રાજકોટ રેમડીસીવર કૌભાંડ:મુખ્ય આરોપી હિંમત ચાવડા સિવિલમાંથી ઈન્જેકશન મેળવી બહાર વેચતો, પાંચેય આરોપી રિમાન્ડ પર

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી વિશાલ ગોહિલ, હિંમત ચાવડા, દેવયાની ચાવડા - Divya Bhaskar
આરોપી વિશાલ ગોહિલ, હિંમત ચાવડા, દેવયાની ચાવડા
  • આરોપી સિવિલમાં ફરજ બજાવતા સમયે ખોટી ચિઠ્ઠી બનાવી ઈન્જેકશન મેળવતો હતો

કોવિડની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર કરતા 5 શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. પાંચ પૈકીનો હિંમત ચાવડા નામનો આરોપી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ બોય તરીકે નોકરી કરતો હતો અને તેણે પોતાની ફરજ દરમિયાન દર્દીને જરૂર હોય તેના કરતા વધુ ઇન્જેક્શન મંગાવી સિવિલમાંથી જ 5 ઇન્જેક્શનની ચોરી કરી તેને બારોબાર વેચી દીધા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પાંચેય આરોપીને રિમાન્ડ અર્થે લઈ જવામાં આવ્યાં છે. પોલીસ તપાસમાં અન્ય 3 લોકોના નામ સામે આવ્યાં છે. જેથી 3 આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

4800નું એક ઇન્જેક્શન 10 હજારથી 12 હજારમાં વેચતા હતા
શાંતિ કોવિડ હોસ્પિટલની નર્સ દેવ્યાની જિતેન્દ્ર ચાવડા (ઉ.વ.20) રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતી હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ વી.જે.જાડેજા સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું અને મહિલા કોન્સ્ટેબલે રેમડેસીવીર ઇન્જેક્શન ખરીદવાની વાત કરતાં નર્સ દેવ્યાનીએ બે ઇન્જેક્શનના રૂ.20 હજાર કહ્યાં હતા, દેવ્યાની અને તેનો ફિયાન્સ વિશાલ ભૂપત ગોહેલ ઇન્જેક્શન આપવા આવતાં જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા. દેવ્યાનીએ એ બે ઇન્જેક્શન જલારામ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી નોકરી કરતાં અંકિત મનોજ રાઠોડ પાસેથી અને અંકિતે એ જ મેડિકલ સ્ટોરના કર્મચારી પાસેથી ખરીદ કર્યાનું ખૂલતાં પોલીસે એ બંનેને પણ ઝડપી લીધા હતા. જગદીશ શેઠે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર નર્સિંગ બોય તરીકે કામ કરતાં હિમત કાળુ ચાવડા પાસેથી ઇન્જેક્શન ખરીદ્યાનું ખૂલતાં પોલીસે હિંમતને ઝડપી લીધો હતો. કોરોના રિપોર્ટ બાદ પોલીસે દેવ્યાની સહિત પાંચેય આરોપીની ધરપકડ કરી હતી.

જરૂર કરતા વધુ ઈન્જેક્શન લખી એડમિન પાસેથી મેળવતો હતો
પોલીસે સિવિલ હોસ્પિટલના નર્સિંગ બોય હિમત ચાવડાની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે, પોતે સિવિલના કોવિડ-19ના ચોથામાળે આવેલા એ.વિંગમાં નોકરી પર હતો ત્યારે દર્દીઓને ઇન્જેક્શનની જરૂર હતી તેના કરતા વધુ ઇન્જેક્શનની ચિઠ્ઠી લખી વોર્ડ એડમિન પાસેથી વધુ ઇન્જેક્શન મેળવી લેતો હતો અને છેલ્લા પંદર દિવસમાં પાંચ ઇન્જેક્શનની સિવિલમાંથી ચોરી કરી હતી, જે તમામ ઇન્જેક્શન જલારામ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના કર્મચારી જગદીશ શેઠને આપ્યા હતા, જગદીશને પંદર દિવસ પૂર્વે બે ઇન્જેકશન આપ્યા હતા જેના તેની પાસેથી રૂ.6000, આઠ દિવસ પહેલા એક ઇન્જેક્શન આપ્યું હતું જેના રૂ.2500 અને ત્રણ દિવસ પહેલા બે ઇન્જેક્શન આપ્યા હતા જેના તેની પાસેથી રૂ.12000 વસૂલ્યા હતા. પાંચ પૈકી બે ઇન્જેક્શન પોલીસે દેવ્યાની પાસેથી કબજે કર્યા હતા, જ્યારે અન્ય ત્રણ ઇન્જેક્શન પૈકી બે ઇન્જેક્શન જગદીશે તેના ભત્રીજા દિલીપ ખીમચંદ કરથિયાને રૂ.9000માં અને એક ઇન્જેક્શન દિલીપના મિત્ર રવિ રમેશ બકરાણિયાને રૂ.5200માં આપ્યાનું ખૂલતાં પોલીસે દિલીપ અને તેના મિત્ર રવિની શોધખોળ શરૂ કરી હતી.