નો-રિપીટની થિયરી સફળ:રાજકોટ યાર્ડમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રૂપિયાની નોટો ઊડી, રાદડિયાનો સહકારી ક્ષેત્રે દબદબો, મંત્રીપદ ગયું, પણ પાવર યથાવત્

રાજકોટ18 દિવસ પહેલા
જયેશ રાદડિયાનું સહકારી ક્ષેત્રે કદ વધ્યું, વિજેતા ઉમેદવારોએ રૂપિયા ઉડાડ્યા.
  • 14માંથી ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 3 બેઠક પર ભાજપની સત્તા
  • ખેડૂત વિભાગમાં 95.41 ટકા અને વેપારી વિભાગમાં 94.91 ટકા મતદાન થયું હતું

સહકારી ક્ષેત્રની અગ્રિમ રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ખેતી વિભાગની 10 અને વેપારી વિભાગની 4 સહિત 14 બેઠક માટે ગઈકાલે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્‍યા સુધી યાર્ડ ખાતે મતદાનપ્રક્રિયા કરવામાં હતી, જેમાં ખેડૂત વિભાગમાં 95.41 ટકા અને વેપારી વિભાગમાં 94.91 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી માર્કેટ યાર્ડ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી પૂર્ણ થતાં ફરી રાજકોટ યાર્ડમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે, આથી મંત્રીપદ ગયા પછી પણ જયેશ રાદડિયાનો પાવર યથાવત્ રહ્યો હોવાનું સાબિત થયું છે. સહકારી ક્ષેત્રે તેમનો દબદબો વધ્યો છે. વિજયી થતાં જ વિજેતા ઉમેદવારોએ ઢોલી પર રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો.

ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલની જીત નિશ્ચિત થઇ ગઇ છે, જ્યારે વેપારી વિભાગની 4 બેઠક પર વેપારી વિકાસ પેનલના 1 અને વેપારી હિત રક્ષક પેનલના 3 ઉમેદવારની જીત થઇ ચૂકી છે.

વિજેતા ઉમેદવારો સાથે જયેશ રાદડિયા.
વિજેતા ઉમેદવારો સાથે જયેશ રાદડિયા.

ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત આખી પેનલ વિજેતા
1. વિજય કોરાટ
2. ભરત ખુંટ
3. વસંત ગઢિયા
4. હઠીસિંહ જાડેજા
5. જયેશ પીપળિયા
6. જયંતી ફાચરા
7. જયેશ બોઘરા
8. હિતેષ મેતા
9. હંસરાજ લીંબાસિયા
10. જિતેન્દ્ર સખિયા

ભાજપમાં જશ્નનો માહોલ.
ભાજપમાં જશ્નનો માહોલ.

વેપારી વિભાગના વિજેતા ઉમેદવારો
પ્રથમ નંબર પર અતુલ કમાણી (વેપારી વિકાસ પેનલ)
બીજા નંબર પર રજનીશ રવેસિયા (વેપારી હિત રક્ષક પેનલ)
ત્રીજા નંબર પર દિલીપભાઈ પનારા (વેપારી હિત રક્ષક પેનલ)
ચોથા નંબર પર સંદિપ લાખાણી (વેપારી હિત રક્ષક પેનલ)

અતુલ કામાણીની જીત.
અતુલ કામાણીની જીત.

વેપારી વિભાગની બેઠકમાં અતુલ કામાણી વિજયી બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ વેપારી વિભાગમાં સમગ્ર પેનલની જીત ન થતાં જ્ઞાતિવાદ અને ક્રોસ વોટિંગ થયા હોવાની શક્યતા છે. વેપારીઓને સમજાવવામાં કચાશ રહી હતી એ દૂર કરવામાં આવશે, ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો હલ કરવામાં આવશે, ભાજપ કે કોંગ્રેસ પક્ષ એકબાજુ રાખી સાથે મળી નવા ચેરમેન અને વાઈસ-ચેરમેન પાસે ખેડૂતો, મજૂરો અને વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરીશું.

વિજેત ઉમેદવારો.
વિજેત ઉમેદવારો.

