કુલપતિ સામે વિરોધ પ્રદર્શન:સૌ.યુનિ.માં સેનેટ ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થતા NSUIએ VC સામે ઢોલ વગાડી ઉગ્ર વિરોધ કર્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કુલપતિની ચેમ્બરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો - Divya Bhaskar
કુલપતિની ચેમ્બરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
  • NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાની યુનિવર્સિટી પોલીસ દ્વારા અટકાયત કરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ કારણોસર સેનેટ ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થતા કુલપતિ સામે ભાજપ -કોંગ્રેસના સભ્યોનો મોરચો મંડાયો છે. નિયત સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ ન થતા બંને પક્ષના સભ્યોનું સિન્ડિકેટ પદ જોખમમાં મુકાઈ તેમ છે. જેથી બંને પક્ષના આગેવાનો ધમપછાડા કરી રહ્યા છે. આજ રોજ ફરી યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉગ્ર રજુઆત કરી કુલપતિની ચેમ્બરમાં કરતાલ અને ઢોલ વગાડી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જે બાદ પોલીસ દ્વારા વિરોધ કરતા આગેવાનો અને કાર્યકર્તાની અટકાયત કરી લેવામાં આવી હતી.

વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

ઢોલ અને કરતાલ વગાડી ઉગ્ર સુત્રોચાર કર્યા
આગામી 23મેં 2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે ટર્મ પુરી થતાના 50 દિવસ પહેલા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું ફરજીયાત રહેતું હોય છે જો કે મતદાર યાદી કે ચૂંટણી અંગે જાહેરનામું હજુ સુધી પ્રસિદ્ધ ન થતા રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. અગાઉ થોડા દિવસ પહેલા મળેલી સેનેટની સભામાં પણ કોંગ્રેસ વિરોધ નોંધાવી ચૂંટણી જાહેર કરવા માંગ કરી હતી એ સમયે કુલપતિએ નિયત સમયમાં જાહેરાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જો કે જાહેરાત ન થતા આજે ફરી કુલપતિ ચેમ્બર ખાતે NSUIના કાર્યકર્તા અને આગેવાનો એ રામધૂન બોલાવી ઢોલ તેમજ કરતાલ વગાડી સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

બંને પક્ષના આગેવાનો ધમપછાડા કરી રહ્યા છે
બંને પક્ષના આગેવાનો ધમપછાડા કરી રહ્યા છે

ચૂંટણી લડી શકાય તેવી 43 સીટ છે
આજે કુલપતિ ચેમ્બરમાં ઢોલ વગાડી ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવતા NSUI અને યુથ કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાની રાજકોટ યુનિવર્સીટી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં ચૂંટણી લડી શકાય તેવી 43 સીટ છે. જેમાંથી 5 વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાગબટાઈથી 37 સીટ ભાજપે રાખી તો 8 કોંગ્રેસના ફાળે ગઈ છે.