસબુક ઉપર કોઈની પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતાં પહેલાં તેની પ્રોફાઈલ ચેક કરી લેવી આવશ્યક છે. કારણ કે, ફ્રોડ લોકો તમારા માટે કોઈ છટકું ગોઠવવાની વેંતરણમાં હોય! અજાણી મિત્રતા દરખાસ્તોને નકારો. પરંતુ કોઈ પરિચિત તરફથી આવતી દરખાસ્તોની યોગ્ય ચકાસણી કર્યા પછી જ તેના પર નિર્ણય લેવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.