ફી માફી મામલે ચક્કાજામ:રાજકોટમાં NSUI દ્વારા સ્કૂલ ફી માફી મામલે કોટેચા ચોકમાં ચક્કાજામ કર્યો, પોલીસે 10 કાર્યકરો ટીંગાટોળી કરીને અટકાયત કરી

એક વર્ષ પહેલા
  • કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક ચક્કાજામ
  • હાઇકોર્ટની ટકોર બાદ પણ સરકાર દ્વારા કોઇ નક્કર નિર્ણય ન લેવાતા વિરોધ કરાયો

ખાનગી શાળા-કોલેજોની એક સત્રની સંપુર્ણ ફી માફીની માંગણી સાથે NSUI દ્રારા કોટેચા ચોક ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને પગલે થોડીવાર ટ્રાફિક જામ થયો હતો. જેને લઇ પોલીસ દોડી ગઈ હતી અને NSUI ના પ્રમુખ સહિત 10 જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

વાલીઓને સાથે રાખી NSUI વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો આપશે

ખાનગી શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓ એક સત્રની ફી માફીની માંગણી સાથે રાજકોટ જિલ્લા NSUIએ કોટેચા ચોક ખાતે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ દર્શાવતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. સમ્રગ ગુજરાતમા NSUI વિદ્યાર્થીઓની ખાનગી શાળા- કોલેજોની એક સત્રની ફી માફી નહી મળે ત્યાં સુધી વાલોઓને સાથે રાખી અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમો આપશે તેવું જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતું.

રાજ્ય સરકાર ફી માફીની વાલીઓને લોલીપોપ આપતા નિર્ણય લે છે
કોરાનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના તેમજ રોજગાર-ધંધાઓમા મંદી જેવા કારણોસર સમ્રગ રાજ્યના વાલીઓમાં ફી માફી માંગણીઓ ઉઠી છે. પંરતુ રાજ્ય સરકાર વાલીઓને લોલીપોપ આપતી હોય તેવા નિર્ણયોથી ક્યાંક ખાનગી શાળા-કોલેજોના સંચાલકો સાથે સરકારની સાંઠ-ગાંઠ સ્પષ્ટપણે દેખાય આવે છે. હાલની કોરાનાની ભયભીત પરિસ્થિતિઓને ધ્યાનમા રાખીને સ્કુલો-કોલેજો ક્યારે શરૂ થશે તે કહેવુ હજુ પણ કઠીન છે.ત્યારે સરકારની જવાબદારી બને કે આવા સંવેદનશીલ મુદ્દાઓ પર સકારાત્મક વલણ દાખવવુ પંરતુ શૈક્ષણિક ક્ષેત્રે સુવિધાઓ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

ફી માફી મામલે હાઈકોર્ટે પાસે સરકાર સત્તા હોવાનું કહ્યું છે
ખાનગી શાળાઓની ફી મુદે વાલીઓમાં વિવાદ વધુ વકરતા સરકાર પહેલા શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી કોઈપણ જાતની ફી ઉઘરાણાના કરવા નિર્ણયની જાહેરાત કરે છે. આ નિર્ણય વિરુધ સંચાલક મંડળ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પંરતુ આ બાબતે હાઈકોર્ટે પણ રાજ્ય સરકારની રીતસર ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ફી ઘટાડા માટે સરકાર પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા ધરાવે તો કોર્ટમાં અરજી કેમ? કોર્ટને મધ્યસ્થી માટે શા માટે કહો છો ? રાજ્ય સરકાર પાસે એકેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સત્તાઓ છે.

વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફીનો લાભ આપવો તેવી માગ
સરકાર ઉદ્યોગપતિઓ માટે આર્થિક સહાય યોજનાઓની જાહેરાતો કરતી હોય તો આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેમ નહી? ખાનગી શાળાઓ-કોલેજોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિઓ પર વિચારણા કરી સરકારે તમામ વિદ્યાર્થીઓની 50% ફી માફી જે તે ખાનગી સંસ્થાઓને આપવા અને 50% ફી માફી માટે રકમ રાજ્ય સરકારએ આ સંચાલકોને નિયમ મુજબ સરભર કરી આપવી જોઈએ જેથી વિદ્યાર્થીઓની એક સત્રની સંપૂર્ણ ફી માફીનો લાભ મળી શકે.

સરકાર ફી મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવી NSUIની માગ
હાઈકોર્ટે પણ રાજ્યસરકારને આ મુદે સ્વતંત્ર નિર્ણયની છુટછાટ આપ્યા બાદ પણ હજુ સુધી ફી મુદ્દે સરકાર ચૂપ કેમ બેઠી તે મોટો સવાલ છે? સરકાર પોતાની જવાબદારીમાથી છટકી રહી છે કે પછી ખાનગી શાળા- કોલેજોના સંચાલકો સરકારના કહ્યામાં નથી? જો અન્ય રાજ્યોની સરકાર વિદ્યાર્થીઓને એક સત્રની સંપૂર્ણ ફી માફી આપી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહી? આ બાબતે સરકારે પોતાનુ વલણ તાત્કાલિક સ્પષ્ટ કરવુ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...