વકીલોમાં રોષ:રાજકોટમાં ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાત કેસમાં આરોપીઓ તરફે બાર એસો.ના એક પણ એડવોકેટ નહીં રોકાય

રાજકોટ5 મહિનો પહેલા
મોટી સંખ્યામાં વકીલો એકત્ર થઈ મહેન્દ્ર ફળદુને શ્રદ્ધાંજલિ પાઠવી.
  • ગઇકાલે મહેન્દ્ર ફળદુએ પોતાની ઓફિસમાં દવા પી ગળાફાંસો ખાધો હતો
  • સીટની રચના કરી અમદાવાદના 5 અને રાજકોટના 2 બિલ્ડર સામે ગુનો

રાજકોટમાં ગઇકાલે સૌરાષ્ટ્રની જાણીતી યુવી ક્લબના ચેરમેન અને બિલ્ડર મહેન્દ્ર ફળદુએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની કલ્પતરૂ પ્રોપર્ટીની ઓફિસમાં દવા પી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટરૂપી પ્રેસનોટ મીડિયાના મોકલી હતી. જેમાં અમદાવાદના ઓઝોન ગ્રુપને જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી આ કેસમાં સીટની રચના કરી પોલીસે રાજકોટના બે અને અમદાવાદના પાંચ બિલ્ડર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે, તેમજ આરોપીઓને પકડવા ચાર ટીમ અમદાવાદ રવાના થઈ છે. ત્યારે આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજકોટનો એક પણ વકીલ આરોપી તરફે રોકાશે નહીં.

બાર એસોસિએશને મહેન્દ્ર ફળદુની શોકસભા કરી
મહેન્દ્ર ફળદુના આપઘાતને લઈને આજે રાજકોટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા અને મહેન્દ્ર ફળદુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ શોકસભા પણ રાખવામાં આવી હતી. જેમાં મહેન્દ્ર ફળદુના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે જણાવ્યું હતું કે, બાર એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આરોપી તરફે એક પણ વકીલ રોકાશે નહીં.

અમદાવાદના 5 અને રાજકોટના 2 બિલ્ડર સામે ગુનો
મૃતક મહેન્દ્ર ફળદુના પુત્રની ફરિયાદ પરથી પોલીસે રાજકોટના મનસુખ એમ. સુરેજા, અમીત જયમલ ચૌહાણ, અમદાવાદના અતુલ મહેતા, ઓઝોનના ડાયરેક્ટર દીપક મણીલાલ પટેલ,પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ અને પ્રકાશ ચંદુલાલ પટેલ સામે ગુનો નોંધી તમામની શોધખોળ શરૂ કરી છે.

2007માં અમદાવાદના ઓઝોન ગ્રુપ સાથે MOU કર્યા હતા
મહેન્દ્ર ફળદુએ પોતાના ભાગીદારો સાથે કિવેસ્ટ ડેવલપર્સ નામની પેઢી શરૂ કરી હતી અને અમદાવાદના ઓઝોન ગ્રુપ સાથે વર્ષ 2007માં ધ તસ્કની બીચ સિટી પ્રોજેક્ટના એમઓયુ કર્યા હતા, આ પ્રોજેક્ટમાં મહેન્દ્રભાઇએ પોતાના ઉપરાંત સંબંધીઓ અને શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ પાસેથી મોટું રોકાણ મેળવ્યું હતું, પ્રોજેક્ટ શરૂ થયા બાદ કોઇ કારણસર થોડા જ સમયમાં અટકી ગયો હતો. મહેન્દ્રભાઇ સામાજિક આગેવાન પણ હતા, અનેક સંસ્થાઓમાં મહત્ત્વનો હોદ્દો ધરાવતા હતા.

મહેન્દ્ર ફળદુએ પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા અંતિમ પગલું ભર્યું
મહેન્દ્રભાઇએ પરિચિતો અને નજીકના વર્તુળો પાસેથી નાણાં ઉઘરાવી નાના રોકાણકારોને શક્ય હોય તેટલા પૈસા પરત આપવાના પ્રયાસો કર્યા હતા, પ્રતિષ્ઠિતો પોતાના નાણાંની તો ઉઘરાણી કરતા નહોતા. પરંતુ નવું રોકાણ કરવું નથી તેમ કહી મહેન્દ્રભાઇને આર્થિક મદદ બંધ કરી દીધી હતી. રોકાણકારો મહેન્દ્રભાઇના ઘર અને ઓફિસે પહોંચવા લાગ્યા હતા, મહેન્દ્રભાઇએ શક્ય હતું ત્યાં સુધી નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. પરંતુ એક તબક્કે તે સાઇકલ અટકી ગઇ હતી, પૈસા નહીં મળતાં લોકો મહેન્દ્રભાઇની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી વાતો કરવા લાગતા મહેન્દ્રભાઇ ટેન્શનમાં રહેવા લાગ્યા હતા અને અંતે અંતિમ પગલું ભરી લીધું હતું.