• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Notices Will Be Issued To 30,000 Tax Collectors Of The State Collecting Black Money On The Pretext Of Donating To Political Parties.

નોટિસ:રાજકીય પક્ષોને દાન આપવાના બહાને કાળું નાણું ભેગું કરતા રાજ્યના 30 હજાર ટેક્સચોરને નોટિસ ફટકારાશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય પાર્ટીને ડોનેશનનો ચેક અપાતો, પાર્ટી 10 ટકાથી વધુ કમિશન લઈ રોકડ આંગડિયાથી પરત આપી દેતી

ગત બુધવારે દેશભરમાં રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે. આ દરોડા પાડ્યા બાદ આવકવેરા વિભાગ પાસે રાજકીય પક્ષોને ડોનેશન આપનારાના નામ પહોંચ્યા છે. તપાસ પરથી માલૂમ પડ્યું છે કે, 30 ટકા ટેક્સથી બચવા માટે રાજકીય પાર્ટીઓને નોકરિયાત વર્ગ ડોનેશન આપતા હતા. તેમાંથી 10 ટકા કમિશન કાપી લઇને બાકીની રકમ ડોનેશન આપનારને આંગડિયા મારફત નાણાં મોકલી દેવાતા હતા. આ કૌભાંડમાં રાજકીય પક્ષો અને ટેક્સ કન્સલ્ટન્ટની ભૂમિકા બહાર આવી છે.

તેમ આવકવેરા વિભાગના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. એક અંદાજ મુજબ આ પ્રકારે ડોનેશન આપનારા ગુજરાત રાજ્યના 30 હજારથી વધુ ટેક્સચોરોને નોટિસ ફટકારવામાં આવશે. તેમ સીએ રાજુભાઇ દોશી જણાવે છે. વધુમાં આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આ પ્રકારે થતી ટેક્સચોરીમાં સૌથી વધુ નોકરિયાત વર્ગ છે. જે બેંક, કોર્પોરેટ- લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે અને તેનો પગાર રૂ. 10 લાખ કે તેથી વધુ છે. સામાન્ય રીતે આ લોકોને 30 ટકા લેખે ટેક્સ ભરવાનો થાય છે, પરંતુ 30 ટકા ટેક્સ ન ભરવો પડે તે માટે કાગળ પર ચાલતી હોય તેવી પાર્ટીઓને ડોનેશન આપતા હતા.

આ ડોનેશનમાંથી જે તે પક્ષ કે વચેટિયા 5થી 10 ટકા સુધી કમિશન કાપીને તેને બાકીની રકમ પરત કરી દેતા હતા. 148 કલમ હેઠળ આ કેસમાં ટેક્સ- વ્યાજ વસૂલાત અને કાર્યવાહી થઈ શકશે. આ કલમ અંતર્ગત 3 વર્ષ જૂના વ્યવહારો ખૂલશે અને તે તમામની ચકાસણી કરવામાં આવશે. હાલ નામની યાદી ચકાસવામાં આવી રહી છે. નોકરિયાત વર્ગ પછી બીજા ક્રમે વેપારી, ઉદ્યોગપતિ, બિલ્ડર્સનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે મોટેભાગે કાગળ પર જ ચાલતી રાજકીય પાર્ટીમાં આ પ્રકારનું ડોનેશન સૌથી વધુ આવતું હોવાનું આવકવેરા વિભાગના ધ્યાને આવ્યું છે. ગુજરાતમાં 125 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાત સહિત દેશભરમાં હાથ ધરેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કેટલાક રાજકીય પક્ષો શંકાસ્પદ લેવડ-દેવડની સાથે ટેક્સ છૂટ લેતા હતા. પરંતુ ચૂંટણી ખર્ચની વિગત આપતા નહોતા. 2018-2019 અને 2019-2020 માં કરોડો રૂપિયાની ટેક્સચોરીનો લાભ લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચની ફરિયાદ મળ્યા બાદ આવકવેરા વિભાગે આ પ્રકારની કાર્યવાહી કરતા ટેક્સચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...