તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર મધર:મહિલાઓ સ્મશાનમાં જતી નથી પરંતુ રાજકોટમાં 7 વર્ષની દીકરીની માતાએ PPE કીટ વિના 123 કોવિડ મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેની ટીમ દ્વારા સરાહનીય કામગીરી

આજે મધર્સ ડે છે અને આ મધર્સ ડે પર વિશેષ વાત કરીશું કોરોના વોરિયર્સ માતાની. કોરોનાની વૈશ્વિક મહામારી અને તેમાં પણ બીજી ઘાતક લહેર કે જેમાં કોરોના પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધતો રહ્યો છે. જે પણ એક ચિંતાનો વિષય છે. આજે કેસોમાં અને મૃત્યુઆંકમાં આંશિક રાહત જરૂર જોવા મળી છે. પરંતુ સાવચેતી આજે પણ તેટલી જ જરૂરી છે કોરોના જંગ જીતવા માટે. રાજકોટની 7 વર્ષની દીકરીની માતા વિશે વાત કરવી છે જે PPE કીટ પહેર્યા વિના જ કોવિડ મૃતદેહના અંતિમસંસ્કાર કરે છે. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અત્યાર સુધીમાં 123 કોરોના મૃતદેહની અંતિમવિધી કરી ચૂક્યા છે.

PPE કીટ પહેર્યા વગર અંતિમવિધી કરે છે
સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે ઘરમાં બંધ અનેક દર્દીઓને સેવા કરી છે. ઘરમા એકલવાયું જીવન જીવતા અનેક લોકોને છોડાવી પરિવારની જેમ હુંફ પણ આપી છે. હાલની પરિસ્થિતિમાં લોકોએ સ્વજનો ગુમાવ્યા છે તેની અંતિમવિધિ માટે જતા પરિવારો પણ ડરે છે તેવા સમયે જલ્પાબેનને સાત વર્ષની દીકરી હોવા છતાં પણ અજાણ્યા લોકોના અંતિમસંસ્કાર કરી રહ્યાં છે. એટલું જ નહિ સ્મશાનમાં જઇ પોતે જ ચિતા પણ બનાવે અને વિધિ પણ કરે છે. આ બધું જ PPE કીટ પહેર્યા વગર કરી રહ્યાં છે. કેટલીકવાર તો સાત વર્ષની દીકરીને પણ સ્મશાને લઈ જાય છે.

જલ્પાબેન અને તેની ટીમનું સરાહનીય કાર્ય.
જલ્પાબેન અને તેની ટીમનું સરાહનીય કાર્ય.

દીકરીને પણ સેવાનું સંસ્કારરૂપી સિંચન પૂરુ પાડે છે
આજે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના રહેવાસી જલ્પાબેન પટેલ કે જેઓ રિયલમાં કોરોના વોરિયર્સ મધર તરીકે સન્માનિત કરવા લાયક છે. જલ્પાબેન પટેલ પોતાની 7 વર્ષની પુત્રી અને સમગ્ર ટીમને સાથે રાખી ખરા અર્થમાં અનોખી સેવા કરી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને મદદરૂપ બને છે. અને તેમની દીકરીમાં અત્યારથી સેવાનું સંસ્કારરૂપી સિંચન પૂરું પાડે છે.

જલ્પાબેન તેની 7 વર્ષની દીકરી અને ટીમ સાથે.
જલ્પાબેન તેની 7 વર્ષની દીકરી અને ટીમ સાથે.

મહિલાઓ સ્મશાને જતી નથી- જલ્પાબેન
જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, આજના સમયમાં પણ મહિલાઓ સ્મશાને જતી નથી. પરંતુ કેટલાક પરિવાર એવા હોય છે કે જેમને અંતિમવિધી કરવા માટે કોઇ હાથ મળતો નથી અને તેવા લોકોને મદદ સમગ્ર ટીમ પુરી પાડે છે. તેઓ તેમની 7 વર્ષની પુત્રીને સાથે લઇ જઇ સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમસંસ્કાર કરી આપે છે. અત્યાર સુધી તેઓ 123 મૃતદેહની અંતિમ વિધી કરી ચુક્યા છે અને હજુ પણ કોઇ મદદ માંગશે તો તેમની મદદ અવિરત ચાલુ રાખશે.