વિરોધ:રાજકોટ મનપાના ડે.કમિશનરે હોકી સાથે દંડ વસૂલ્યાના વિરોધમાં NSUI હોકી સાથે મનપા કચેરીએ પહોંચ્યું, ટીંગાટોળી સાથે અટકાયત, ઝપાઝપીના દ્રશ્યો

રાજકોટ9 મહિનો પહેલા
રાજકોટ મનપા કચેરીના ગેટ પર ચડી NSUIના કાર્યકરો અંદર ઘૂસ્યા. - Divya Bhaskar
રાજકોટ મનપા કચેરીના ગેટ પર ચડી NSUIના કાર્યકરો અંદર ઘૂસ્યા.
  • ભાજપની રેલીમાં ડે.કમિશનર હોકી સાથે કેમ દંડ વસૂલવા પહોંચ્યા નહીં? -NSUI

રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર એ.કે. સિંહે ગઈકાલે મંગળવારે હોકી સાથે ગંદકી ફેલાવતા વેપારીઓ પાસેથી દંડ વસુલ્યો હતો. જેના વિરોધમાં આજે NSUI મનપા કચેરી ખાતે હોકી સાથે રજુઆત કરવા પહોંચ્યું હતું. પરંતુ કાર્યકરો મનપા કચેરીની અંદર પહોંચે તે પહેલા જ પોલીસે ગેટ બંધ કરી દેતા હોબાળો થયો હતો. NSUIના કાર્યકરો ગેટ પર ચડીને અંદર ઘૂસતા જ પોલીસ સાથે માથાકૂટ થઇ હતી. જો કે બાદમાં પોલીસે કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. આ સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતા.

NSUIના કાર્યકરની અટકાયત કરતી પોલીસ.
NSUIના કાર્યકરની અટકાયત કરતી પોલીસ.

NSUIના કાર્યકરો અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી
ગેટ બંધ કરતા સેવાદળના પ્રમુખ રણજીત મુંધવા, યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલ રાઠોડ, NSUIના પ્રમુખ રોહિત રાજપુત ગેટ પર ચડી અંદર ઘૂસ્યા હતા. આથી ગેટ પાસે જ પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઇ હતી. NSUIના પ્રમુખ રોહિત રાજપુત, રણજીત મુંધવા, કેતન જરીયા, ભાવેશ પટેલ, અભી તલાટીયા, યશ વાળા, મૌલેશ મકવાણા, હાર્દિક રાજપુત, ચિરાગ રાજપુર અને હુશૈન ઇરાનીની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. પોલીસ આ તમામને એ ડિવીઝન પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

NSUIના કાર્યકરો હોકી સાથે રજુઆત કરવા આવ્યા હતા.
NSUIના કાર્યકરો હોકી સાથે રજુઆત કરવા આવ્યા હતા.

NSUI હોકી સાથે ડે. કમિશનરને રજુઆત કરવા પહોંચ્યું હતું
ડે.કમિશનર એ.કે.સિંહ હોકી સાથે દંડ વસૂલવા નીકળતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. NSUIએ જણાવ્યું હતું કે, ગરીબ ધંધાર્થી પાસેથી દાદાગીર કરી હોકી સાથે દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે ગઇકાલે ભાજપની રેલી નીકળી ત્યારે ડે.કમિશનર ક્યાં હતા. રેલીમાં પણ હોકી સાથે પહોંચી દંડ કેમ વસૂલ્યો નહીં તેવો સવાલ ઉઠ્યો છે. અમે તો ડે.કમિશનરને હોકી સાથે રજુઆત કરવા આવ્યા હતા. પરંતુ પોલીસે ગેટ બંધ કરી દીધો હતો.

પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ.
પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ.

ડે.કમિશનરની કામગીરીને લઇ રાજકોટવાસીઓમાં અનેક સવાલ ઉઠ્યા
ડે.કમિશનરે ગઇકાલે લારી-ગલ્લાવાળાઓને, ગરીબ ધંધાર્થીઓને હોકી-સ્ટીકથી ખોટો ખૌફ બતાવી દંડ્યા હતા. સામાન્ય પ્રજાને દંડી આ અધિકારી શું સાબિત કરવા માંગે છે? રાજકોટમા કરોડોની જમીનો પર બિનકાયદેસર રીતે દબાણ છે તો ડે. કમિશનર એક વાર દબાણ હટાવવા જશે? આ રીતે ક્લાસ-વન અધિકારીઓ ગેરબંધારણીય રીતે હાથમા ધોકા-સ્ટીકો લઈને નિકળશે તે કેટલું વ્યાજબી? શું મહાનગરપાલિકામાં વિજીલન્સ ટીમ ન હતી તો પોતે હોકી સ્ટીક લઈને નિકળવુ પડ્યુ? પોલીસ આ અધિકારી પર કાર્યવાહી કરશે કે નહીં? સહિતના સવાલો રાજકોટવાસીઓમાં ઉઠ્યા છે