રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં મોત બાદ પરિવારે દેહદાનનો સંકલ્પ કર્યો હતો પણ ફરજ પરના તબીબ ડો. બુદ્ધદેવે શનિવાર હોવાથી દેહદાન શક્ય ન હોઈ કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખી સોમવારે આવવા કહ્યું હતું. સોમવારે પરિવાર આવતા જેમણે દેહદાન સ્વીકારવાનો હોય તે એનાટોમી વિભાગે ના પાડી કહ્યું હતું કે, દેહદાન માત્ર 6 કલાકમાં જ સ્વીકારી શકાય. આ ગંભીર ઘટનાને પગલે આખો દિવસ પરિવાર રઝળ્યો હતો છેવટે દાહોદની ખાનગી કોલેજે સામેથી દેહદાનનો સ્વીકાર કર્યો હતો. વૃદ્ધાના પુત્ર એડવોકેટ ધર્મેશ વેકરિયાએ સિવિલથી ત્રસ્ત લોકોના કેસ મફતમાં લડવાનો પણ સંકલ્પ કરી દીધો હતો.
આ ગંભીર ગોટાળામાં જવાબદારી નક્કી કરવા માટે તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ ગંભીર છે અને બેદરકારી છે. દેહદાન માટે આરએમઓ, વિભાગના વડા કે પછી ઉપરીને પૂછ્યા વગર જ રેસિડેન્ટ ડોક્ટરે જવાબ આપ્યો છે કે પછી બીજી કોઇ બેદરકારી છે તે જાણવા માટે એક કમિટીની રચના કરાઈ છે. કમિટી તપાસ કર્યા બાદ રિપોર્ટ આપશે તેના આધારે કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.