રાજકોટ જિલ્લામાં ચૂંટણી સમયે નવા 6 રસ્તાઓ મંજૂર તો કરાયા હતા. પરંતુ 6 મહિના થવા છતાં હજુ સુધી એક પણ રોડનું કામ શરૂ પણ નથી થયું. તમામ રસ્તાઓ હજુ માત્ર વહીવટી પ્રક્રિયામાં જ છે. જેથી 8 મહિના બાદ માંડ કામ શરૂ થઈ શકે તેમ છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં હતાં. 8 કરોડના ખર્ચે 6 રસ્તાઓ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. નવા રસ્તા બનવાની જાહેરાતથી લોકો પણ ખુશ થયા હતાં. પરંતુ આ રસ્તાઓ આજદિન સુધી કાગળ પર જ રહી ગયા છે. સરકારે મંજૂર કરેલા 6 રોડમાંથી એક પણ રોડનું કામ શરૂ નથી થયું.
બાંધકામ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બાલાસર ગામે મેલડી માતાજીના મંદિરથી બાલાસ- વાગુદડ રોડને જોડતો 900 મીટર રસ્તો તેમજ લોધિકા થોરડી રોડથી લોધિકા- કોઠાપીપળિયા રોડને જોડતા 600 મીટરના રસ્તા માટે અંદાજો બની ગયાં છે.
જ્યારે તાંત્રિક મંજૂરી ડિવિઝન હેઠળ છે. બાકીના 4 રોડ વેરાવળ- ગુંદાસરા રોડ જોઈનિંગ ગુંદાસરા- નારણકા રોડ તેમજ શાપરથી વિરવા રોડ, મોવિયાથી સિસક- શ્રીનાથગઢ રોડ અને નેશનલ હાઈવેથી હડમતાળા ઈન્ડસ્ટ્રિયલ રોડનું કામ પણ એસ્ટિમેટ માટે મોકલાયું છે. ટૂંકમાં તમામ રોડના કામ હાલ વહીવટી પ્રક્રિયામાં છે. ત્યારે હવે આ રસ્તાઓ ક્યારે બનશે તો જોવું રહ્યું.
ચૂંટણી પહેલા કામ ન થાય તો આચારસંહિતા નડશે
જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે મંજૂર થયેલા રોડ વિધાનસભાની ચૂંટણી પહેલા થાય તો સારી વાત છે. જો તે પહેલા નહીં થાય તો ચૂંટણીની આંચારસંહિતામાં કામ અટવાઈ પડે તેમ છે. કારણ કે હાલ રોડનું કામ શરૂ થતાં 8 મહિના જેટલો સમય લાગે તેમ છે. બીજી તરફ એક વર્ષની અંદર ચૂંટણી પણ આવી રહી છે. માટે તે પહેલા જો કામ શરૂ નહીં થાય તો લોકોને નવા રોડ માટે હજુ પણ વધુ સમયની રાહ જોવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.