ખેડૂતો અમારી સાથે છે એનો વિશ્વાસઃ જયેશ રાદડિયા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે મતગણતરી સ્થળે આવેલા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે પહેલેથી ખબર હતી કે જીત અમારી છે. આજે મતદાન બાદ પરિણામ ભાજપ પ્રેરિત આવ્યું છે. ભગિની સંસ્થા કિસાન સંઘ માટે હું કશું બોલીશ નહીં. ભાજપના એકને બાદ કરતાં તમામ ઉમેદવારો જીત્યા છે. આજે પણ ખેડૂતો અમારી સાથે છે અને તેમનો વિશ્વાસ અમારા પર અવિરત છે.

ઉમેદવાર જિતેન્દ્ર સખિયા વિજેતા.
ઉમેદવાર જિતેન્દ્ર સખિયા વિજેતા.

ખેતી વિભાગમાં 10 બેઠક માટે 22 ઉમેદવાર હતા
ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્‍ટ્રારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી, જેમાં ખેતી વિભાગમાં 10 બેઠક માટે 22 ઉમેદવાર હતા, જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠક માટે 10 ઉમેદવાર હતા, જેમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરી સવારે 9 વાગ્‍યાથી શરૂ કરવામાં આવી હતી.

મતગણતરી સ્થળે પોલીસનો બંદોબસ્ત.
મતગણતરી સ્થળે પોલીસનો બંદોબસ્ત.

અગાઉ ભાજપ પ્રેરિત બે બેઠક બિનહરીફ થઈ હતી
સંઘ વિભાગની બે બેઠકમાં અગાઉ ભાજપ પ્રેરિત પેનલના પુરુષોત્તમ સાવલિયા અને કેશુભાઇ નંદાણિયા બિનહરીફ થઇ ગયા હોવાથી મુખ્‍ય સ્‍પર્ધા ખેતી વિભાગની 10 બેઠક માટે છે, જેમાં ભાજપ પ્રેરિત પેનલના અને ભાજપની જ ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ પ્રેરિત પેનલના 10-10 ઉપરાંત અન્‍ય 2 મળી કુલ 22 ઉમેદવાર મેદાને છે.

મતદાનપેટીમાંથી મત ઠાલવતા અધિકારીઓ.
મતદાનપેટીમાંથી મત ઠાલવતા અધિકારીઓ.

ક્રોસ વોટિંગની સંભાવના પણ સેવાય હતી
માર્કેટ યાર્ડની ચૂંટણીમાં થયેલા જંગી મતદાનને કારણે ભાજપ પ્રેરિત પેનલની જીત થવાનો વિશ્વાસ વર્તમાન ચેરમેન ડી.કે.સખિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે બીજી તરફ યાર્ડમાં ખેડૂત પેનલમાં તમામ નવા ચહેરા આવવાથી અમુક ઉમેદવારો તરફી કે વિરોધી ક્રોસ વોટિંગની સંભાવના પણ સેવાય હતી. જ્યારે વેપારી વિભાગમાં ભાજપ સમર્થિત પેનલ અને વેપારી હિતરક્ષક પેનલ ઉપરાંત અન્‍ય બે સ્‍વતંત્ર ઉમેદવાર સહિત 10 ઉમેદવાર મેદાનમાં હતા. ત્યારે હવે રાજકોટ યાર્ડમાં ભાજપે ફરી સત્તા હાંસલ કરી છે.

એકને બાદ કરતાં નો-રિપીટની થિયરી સફળ થઈ
યાર્ડની ચૂંટણીમાં પણ નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી, જેને કારણે યાર્ડની ચૂંટણીમાં નો-રિપીટ થિયરીને કારણે એકને બાદ કરતાં બધા જ નવા ચહેરાઓની જીત થઇ છે. જેને નો-રિપીટ થિયરીમાં સ્થાન નથી મળ્યું તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટપણે વર્તાઈ રહી હતી. જોકે આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયાની શક્યતાઓ હતી. પરંતુ એવું હજી સુધી બહાર આવ્યું નથી. ચૂંટણી પૂર્વે મતદારોને અજ્ઞાતવાસમાં લઇ ગયા હતા. ત્યાંથી સીધા મતદાન મથકે લઈ જવાયા હતા. ભાજપ પ્રેરિત પેનલ સામે કિસાન સંઘની પેનલ હતી, જ્યારે વેપારી વિભાગમાં બે પેનલ હતી. વેપારી વિભાગમાં સૌથી વધુ ક્રોસ વોટિંગ થયાની ચર્ચા હતી.

અન્ય સમાચારો પણ છે...