તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાપ્રૂફ ગામ:ઉપલેટાનું સંધી કલારીયા ગામને કોરોનાએ સ્પર્શ પણ કર્યો નથી, મેળાવડા, ફેરિયાઓ અને ગામ બહારના લોકોને આવવા પર પ્રતિબંધ

રાજકોટએક મહિનો પહેલા
  • 750ની વસ્તી ધરાવતુ સંધી કલારિયા ગામના લોકોની જાગૃતતા પ્રેરણા બની
  • ઉકાળા વિતરણ અને ઘરે-ઘરે સતત હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવે છે

ગામડાની વાત આવે એટલે શુદ્ધ હવા, પાણી, ખોરાક અને કુદરતને ખોળે વસતા ચહેરા પર નિર્દોષ હાસ્ય અને દરિયાદિલી સાથેના લાગણીશીલ માણસોની કલ્પના મનમાં તાદ્રશ્ય થાય છે. છેલ્લા એક વર્ષથી કોરોનાએ સમગ્ર માનવજાત સામે રૌદ્ર સ્વરૂપ દેખાડતા સમગ્ર જનજીવન બદલાય ગયું છે. આ પ્રકોપ સામે શહેરની સાથોસાથ ગામડાંઓમાં પણ તેની અસર દેખાડી છે. પરંતુ કેટલાક ગામો એવા છે, જ્યાં આ કાળમુખો કોરોના જોજનો દૂર રહ્યો છે. જેમાનું એક ગામ એટલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું 750ની વસ્તી ધરાવતુ સંધી કલારિયા ગામ. અહીં સામાજિક મેળાવડા, ફેરિયાઓ અને ગામ બહારના લોકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી આજે પણ આ ગમા કોરોનાપ્રૂફ બની રહ્યું છે.

બિમારી હોય તેવા લોકોની સતત તબીબી ચકાસણી કરવામાં આવે છે
ગામને કોરોનામુક્ત રાખવાની સફળતાની ચાવી આપતા સરપંચ અબાભાઈ આલીભાઈ સંધીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જ્યારે કોરોના આવ્યો ત્યારથી ગ્રામજનો જાગૃત બની જરૂરી તમામ તકેદારી રાખી રહ્યાં છે. ગામમાં સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ, ફેરિયાઓ તેમજ ગામ બહારના લોકોને આવવા પર પ્રતિબંધ, લોકોની બીમારી સબબ સતત ચકાસણી જેવા અનેક પગલાંઓ થકી કોરોના ગામમાં આવતા અટકાવ્યો છે.

તબીબી ચેકઅપ રોજ થાય છે.
તબીબી ચેકઅપ રોજ થાય છે.

રમજાનમાં ગામની મસ્જિદ પણ બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટીઓએ લીધો
સરપંચ વધુમાં જણાવે છે કે, માત્ર એટલું જ નહીં, રમજાન માસ હોવા છતાં ગામની મસ્જિદ પણ બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટીઓએ લીધો છે. સ્વયં શિસ્ત જાળવી લોકો ઘરેથી જ નમાજ પઢી લે છે. શાકભાજી-કરિયાણું ચાર-પાંચ ઘરદીઠ કોઈ એક વ્યક્તિ જરૂર પ્રમાણે લાવી આપે છે. અન્ય લોકોના સંપર્કમાં બિનજરૂરી આવવાનું ખાસ ટાળવું જોઈએ તેવી મારી સૌને અપીલ છે. મારા ગામમાં કોરોના આવ્યો ત્યારથી લોકોએ સ્વયં શિસ્ત જાળવી અને જેનું પરિણામ આજે જોવા મળ્યું છે.

પરિવારજનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેન કરવામાં આવે છે.
પરિવારજનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેન કરવામાં આવે છે.

ઉકાળા વિતરણ અને ઘરે-ઘરે સતત હેલ્થ ચેકઅપ કરવાની કામગીરી
કોલકી પી.એચ.સી. સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. હેપ્પી પટેલ આરોગ્ય વિભાગ દ્વારા કરાતી કામગીરી અંગે જણાવે છે કે, અમારા હેલ્થ સેન્ટર હેઠળ આવતા ગામોના લોકોમાં ઇન્ફર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશનથી કોરોના સંદર્ભે સઘન જનજાગૃતિ અભિયાન અમારી ટીમ દ્વારા ચલાવાય રહ્યું છે. જેને પરિણામે લોકોમાં ખૂબ જાગૃતિ આવી છે. ગામના લોકોને કોરોના અંગે સચોટ માર્ગદર્શન, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જેવી બાબતો સમજાવવામાં આવી રહી છે. ઉકાળા વિતરણ અને ઘરે-ઘરે સતત હેલ્થ ચેકઅપ કરવાની કામગીરીથી કોરોનાના કેસ સૌથી ઓછા છે. જ્યારે સંધી કલારિયા ગામમાં તો એક પણ કોરોનાનો કેસ નોંધાયો ન હોવાથી મને ગૌરવ છે.

750 વસ્તી ધરાવતું ગામ.
750 વસ્તી ધરાવતું ગામ.

સંધી કલારિયા ગામ અન્ય ગામો માટે પ્રેરણા બન્યું
મુખ્યમંત્રીએ જડમૂળથી કોરોના દૂર કરવા માટે શહેરોની સાથોસાથ તમામ ગામો કોરોનામુક્ત બને તે દિશામાં ખાસ અભિયાન ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’નો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સંધી કલારિયામાં કોરોનાના એક પણ કેસ ન આવે, તેની કાળજી સાથે અન્ય ગામ માટે પ્રેરણા બન્યું છે. દરેક ગામમાં આ રીતે જો નિયમો અને કાળજી રાખવામાં આવે તો આપણે કોરોનારૂપી મહામારી સામે અવશ્ય જીત મેળવી શકીએ.

અન્ય સમાચારો પણ છે...