વિરોધ પ્રદર્શન:રાજકોટમાં એક્ટિવાને સાઇકલના ગાડાંમાં ઢસડી NSUI અને યુથ કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો, ટીંગાટોળી કરી અટકાયત

રાજકોટ10 મહિનો પહેલા
  • ભાજપ સરકાર આમ આદમીને પડતો મોંઘવારીનો માર રોકવામાં નિષ્ફળ હોવાનો કોંગેસનો આક્ષેપ

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો કોરડો વિંઝાયો છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.100 થઈ જતા પહેલેથી જ કમ્મરતોડ મોંઘવારીથી પીડાતી પ્રજાની પીડામાં વધુ વધારો થયો છે. 7 ઓક્ટોબરે પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને અમદાવાદમાં રૂ.100.04 પ્રતિ લિટર પહોંચી ગયો છે. રાજકોટમાં મોંઘવારીને લઈનેNSUI અને યુથ કોંગ્રેસે એક્ટિવાને સાઇકલના ગાડાંમાં ઢસડી રસ્તા પર ચક્કાજામ કરી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. જેથી ચક્કાજામ કરનાર કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી છે.

મધ્યમવર્ગની કમર ભાંગી ગઈ છે
આ વિરોધ પ્રદર્શનમાં 'ભાજપ સરકાર હાય હાય' જેવા સૂત્રોચ્ચાર સાથે કોંગી કાર્યકરોએ ભાજપની સરકાર આવ્યા બાદ દરેક વસ્તુમાં ભાવ સતત વધ્યો છે, શાકભાજી અને તેલમાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે.લોકોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે. ભાજપ સરકારમાં મોંઘવારી આકાશ આંબી ગઈ છે.ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. સતત વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલના ભાવ વધી જતાં મધ્યમવર્ગની કમર ભાંગી ગઈ છે.

ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે : કોંગ્રેસ
વધુમાં કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું કે,પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેવામાં ઓછું હતું તો CNGના ભાવમાં પણ વધારો થતા દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. જનતામાં આક્રોશ છે, પરંતુ બોલી શકાતું નથી. આ સમયે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પ્રહારો કર્યા હતા.કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ પર નિયંત્રણ લાવવા માટે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, લોકોમાં પણ આ બાબતે ઉગ્ર રોષ છે. આ વિરોધ પ્રદર્શનમાં સરકાર સામે સૂત્રોચ્ચાર કરતાં પોલીસ દોડી આવી હતી અને એક પછી એક પ્રત્યેક કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી