નવો ઘટસ્ફોટ:જેતપુરના કેરાળીમાં યુવાનની હત્યામાં નવો ઘટસ્ફોટ; મામી સાથે આડાસંબંધ હોવાથી મામાએ દારૂ પીવડાવી ભાણેજને કૂવામાં ધક્કો મારી હત્યા કરી હતી

રાજકોટ10 મહિનો પહેલા
મૃતક નિલેશની ફાઈલ તસવીર અને આરોપી વિનુ વસાવાની પોલીસે અટકાયત કરી. - Divya Bhaskar
મૃતક નિલેશની ફાઈલ તસવીર અને આરોપી વિનુ વસાવાની પોલીસે અટકાયત કરી.
  • 27 નવેમ્બરના રોજ યુવાનનો મૃતદેહ કૂવામાંથી મળી આવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો
  • પોલીસને મૃતકના ફોનની કોલ-ડિટેઇલ અને લોકેશન અંગે શંકા જતાં તપાસ કરતાં બનાવ હત્યામાં પરિણમ્યો

જેતપુર તાલુકાના અને વીરપુર નજીકના કેરાળી ગામની સીમમાં 20 દિવસ પૂર્વે એક કૂવામાંથી શ્રમિક યુવક નિલેશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ચોપડે અકસ્માતે મોતની નોંધ કરી પોલીસે તપાસ ચલાવતાં મૃતકને કૌટુંબિક મામી સાથેના પ્રેમપ્રકરણમાં મામા વિનુભાઈ વસાવાએ જ ચિક્કાર દારૂ પીવડાવી કૂવામાં ફેંકી દઈ હત્યા કરી નાખી હોવાનું ખૂલતાં પોલીસે આરોપી મામાની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં નિલેશને મામી કવિતાબેન સાથે આડાસંબંધ હોવાની જાણ મામા વિનુભાઈને થઈ ગઈ હતી, આથી નિલેશને ચિક્કાર દારૂ પીવડાવી મામા વિનુભાઈએ કૂવાની પાળી પર બેસાડી ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

નિલેશનો કૂવામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો
નિલેશનો કૂવામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

મૃતક નિલેશ વસાવા ચાર વર્ષથી કેરાળી ગામે ખેતમજૂરી કરતો હતો
મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વતની નિલેશ વસાવા છેલ્લાં ચાર વર્ષથી પોતાના પરિવાર સાથે રહી જેતપુર તાલુકાના કેરાળી ગામે રહેતા વજુભાઈ બાલધાની વાડીએ જ રહી ખેતમજૂરી કામ કરતો હતો. ગત 27 નવેમ્બરના રોજ સાંજે વાડીએથી ગુમ થઈ જતાં તેમનાં પત્ની કૈલાસબેને વીરપુર પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. ત્યાર બાદ ગુમ થયેલા નિલેશનો મૃતદેહ કેરાળી ગામથી 20 કિલોમીટર દૂર રણછોડભાઈ રામોલિયાની વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભેદ ઉકેલાયો:જેતપુરના કેરાળી ગામે પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં પતિએ યુવાનને દારૂ પીવડાવી કૂવાની પાળી પર બેસાડી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો'તો

કોલ-ડિટેઇલ અને લોકેશનના આધારે પોલીસને શંકા ગઈ હતી
વીરપુર પોલીસે જે-તે વખતે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતની તપાસમાં કોલ-ડિટેઇલ અને લોકેશનમાં બનાવ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક નિલેશના ફોન કોલ-ડિટેઈલમાં તેને કોઈ મહિલા સાથે સંબંધ હોવાની વાત પોલીસમાં ધ્યાને આવી હતી, આથી બનાવ અંગેની તપાસ બાદ આ ઘટના હત્યા હોવાનું ખૂલતાં પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી.

આ જગ્યા પર વિનુ વસાવાએ નિલેશને દારૂ પીવડાવ્યો હતો
આ જગ્યા પર વિનુ વસાવાએ નિલેશને દારૂ પીવડાવ્યો હતો

આરોપી વિનુ વસાવાની પોલીસે અટકાયત કરી, કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરાશે
હત્યા અંગેની જાણવા મળતી વિગત મુજબ, મૃતક નિલેશને તેના કૌટુંબિક મામા વિનુભાઈ વસાવા (રહે. ગુંદિયા તા. વાલિયા)ની પત્ની સાથે આડાસંબંધ હતા. આ અંગેની વિનુભાઈને જાણ થઇ જતાં તેમણે નિલેશને રણછોડભાઈ રામોલિયાની વાડીએ બોલાવી અને ચિક્કાર દારૂ પીવડાવીને ત્યાં આવેલા કૂવામાં ધક્કો મારીને ફેંકી દેતાં તેનું મોત થયું હતું. મૃતક નિલેશને સંતાનમાં ત્રણ મહિનાનો પુત્ર અને બે પુત્રી હોવાનું, જ્યારે આરોપી વિનુને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વિનુ વસાવાની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરશે.

(દીપક મોરબિયા, વીરપુર)