તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા કરાવાતા જમણવાર પર કોઇની નજર જ નથી, લખલૂંટ ખર્ચ

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં 700થી વધુ ભોજનના કાર્યક્રમ થયા પરંતુ અત્યાર સુધીમાં 288 સમારંભ અને દોઢ કરોડનો ખર્ચ કર્યાનો ભાજપ-કોંગ્રેસનો દાવો
 • ન કોઇ રેકોર્ડિંગ, ન કોઇ મંજૂરી, જે સભાના આયોજન અંગે પોલીસની મંજૂરી મેળવવામાં આવી હોય તેનું જ માત્ર વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે, જમણવાર અને તાવા પાર્ટીઓમાં થતા ખર્ચ પર કોઇ નજર જ રખાતી નથી

શહેરમાં સાંજે 7 વાગ્યા પછી ઠેર ઠેર ભોજન સમારંભના માંડવાઓ જોવા મળે છે અને ધીમે ધીમે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. તમે ત્યાંથી પસાર થાવ તો એવું લાગે કે કોઇની સગાઇ કે લગ્ન પ્રસંગનો જમણવાર થઇ રહ્યો હશે, પરંતુ એવું નથી, ચૂંટણીનો માહોલ જામ્યો છે. મતદારોને રિઝવવા માટે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જ્ઞાતિ સમાજ તેમજ સોસાયટીઓના ભોજન સમારોહ શરૂ કરાયા છે અને આ દૃશ્યો શહેરના તમામ વિસ્તારોમાં સામાન્ય બન્યા છે અને હજુ આગામી પાંચ દિવસમાં આ પ્રમાણમાં વધારો થશે. ચૂંટણીમાં ઉમેદવારને વધુમાં વધુ 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની મંજૂરી હોય છે, પરંતુ જે રીતે ખર્ચાઓ થાય છે તે કોઇને ગળે ઉતરે તેવા નથી.

દિવ્ય ભાસ્કરે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને તેમના દ્વારા અત્યાર સુધીમાં કેટલી સભાઓ, ભોજન સમારોહ, તાવા પાર્ટી કરવામાં આવી તે અંગે પુછાયું ત્યારે તેમણે ગોખણિયો જવાબ આપીને 18 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસે 288 જેટલા ભોજન સમારોહ કર્યા છે તેમજ ચૂંટણી ખર્ચ ઉમેદવાર દીઠ દોઢથી બે લાખ રૂપિયા જેટલો થયો હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ સાચું નથી. શહેરમાં અત્યાર સુધીમાં 700થી વધુ જમણવાર બન્ને રાજકીય પક્ષોએ યોજી દીધા છે અને દરેક જમણવારમાં 500થી વધુ લોકો હાજર રહ્યા હતા. એક ડિશના ઓછામાં ઓછા રૂ.100 ગણવામાં આવે તો પણ જમણવારનો આંક ચૂંટણીપંચે નક્કી કરેલા ખર્ચ કરતા અનેક ગણો થઇ જાય.

બીજી બાજુ આ બાબતે ચૂંટણીપંચના અધિકારીઓ સાથે વાતચીત કરતા આઘાતજનક હકીકત બહાર આવી હતી. અને ખર્ચ પર ચૂંટણીપંચની નજર માત્ર નાટક જ હોય તેવું ચિત્ર ઉપશ્યું હતું. ચૂંટણીપંચ ઉમેદવારો જે ખર્ચનો હિસાબ રજૂ કરે તે પોતાના ચોપડે માત્ર નોંધ કરી લે છે તેની કોઇ ખરાઇ થતી નથી. ચૂંટણીપંચના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉમેદવારો દ્વારા જે કોઇ સ્થળે જાહેરસભા યોજવામાં આવી હોય અને તે સભા અંગે રાજકીય પક્ષ દ્વારા પોલીસની મંજૂરી મેળવવામાં આવી હોય ત્યારે આવી સભા અંગે પોલીસ તંત્ર દ્વારા જાણ કરવામાં આવે ત્યારે તે સભાનું ચૂંટણીપંચના કર્મચારીઓ દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે, પરંતુ જ્ઞાતિ, સમાજ કે સોસાયટીના જમણવારનું કોઇ રેકોર્ડિંગ કરવામાં આવતું નથી કે તેની નોંધ પણ લેવાતી નથી.

ઉમેદવારના પતિ અને પક્ષના જ વોર્ડ પ્રમુખ બાખડી પડ્યા
મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે, રાજકીય પક્ષના ઉમેદવારો એકબીજા પર આક્ષેપોનો વરસાદ કરી રહ્યા છે. આ ઉપરાંત જે દાવેદારને ટિકિટ મળી નથી તેઓ ભારે નારાજ છે તેનો ક્યાંકને ક્યાંક અંદરખાને વિરોધ જોવા મળે છે. શહેરના એક વોર્ડમાં મહિલા ઉમેદવારના પતિ અને તે વોર્ડના જ પક્ષના વોર્ડ પ્રમુખ વચ્ચે સોમવારે રાત્રે જામી પડી હતી. વોર્ડ પ્રમુખ જે સમાજના છે તે સમાજની બેઠક બોલાવવાના મુદ્દે થયેલી તકરારમાં બંનેએ એકબીજાના કાંઠલા પકડી લીધા હતા. ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક જ પક્ષના બે આગેવાનો બાખડ્યાની વાત વાયુવેગે ફેલાઇ ગઇ હતી અને મોટાનેતાઓએ સમાધાન કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ચૂંટણી ઢંઢેરાથી અજાણ બે ધારાસભ્યે મંથન કરવું પડ્યું
શહેર ભાજપે મંગળવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં ધારાસભ્યો સહિતના મોટા નેતાઓને હાજર રખાયા હતા. ભાજપ કાર્યાલયે પત્રકારોની હાજરીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, તમામ ધારાસભ્યો અને પ્રદેશના આગેવાન સહિતના નેતા હાજર હતા. ઢંઢેરો જાહેર થયા બાદ બે ધારાસભ્યએ ઢંઢેરાનું પેમ્ફલેટ હાથમાં લીધું હતું અને દશ મિનિટ સુધી માથું ઊંચું કર્યા વગર બંનેએ ઢંઢેરાનું વાંચન કર્યું હતું, બંનેને ડર હતો કે ઢંઢેરો નક્કી કરતી વખતે તો તેને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને પત્રકારો પૂછશે કે શું વચનો આપ્યા છે તો ફસાઇ જઇશું તેવા ભયને કારણે બંનેએ પહેલા ઢંઢેરાનો અભ્યાસ કરી લીધો હતો.

આજે સ્મૃતિ ઇરાનીની 5, હાર્દિક પટેલની 4 જાહેરસભા
રાજકોટમાં મનપાની ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. 17 ફેબ્રુઆરીએ રાજકોટમાં ભાજપના સ્મૃતિ ઈરાની અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની જુદા જુદા સ્થળો પર જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન બન્ને નેતા લોકસંપર્ક કરે તેવી પણ સંભાવના છે.

શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે ત્રિવેદીની નિમણૂક
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર હોવાથી પ્રદેશ કોંગ્રેસે પ્રદીપ ત્રિવેદીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. પ્રદીપ ત્રિવેદી પણ મનપાની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી પરંતુ પોતાની મનપસંદ પેનલ ન હોવાથી તે રેસમાંથી હટી ગયા હતા.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો