તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીઝલે ખેડૂતોને દઝાડ્યા:ટ્રેક્ટર પોસાતું નથી, બળદ સાચવવા અશક્ય, કણકોટમાં ખેડૂતો જાતે હળે જુતી જમીન ખેડી, કહ્યું- ભાવ વધતો રહેશે તો ભૂખે મરવાનો વારો

રાજકોટ3 મહિનો પહેલા
કણકોટમાં ખેડૂતો હળે જુતી જમીન
  • સરકાર આ મુદ્દે ધ્યાન આપી ત્વરિત પગલાં ભરે તેવી ખેડૂતોમાં માંગ

દેશભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં અસહ્ય વધારો થતાં મોંઘવારીએ માઝા મૂકી છે. જેની વિપરીત અસરો હવે શહેરો સહિત ગામડાઓમાં પણ જોવાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવોની ખાસ કરીને ખેડૂતો ઉપર અતિ ખરાબ અસર પડી છે. ખેડૂતો માટે ડીઝલથી ચાલતા ટ્રેક્ટર સહિત અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. એટલું જ નહીં ઘાસચારો પણ મોંઘો થતા બળદ સાચવવા પણ પોસાય તેમ નથી. આથી રાજકોટના કણકોટમાં ખેડૂતો પોતે બળદની જગ્યાએ જોતરાઈ ખેતી કરવા મજબૂર બન્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જે રીતે ડીઝલ-ઘાસચારાનાં ભાવો વધી રહ્યાં છે તે પ્રમાણે પાકના ભાવ વધતા નથી. ભાવમાં આ રીતે જ વધારો થતો રહેશે તો ભૂખે મરવાનો વારો આવશે.

મોંઘવારીથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલઃ ખેડૂત
કણકોટનાં ખેડૂત કૈલાશભાઈ જાદવભાઈ ખૂંટ કહે છે કે, ડીઝલનાં ભાવ વધતા અમે ટ્રેક્ટર સહિતનાં સાધનો મૂકી દીધા છે. આથી બળદથી ખેતી શરૂ કરી હતી. પરંતુ ઘાસચારાનાં ભાવો વધતા તે પણ પોસાય તેમ નહીં હોવાથી અમે હાથે ખેતી કરવા મજબૂર બન્યા છીએ. જેમાં બળદની બદલે જાતે જોતરાવું પડતું હોવાથી જમીન સારી રીતે ખેડી શકાતી નથી. તેના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થતા હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જો સરકાર આ ભાવ વધારાને રોકવાની સાથે ખેત ઉત્પાદનોનાં પૂરતા ભાવ મળે તે માટે કોઈ અસરકારક પગલાં નહીં લે તો ખેડૂતોને ખેતી છોડીને નોકરી કરવી પડશે.

ઘાસચારો ભાવ વધતા ખેડૂતોને બળદ સાચવવા પોસાતા નથી.
ઘાસચારો ભાવ વધતા ખેડૂતોને બળદ સાચવવા પોસાતા નથી.

જગતનાં તાતને તો બેવડો માર સહન કરવાનો વારો
ઉલ્લેખનીય છે કે, ડીઝલ અને ઘાસચારાની સાથે સાથે બિયારણ તેમજ ખાતર અને જંતુનાશક દવાનાં ભાવો પણ સતત વધી રહ્યા છે. જેની સામે ખેડૂતોને પાકના પુરતા ભાવ મળતા નથી. બીજી તરફ અતિવૃષ્ટિ-દુષ્કાળ જેવી કુદરતી આફતો ક્યારે આવશે તે પણ નક્કી હોતું નથી. પરિણામે જગતનાં તાતને તો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રેક્ટર-બળદથી ખેતી કરવી પોસાય તેમ નથી. બળદની જગ્યાએ જાતે જોતરાય તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય તેમ છે. ત્યારે ખેડૂતો માટે જાયે તો જાયે કહાં? જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકાર આ મુદ્દે ધ્યાન આપી ત્વરિત પગલાં ભરે એ જરૂરી બન્યું છે.

દિવસેને દિવસે ડીઝલનો ભાવ વધતા ખેડૂતોએ ટ્રેક્ટરો પડતા મુક્યા.
દિવસેને દિવસે ડીઝલનો ભાવ વધતા ખેડૂતોએ ટ્રેક્ટરો પડતા મુક્યા.

બળદનું સ્થાન લઇ ધોંસરી ખંભે નાખી જમીન ખેડીઃ ખેડૂત
કણકોટમાં રહેતા અન્ય એક ખેડૂત સંજયભાઇ મેઘજીભાઇ નંદાણીયાએ જણાવ્યું હતું કે, ડીઝલના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે. હાલ 92 રૂપિયાએ ભાવ પહોંચી ગયો છે. ટ્રેક્ટરથી ખેતી કરવા જઇએ તો અમારા છોકરા ભૂખે મરે તેમ છે. હવે ટ્રેક્ટર મૂકી બળદથી ખેતી શરૂ કરી તો ઘાસચારોનો ભાવ વધતા તે પણ હવે પોસાય તેમ નથી. આથી હવે જાત મહેનત કરી ખેતી કરી રહ્યાં છીએ. હાલ બળદનું સ્થાન લઇ ધોંસરી ખંભે નાખી જમીન ખેડી રહ્યાં છીએ.

જાત મહેનત જિંદાબાદના સુત્ર સાથે ખેડૂતો જાતે જુતી ખેતી ખેડી.
જાત મહેનત જિંદાબાદના સુત્ર સાથે ખેડૂતો જાતે જુતી ખેતી ખેડી.
અન્ય સમાચારો પણ છે...