સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે કુલપતિની અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના જોડાણ, નવા અભ્યાસક્રમને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આવતા વર્ષ એટલે કે વર્ષ 2022થી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ એનસીસીની તાલીમ મળી શકશે. યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં એનસીસીને ઈલેક્ટિવ વિષય તરીકે મંજૂરી મળી છે.
આ ઉપરાંત દરેક ફેકલ્ટીમાં સ્ત્રી સશક્તિકરણનું પણ એક ચેપ્ટર સામેલ કરવાની દસ્ખાસ્તને મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી વર્ષ જૂન-2022થી લાગુ કરવા માટે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આવતા વર્ષે યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને નવો કોર્સ ભણાવાશે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિની અમલવારી માટે દરેક ફેકલ્ટીના ડીન અને અધરધેન ડીન આગામી ડિસેમ્બર સુધીમાં જે-તે ફેકલ્ટીનો નવો અભ્યાસક્રમ ઘડી કાઢશે, અને સંભવત: જૂન-2022થી યુનિવર્સિટીના ભવનો અને કોલેજોના વિદ્યાર્થીને નવો અભ્યાસક્રમ ભણાવાશે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ પ્રમાણે નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે, વધુમાં વધુ પ્રોજેક્ટ વર્ક, પ્રેક્ટિકલ શિક્ષણ, શ્રેષ્ઠ રિસર્ચ અને સ્ટાર્ટઅપ કરી શકે તેવી બાબતોને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે.
શુક્રવારે મળેલી બેઠકમાં કાયમી જોડાણ આપવાના સંદર્ભમાં એવું નક્કી થયું છે કે જે કોલેજો યુનિવર્સિટીના ધારા-ધોરણો, નિયમો મુજબ બંધબેસતું હોય તેણે કાયમી જોડાણ આપવું. ચાલુ જોડાણના સંદર્ભમાં દરેક કોલેજે વર્ષ 2022 પહેલા શિક્ષકોની ખાલી જગ્યા ભરી દેવાની રહેશે નહીંતર આવતા વર્ષે તે જે કોલેજમાં પૂરતા શિક્ષકો નહીં હોય તે કોલેજનું જોડાણ રીન્યુ નહીં થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.