ભાસ્કર વિશેષ:સફેદ વાઘ માટે પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં નવું બ્રીડિંગ સેલ, માદા માટે અલાયદા શેલ્ટર બનાવાશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મેટિંગ બાદ સગર્ભા થયેલી માદા માટે અલગથી અન્ય પ્રાણીઓથી દૂર રાખવા માટે આયોજન

રાજકોટના પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સફેદ વાઘ માટે નવું બ્રીડિંગ સેલ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર થશે. આ એક શેલ્ટર હશે જેમાં સગર્ભા માદાને રાખવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્ત મુજબ બ્રીડિંગ સેલ બનાવવા માટે 12.31 લાખ રૂપિયાનો ખર્ચ થશે જેમાં 128 ચો.મીટરનું બાંધકામ થશે.

ઝૂ સુપરિન્ટેન્ડન્ટ ડો. હિરપરાના જણાવ્યા અનુસાર આ એક પ્રકારનું શેલ્ટર હશે જે અન્ય પ્રાણીઓથી દૂર રહેશે જ્યારે માદા ગર્ભવતી બનશે ત્યારે તેને આ શેલ્ટરમાં શિફ્ટ કરાશે જ્યાં તેને અન્ય પ્રાણીઓના અવાજ કે પછી બીજા કોઇની ખલેલ નહિ પહોંચે. ઝૂમાં પહેલા પણ સફેદ વાઘનું બ્રીડિંગ થઈ ચૂક્યું છે જે સફળ રહેતા આ નિર્ણય કરાયો છે.

ઝૂમાં હાલ 24 પ્રકારના 176 પ્રાણી, સૌથી વધુ કાળિયાર, માંસભક્ષીમાં સિંહ વધારે
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં અલગ અલગ 24 પ્રકારના 176 પ્રાણીઓ છે જેમાં 74 નર અને 86 માદા છે જ્યારે બીજા બચ્ચાં છે. સંખ્યા મુજબ સૌથી વધુ કાળિયાર છે જેની સંખ્યા 34 છે. માંસભક્ષી પ્રાણીઓમાં સૌથી વધુ સંખ્યા સિંહની છે જેમાં 5 નર અને 11 માદા છે. આ ઉપરાંત 4 સફેદ વાઘ, 2 વાઘ, 3 દીપડા, 3 ઝરખ, 9 શિયાળ અને 8 વરૂ છે. આ ઉપરાંત સ્લોથ બિયર અને હિમાલયન રીંછની પણ એક એક જોડી છે.

2014માં મળી હતી સફેદ વાઘની જોડી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલના જણાવ્યા અનુસાર વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ 2014-15ના વર્ષમાં રાજકોટ ઝૂએ છત્તીસગઢના ઝૂને સિંહની એક જોડી મોકલી હતી જેના બદલામાં સફેદ નર વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રી અપાઈ હતી. મે 2015માં ગાયત્રીએ 4 બચ્ચાંને જન્મ આપતા પ્રથમવાર પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સફેદ વાઘનો જન્મ થયો હતો. ત્યારબાદ 2019માં ફરી 4 સફેદ વાઘનો જન્મ થયો હતો. આ રીતે બે વખત સફળ બ્રીડિંગ બાદ 8 બચ્ચાં જન્મ્યા હતા અને તે અમદાવાદ કાંકરિયા ઝૂ, ગાંધીનગર ઇન્દ્રોડા નેચરલ પાર્ક અને સુરતના ઝૂમાં આપવામાં આવ્યા છે. હાલ ઝૂમાં સફેદ વાઘની સંખ્યા 4 છે.

અન્ય સમાચારો પણ છે...