• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Notice To More Than 15 Candidates Who Did Not Submit Account Of Election Expenses, Party Gave 25 Lakhs To Dr. Shah For Expenses

રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જસદણ ખાતે સભા ગજાવશે,બાવળિયાના ગઢમાં શક્તિ પ્રદર્શન

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

મિશન 150 પ્‍લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો ભાજપના સ્‍ટાર પ્રચારકો ખુંદી વળ્‍યા છે. રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા, યોગી આદિત્‍યનાથ, અનુરાગ ઠાકુર, સ્‍મૃતિ ઈરાની સહિત અને કેન્‍દ્રના નેતાઓ તેમજ ભાજપના રાજયના ધારાસભ્‍યો પણ અલગ અલગ વિધાનસભા વિસ્‍તારમાં સભાઓ ગજવી રહ્યાં છે. તેમાં જ ભાજપના દિગ્‍ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે જસદણ ખાતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાના પ્રચાર-પ્રસાર અર્થે સભા ગજાવશે. અને ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કરશે. હાલ ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી રાજકોટની મુલાકાતે
રાજકોટ આજે ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીની કમલમની મુલાકાત લીધી અને પત્રકાર પરિષદને સંબોધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે,જનસંઘની સ્થાપના રાજકોટથી થઈ હતી. વડાપ્રધાન પોતાની રાજકીય કાળની પ્રથમ ચૂંટણી અહીંથી લડ્યા હતા. અને ભાજપે રાજકોટને ઘણું આપ્યું છે. એઇમ્સ અને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેનું ઉદાહરણ છે. પાણીની સમસ્યાઓમાંથી અહીં લોકોને કાયમી માટે મુક્તિ મળી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ અહીં સભા કરી હતી, તેઓ એવા વ્યક્તિના ખભે હાથ રાખી ચાલી રહ્યા છે કે જેઓએ ગુજરાતનો 20 વર્ષ સુધી વિકાસ રુંધ્યો છે. જયારે સાવરકર અંગે આપેલ તુષાર ગાંધીના નિવેદનને તેમના અંગત વિચારો ગણાવ્યા હતા.

મોરબી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, મોરબીની ઘટનાથી ગુજરાતમાં શોકનો માહોલ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભાવાંજલી આપતા જણાવ્યું કે, મોરબીની જે ઘટનાથી ગુજરાત જ નહી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આ ઘટના માત્ર દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ જ નથી પણ હૃદયદ્રાવક છે અને જે પ્રકારે ત્યાં લોકો સાથે ઘટના થઈ બાળકોના મોત થયાં નિશ્ચિતપણે કોઈ પણ જોશે તો તેના મનમાં કરૂણા પણ ઉત્પન્ન થશે અને ક્ષોભ પણ ઉત્પન્ન થશે પણ ઘટના થયાં બાદ ઘટના થવી એક અલગ વિષય છે તેના પર કોનું નિયંત્રણ છે કોનું નહી પણ ઘટના થયાં બાદ સરકારે તત્પરતા અને સક્રિયતા સાથે કામગીરી કરી પંદર મિનિટમાં NDRFની ત્યાં એક્શન શરૂ થવી શક્ય બને એટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. મોરબી દુર્ઘટનામાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જે દોષિત હશે તેની સામે ચોક્કસ કાર્યવાહી થશે.

ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરનારા 15થી વધુ ઉમેદવારોને નોટિસ
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં 65 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. તેઓ દ્વારા દરરોજ સમયસર હિસાબ ચૂંટણી વિભાગને રજુ કરવાના હોય છે. પરંતુ 15થી વધુ ઉમેદવારો એવા છે જેમણે ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નથી કર્યો. જેથી તેમને ચૂંટણી પંચ દ્વારા હિસાબ માટે ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે. જો કે, ચૂંટણી ખર્ચ મામલે કાર્યવાહી કરવા ચૂંટણી તંત્ર મૌન સાધીને બેઠું છે. નોંધનીય છે કે, ભાજપના રમેશ ટીલાળા, કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ અને AAPના શિવલાલ બારસિયા આજે હિસાબ રજૂ કરશે. જયારે ડો.દર્શીતા શાહને ભારતીય જનતા પાર્ટીએ ખર્ચ માટે 25 લાખ આપ્યા હોવાનું અને મનસુખ કાલરીયાએ 45 હજારનો ખર્ચ કર્યાનું જાણવા મળી રહ્યું છે.

કુંવરજી બાવળીયાએ 4 દી’માં 3.58 લાખ ખર્ચ્યા
જસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ જસદણના ચૂંટણી અધિકારી રાજેશ આલ સમક્ષ ચૂંટણી ખર્ચ રજૂ કર્યા હતા. જેમાં જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તા.14 થી 17 સુધીનો કુલ રૂ.3,58,180 નો ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં ફોર્મ ભરવાના દિવસે 1720 વ્યક્તિનો રૂ.110 મુજબનો ભોજનનો ખર્ચ રૂ.1,89,200, ખુરશીનું ભાડું રૂ.8600, મંડપ સર્વિસના રૂ.15,380, રેલીમાં ચા-પાણીના રૂ.7500, પ્રચાર માટેની ગાડીમાં પેટ્રોલ-ડિઝલનો ખર્ચ, ડીજેનો ખર્ચ, ઉમેદવારી કરવાની ડિપોઝીટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.

