તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:રાજકોટ સિવિલમાં કોરોનાના 45, મ્યુકરના 694 દર્દી દાખલ, 24 કલાકમાં 2 દર્દીનાં મોત

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • પોલીસ અને મહાનગરપાલિકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી સુપરસ્પ્રેડરને શોધી રસી અપાવશે

રાજકોટમાં કોરોનાના નવા 51 કેસ સામે આવ્યા છે આ સાથે કુલ કેસ 57162 અને એક્ટિવ કેસ 961 થયા છે. મંગળવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 45 દર્દી સારવાર હેઠળ છે જોકે કોરોના વાઇરસ શરીરમાંથી જતો રહ્યો હોય પણ તેણે શરીર પર જે નુકસાન કર્યું હોય તેના કારણે હજુ પણ લોકોને વેન્ટિલેટરની જરૂર પડે છે તેઓની સારવાર કેન્સર હોસ્પિટલમાં ચાલી રહી છે.

કોરોનાના દર્દી ઘટ્યા છે પણ મ્યુકરમાઈકોસિસના કેસ સતત વધી રહ્યા છે. રોજ 8થી 10 દર્દી દાખલ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 436ની સર્જરી થઈ ચૂકી છે જ્યારે સિવિલ અને સમરસ બંને બિલ્ડિંગ સહિત 694 દર્દી સારવાર હેઠળ છે. વેક્સિનેશનમાં હવે 45 પ્લસ બાદ 18થી 44 વર્ષના વયજૂથમાં પણ સંખ્યા ઘટી રહી છે અને રોજના 20,000નો ટાર્ગેટ પૂરો થતો નથી. તેને કારણે સ્લોટ ખાલી જ રહે છે તેથી એવો નિર્ણય લેવાયો છે કે કોઇ વ્યક્તિએ અગાઉ એપોઈન્ટમેન્ટ ન લીધી હોય અને જે તે આરોગ્ય કેન્દ્રમાં જાય અને ત્યાં સ્લોટ ખાલી હોય તો આરોગ્ય કર્મીઓ તેમને રજિસ્ટ્રેશન અને સ્લોટ બુક કરવાની મદદ કરી ત્યારે જ રસી આપી દેશે.

શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી આવા સુપરસ્પ્રેડર શોધશે
કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અત્યાર સુધી કાયદાનો દંડો ઉગામી દંડ વસૂલી લોકોને નિયમનું પાલન કરાવતી પોલીસ હવે કોરોનાના સુપરસ્પ્રેડર શાકભાજી અને લારી ગલ્લાવાળાને સમજાવીને વેક્સિન અપાવશે. પોલીસ અને મહાનગરપાલિકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ આજથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી આવા સુપરસ્પ્રેડરને શોધીને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડશે.

હજુ આપણે નિયમોનું ચૂસ્ત પાલન કરીએઃ પોલીસ કમિશનર
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરનો અંત નજીક છે, સાથેસાથે નિષ્ણાતો ત્રીજી લહેર આવવાની દહેશત વર્તાવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરથી બચવા માટે લોકોએ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સમયાંતરે સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સહિતની તકેદારી રાખવી પડશે, ત્રીજી લહેર આવે તો પણ તેની અસર ઓછી થાય તે માટે લોકોએ વેક્સિન લેવી જ પડશે.

વેક્સિન કેન્દ્ર દૂર હોય તેમને પોલીસવાનમાં રસીકરણ કેન્દ્ર સુધી લઇ જવાશે
શાકભાજી અને લારી ગલ્લાવાળાઓ પાસે લોકો મોટી સંખ્યામાં આવે છે અને આવા ધંધાર્થીઓ સુપરસ્પ્રેડર બને છે. સુપરસ્પ્રેડરનું વેક્સિનેશન થવું ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાને લઇને મંગળવારથી પોલીસ અને મનપાની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી શાકભાજી અને લારી ગલ્લાવાળાઓને મળીને તેમણે રસી નહી લીધી હોય તો તેમને રસીનું મહત્વ સમજાવશે અને વેક્સિનેશન માટે તૈયાર કરશે અને વેક્સિન કેન્દ્ર તેનાથી દૂર હશે તો પોલીસવાનમાં આવી વ્યક્તિને રસીકરણ કેન્દ્ર સુધી લઇ જઇ એ વ્યક્તિને રસી અપાવશે.