અનોખો વિરોધ:સૌ.યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિએ રૂ.1.19 લાખનો આઈફોન લેવા માટેની દરખાસ્ત મૂકી, NSUIએ ભીખ માગી કુલપતિને સોંપી વિરોધ કર્યો

રાજકોટ7 મહિનો પહેલા
રકમ એકઠી કરી ફાયનાન્સ બેઠકમાં ઉગ્ર સુત્રોચ્ચાર કરવા​​​​​​​ પહોચ્યા
  • 'કુલપતિ સાહેબના આઈ-ફોન માટે ભીખ આપશોજી' લખી NSUIએ રૂપિયા એકઠા કર્યા
  • ડો.ભીમાણી ખુરશીનો ગેરઉપયોગ કરી વિદ્યાર્થી વિકાસ ફંડના પૈસા વેડફે છે, તેમને વધારાના મોબાઇલની શુ જરુર ??: NSUI

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાયનાન્સ બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. જેમાં અલગ-અલગ વિદ્યાર્થીલક્ષી કાર્યો, આગામી પ્રોજેક્ટો જેવી બાબતોની ચર્ચા-વિર્મશ બાદ દરખાસ્તની મંજુરી આપતા હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે સરકાર દ્રારા નવનિયુક્ત ઇન્ચાર્જ કુલપતી ડો. ગીરીશ ભીમાણીએ રૂ.1.19 લાખનો આઈ-ફોન ખરીદવા માટેની દરખાસ્ત મુકતા વિદ્યાર્થીઓમાં ચારે તરફ ટીકાઓ થઈ રહી છે.

ઇન્ચાર્જ કુલપતી ડો. ગીરીશ ભીમાણી
ઇન્ચાર્જ કુલપતી ડો. ગીરીશ ભીમાણી

ડો.ભીમાણી ખુરશીનો ગેરઉપયોગ કરે છે
આ અંગે રાજકોટ NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, સરકાર દ્રારા યુનિવર્સિટીના કુલપતિને મળવા પાત્ર તમામ સુવિધાઓ મળતી હોય છે. તેનો વિરોધના હોય શકે પરંતુ જો કોઈ આ જ ખુરશીનો ગેરઉપયોગ કરી ખોટા ખર્ચાઓ કરી હાઈફાઈ અને ઠાઠમાઠ લાઈફસ્ટાઈલ જીવવા માટે વિદ્યાર્થી વિકાસ ફંડના પૈસા વેડફશે તો જાગૃત વિદ્યાર્થી સંગઠન તરીકે ચોક્કસપણે વિરોધો કરી આવા ખર્ચાઓ અટકાવશુ. અમને મળતી માહીતી મુજબ કુલપતી ડો.ભીમાણીએ રૂ.1.19 લાખનો આઈ-ફોન ખરીદવા દરખાસ્ત કરી છે. ખરેખર સાહેબ આ જ મોબાઇલ ખરીદવાની 19 હજારની દરખાસ્ત પણ મુકી શકે અન્યથા જો વિદ્યાર્થીઓ હીત ઇચ્છતા જ હોય તો અત્યારના જમાનામા બધા પાસે ફોન તો હોય તો પછી અલગથી વધારાના મોબાઇલની શું જરુર ??

રકમ એકઠી કરી ફાયનાન્સ બેઠકમાં ઉગ્ર સુત્રોચ્ચાર કરવા પહોચ્યા
રકમ એકઠી કરી ફાયનાન્સ બેઠકમાં ઉગ્ર સુત્રોચ્ચાર કરવા પહોચ્યા

કુલપતિ સાહેબના આઈ-ફોન માટે ભીખ આપશોજી
આજે રાજકોટ જીલ્લા NSUIના કાર્યકરો દ્રારા યુનિવર્સિટીના કેમ્પસમા રીક્ષા ચાલકો,કેન્ટીન,કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, રાહદારીઓ પાસેથી ડબ્બાઓ સાથે ભીખ માંગી 'કુલપતિ સાહેબના આઈ-ફોન માટે ભીખ આપશોજી' લખાણ સાથે રકમ એકઠી કરી ફાયનાન્સ બેઠકમાં ઉગ્ર સુત્રોચ્ચાર કરવા પહોચ્યા હતા અને જણાવ્યું હતું કે, ખોટા ખર્ચાઓ, તાયફાઓ બંધ કરો, શરમ કરો શરમ સાહેબ' ના નારા લગાવી કહ્યું હતું કે, જો આ દરખાસ્ત મંજુર થશે તો NSUI આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.

NSUI આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે
NSUI આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

ડો.પેથાણી લાખોની કિંમતની બેડશીટ ખરીદી
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો.નીતિન પેથાણીએ પણ પોતાના ઘરમાં બેડશીટ તેમજ અન્ય ચીજ વસ્તુની લાખોની કિંમતની ખરીદ કરી વિવાદમાં આવ્યા હતા ત્યારે નવનિયુક્ત ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી આઈફોનની ખરીદ કરવાની દરખાસ્ત મુકતા વિવાદમાં આવ્યા છે.