ચુકાદો:સજાની જોગવાઇ નહિ, ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જામીન રદ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદપક્ષની રજૂઆતને ધ્યાને લઇ આપ્યો મહત્ત્વનો ચુકાદો
  • માણાવદરના શખ્સે તરુણીના ફોટા વહેતા કરવાની ધમકી આપી’તી

શહેરમાં વધતા સાયબર ક્રાઇમના ગુનામાં સજાની જોગવાઇ ઓછી હોવાથી ગુનાની ગંભીરતા ઘટતી નથીની રજૂઆત ધ્યાને લઇ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપી આરોપીની જામીન અરજીને નામંજૂર કરી છે. મવડી વિસ્તારમાં રહેતા વેપારીની તરુણવયની પુત્રીને ઇન્સ્ટાગ્રામ પર કોઇએ તેના બીભત્સ ફોટા મુક્યા હતા. બાદમાં બીભત્સ ફોટા મોકલનારે મેસેજ કરી તું તારા અંગત ફોટાઓ મોકલ નહિતર મોર્ફ કરેલા તારા ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરી દેવાની ધમકી આપી હતી.

ધમકી અંગે પુત્રીએ વાત કરતા વેપારીએ સાયબર ક્રાઇમમાં જાણ કરી હતી. જેને પગલે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી તરુણીના બીભત્સ ફોટા મૂકી ધમકી આપનાર માણાવદરના નિલેશ મગન ખાખરા નામના શખ્સને સકંજામાં લીધો હતો. પોલીસે સાયબર ક્રાઇમ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન જેલહવાલે કરાયેલા આરોપી નિલેશ ખાખરાએ જામીન પર છૂટવા માટે સ્પે.કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીનો સરકારી વકીલ પરાગ એન.શાહે વિરોધ કરી આરોપીએ તેના ગુનાની કબૂલાત આપી છે. તેમજ પોલીસે પણ તેની પાસેથી સીમકાર્ડ, વાઇફાઇ સ્ટિક, કમ્પ્યૂટર સિસ્ટમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભોગ બનનારને ધમકી આપ્યા બાદ કોઇ પ્રત્યુત્તર નહિ આપતા આરોપીએ ભોગ બનનારના સોશિયલ મીડિયા પર વધુ બીભત્સ ફોટા તેમજ મેસેજ મોકલી માનસિક રીતે પરેશાન કરી હતી. ત્યારે આરોપી સામે લાગેલી કલમોમાં સજાની જોગવાઇ ઓછી હોવાથી ગુનાની ગંભીરતા ઘટતી નથી. જો આવા ગુના આચરનાર આરોપીને જામીન પર છોડાશે તો તે આ પ્રકારના વારંવાર ગુના આચરશે. અને ભવિષ્યમાં અન્ય કોઇ સાથે આવું કૃત્ય થશે. ત્યારે આ ગુનામાં સજાની જોગવાઇ નહિ પરંતુ બનાવનું સ્વરૂપ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સરકારી વકીલની રજૂઆતને તેમજ ભોગ બનનારને કરેલા બીભત્સ ચેટ સાથેના પુરાવાઓ ધ્યાને લઇ ખાસ કોર્ટેે આરોપીની જામીન અરજીને ફગાવી નામંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...