રાજીનામાની માગ સાથે વિરોધ:રાજકોટમાં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરલીકને લઇ NSUIનું અસિત વોરાનું પૂતળાદહન, સરકાર વોરાને છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો

રાજકોટ19 દિવસ પહેલા
રાજકોટ NSUIના કાર્યકરોએ અસિત વોરાના પૂતળાનું દહન કર્યું.
  • વોરાનું રાજીનામું નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી

તાજેતરમાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળનાં અસિત વોરાની જ ગંભીર બેદરકારી હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા અસિત વોરા સામે આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજરોજ શહેરનાં કાલાવડ રોડ આત્મિય યુનિવર્સિટીમાં NSUI દ્વારા અસિત વોરાનું પૂતળાદહન કરીને સરકાર વોરાને છાવરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છેઃ શહેર NSUI પ્રમુખ
NSUI શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનાં કાર્યકાળ દરમિયાન 10થી વધુ સરકારી ભરતી અંગેના પેપર લીક થયા છે. હાલ રાજ્યમાં બેરોજગારી વધી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ મોંઘાદાટ ક્લાસિસ કરી સરકારી ભરતી માટેની પરીક્ષાઓ આપી રહ્યા છે. પણ વારંવાર પેપર લીક થવાને કારણે તેમનો સમય ઉપરાંત રૂપિયા બરબાદ થઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. છતાં સરકાર અસિત વોરા સામે કોઈ કાર્યવાહી નહીં કરીને તેને છાવરી રહી છે.

બેનરો સાથે NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો.
બેનરો સાથે NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો.

નિવૃત IASની નિમણૂક કરવાની પણ માગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, NSUI દ્વારા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરતા અસિત વોરાનાં રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. આ માટે જ વિવિધ સૂત્રોચ્ચાર સાથે અસિત વોરાનું પૂતળાદહન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા સરકારને કહેવા માંગીએ છીએ કે, આવા લોકોને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી નિવૃત IASની નિમણૂક થવી જોઈએ. આથી સરકારી ભરતીઓ ન્યાયિક રીતે કરી તેમાં ભ્રષ્ટાચાર અટકાવી શકાય. જો અસિત વોરાનું રાજીનામું નહીં લેવાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ અમે દર્શાવી હતી.

વિરોધના પગલે પોલીસ દોડી ગઈ હતી અને કાર્યકરોને સમજાવ્યા હતા.
વિરોધના પગલે પોલીસ દોડી ગઈ હતી અને કાર્યકરોને સમજાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...