કુંવરજી બાવળિયા - ફાઈલ તસવીર
કુંવરજી બાવળિયા - ફાઈલ તસવીર

ભોળાભાઇએ 7 દી’માં 1.30 લાખ વાપર્યા
જ્યારે જસદણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે તા.10 થી 17 સુધીનો કુલ રૂ.1,30,330 નો ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ફોર્મ ભરવાના દિવસે 300 વ્યક્તિનો નાસ્તાનો ખર્ચ રૂ.21,000, ચા-પાણીના રૂ.4000, સાઉન્ડ સિસ્ટમના રૂ.3000, મંડપ સર્વિસના રૂ.9000, પેટ્રોલ-ડીઝલ ખર્ચ રૂ.5000, બેનર ખર્ચ રૂ.8000, ડીજેનો ખર્ચ, ચૂંટણી ડીપોઝીટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.

ભોળાભાઈ ગોહિલ - ફાઈલ તસવીર
ભોળાભાઈ ગોહિલ - ફાઈલ તસવીર

પાર્ટીના ઉમેદવારોએ નિયમ મુજબ ખર્ચ રજૂ કર્યો
સાથોસાથ જસદણ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણાએ પેટ્રોલ-ડીઝલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ વગેરે મળી કુલ રૂ.40,569 નો ખર્ચ, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજીભાઈ ડાંગરે ડીપોઝીટ તેમજ નોટરી મળીને કુલ રૂ.12,500 નો ખર્ચ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાએ રૂ.3300 ભોજન ખર્ચ, સ્ટેશનરી નોટરી ડીપોઝીટ વગેરે મળીને કુલ રૂ.21,240 નો ખર્ચ રજૂ કર્યો હતો.જો કે અહીં સવાલ એ થાય છે કે, જે તે પાર્ટીના ઉમેદવારોએ નિયમ મુજબ ખર્ચ રજૂ કર્યો છે.

પોલીસે 12 હજારથી વધુ લોકો પર અટકાયતી પગલાં લીધા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થઈ શકે તે માટે ગ્રામ્ય પોલીસ દ્વારા ચૂંટણી જાહેર થયાના 18 દિવસમાં 12,960 લોકો પર વિવિધ ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં 20 નવેમ્બર દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગત આપતા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા 45 શખ્સ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ 115 જેટલા શખ્સને તડીપાર કરવામાં આવ્યા છે. જ્યારે સી.પી.સીની વિવિધ કલમો 107, 108 અને 110 હેઠળ 11,863 લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશન હેઠળ 937, જુગારધારાના 60 ઉપરાંત પ્રોહિબિશનના 554 કેસ કરવામાં આવ્યા છે.

2544 ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યા
હાલ સમગ્ર જિલ્લામાં ચૂંટણી પ્રચારની કામગીરી ચાલી રહી છે. તેમજ આગામી 1 ડિસેમ્બરે મતદાન પ્રકિયા હાથ ધરવમાં આવશે, ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના વડપણ હેઠળ તથા ખાસ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયાના નિરીક્ષણમાં પોલીસ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. શહેરમાં દારૂ, માદક દ્રવ્યો તેમજ રોકડ સહિતની હેરાફેરી રોકવા શહેર ફરતે 9 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા ચૂંટણી જાહેર થઈ ત્યારથી એટલે કે 3 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીમાં 2544 ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે 2929 હથિયાર જમા લેવામાં આવ્યા છે.

દારૂની 3767 બોટર જપ્ત કરી
દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં, રૂ.12,23,425ની કિંમતનો 3767 બોટલ (2021 લીટર) વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જ્યારે રૂ.55,590ની કિંમતનો 2780 લીટર દારૂ જપ્ત કર્યો છે. 3 નવેમ્બરથી 21 નવેમ્બર સુધીમાં 58 શખ્સોને તડીપાર કરાયા છે, જ્યારે 57 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જ્યારે 934 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા 10 આરોપી તથા ગંભીર ગુનામાં સંડોવાયેલા 20 આરોપી મળી 30 જેટલા આરોપીને ઝડપી લીધા છે. એન.ડી.પી.એસ. અંતર્ગત પોલીસે આશરે રૂ.1,71,100ની કિંમતનું 17.11 ગ્રામ મેફી ડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. ચેકપોસ્ટ પર તહેનાત પોલીસ સ્ટાફે દારૂ પીને વાહન ચલાવવાના ગુના અંતર્ગત 28 કેસ કર્યા છે, જ્યારે જાહેરનામા ભંગના 71 કેસ કર્યા છે. આ સમગ્ર કામગીરી આશરે 1400 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં 5882 શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલા
રાજકોટ શહેરમાં વિધાનસભાની ચૂંટણીને લઇ અનિચ્છનીય બનાવ ન બને અને ગુનાખોરી ઘટાડવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને જેસીપી સૌરભ તોલબિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ મથકમાં અલગ અલગ ગુના કરવાની ટેવ ધરાવતા 33 જેટલા શખ્સોને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે, જ્યારે 60 જેટલા શખ્સોને રાજકોટ જિલ્લાની બહાર તડીપાર કરવામાં આવ્યા છે અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા એવા કુલ 5882 જેટલા શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના 2500 સુરક્ષા કર્મી બેલેટ પેપરથી મતદાન કરશે
1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને પ્રથમ તબક્કાનું મતદાન થશે. જેમાં રાજકોટની આઠ બેઠકો માટે પણ મતદાન યોજાશે. આ ચૂંટણી બંદોબસ્તમાં મોટાભાગનો પોલીસ સ્ટાફ રોકાઈ ગયો છે. પોલીસ અધિકારીઓ પણ ફિલ્ડમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા રાજકોટ જિલ્લા પોલીસના લગભગ 1100 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો મળી 2500 આસપાસના સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે.