રાજકોટ શહેરમાં પાંચ બ્રિજના કામ ચાલી રહ્યા છે તે પૈકી એક બ્રિજ 31-7 અને બે બ્રિજ 31-08 સુધીમાં પૂરા થશે તેવી જાહેરાત કરાઈ હતી પણ આ તારીખ નજીક આવતાં જ હજુ પણ કામ ધીમું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે મનપા દ્વારા કોન્ટ્રાકટ એજન્સીઓને કામ ઝડપથી પૂરું કરવા તાકીદ કરાઈ છે.
એજન્સીએ હવે 24 કલાક કામ કરવું પડશે
આ અંગે મેયર ડો. પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે, બ્રિજના કામને લઈને સમયાંતરે રિવ્યૂ બેઠક મળતી હોય છે જેમાં તમામ બાબતો આવરી લેવાય છે અને કામ ઝડપથી પૂરા કરવા આયોજન થાય છે. આ વખતે મળેલી રિવ્યૂ બેઠકમાં એજન્સીઓના પ્રોગ્રેસ રિપોર્ટ જોતા કામ હજુ ધીમું ચાલવાનું સામે આવ્યું છે. કારણ કે હોસ્પિટલ ચોક બ્રિજ કે જેની છેલ્લી તારીખ 31-07 અપાઈ છે તેનું કામ હજુ 15 ટકા બાકી છે. જ્યારે 150 ફૂટ રિંગ રોડના બંને બ્રિજની છેલ્લી તારીખ 31-08 છે પણ તેમાં હજુ 30 ટકાથી વધુ કામ કરવાનું બાકી છે. આ કારણે એજન્સીઓને 24 કલાક કામ કરવા માટે સૂચના અપાઈ છે અને હવે કોઇપણ રીતે કામ પૂરું કરવાનું રહેશે મુદત વધારો અપાશે નહીં
બ્રીજ નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ
કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં પણ બ્રીજના કામમાં કયારેક કયારેક ગતિ મંદ પડે છે. તો કે.કે.વી. ચોકનો મલ્ટીલેવલ બ્રીજ તો મનપા ખુદ પડકારજનક પ્રોજેકટ માને છે. તેનો ખાસ રીવ્યુ અધિકારીઓએ કર્યો છે. 150 ફુટ રીંગ રોડ પર હયાત બે બ્રીજની દિશામાં જ રામાપીર ચોક અને નાના મવા ચોકમાં બ્રીજના કામ મોટા ભાગે નિયમિત ચાલે છે પરંતુ એકંદરે તમામ પ્રોજેકટને કોરોના કાળે અસર કરી છે. તેમાં ગત મહિને કવોરી સંચાલકોની હડતાલે પણ કામ પર પ્રભાવ પાડયો હતો. હવે વરસાદ આવે એ પહેલા વધુમાં વધુ કામ થઇ જવું અનિવાર્ય છે. વર્ષના અંતે ચૂંટણીઓ પણ આવી રહી છે.
ચૂંટણી પહેલા લોકાર્પણ કરવાની ગણતરી
આમ તો જડ્ડુસ, કેકેવી ચોક બ્રીજ માટે ટેન્ડરની મુદ્દત વધુ છે. પરંતુ તંત્ર આ કામો ઝડપી કરાવવા લાગ્યું છે. આ કામમાં કયાંક કયાંક સ્પીડ તુટતી હોય, વધુ ઝડપ માટે મૌખિક સૂચના અપાયા બાદ ફરી એજન્સીને નોટીસ આપીને તાકીદ કરાઇ છે. એકંદરે વરસાદ પહેલા વધુમાં વધુ કામ થાય અને ચૂંટણી પહેલા વધુમાં વધુ લોકાર્પણો થઇ જાય તેવી મહાપાલિકાની ગણતરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.