NEET PG કાઉન્સેલિંગ ચાર સપ્તાહ માટે મોકૂફ રાખવા મામલે રાજકોટના રેસિડેન્ટ તબીબોમાં નારાજગી જોવા મળી છે. આ મામલે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે 200 રેસિડેન્ટ તબીબોએ કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવ્યો હતો.અને જો તેમની માંગનું નિરાકરણ નહીં આવે તો સોમવારથી હડતાળ પર ઉતારવાની ચિમકી પણ આપી હતી.
કાઉન્સેલિંગને આગળ વધારવાનો નિર્ણય એકદમ ખોટો છે
આ અંગે રાજકોટ JCIના પ્રમુખ ડો.રવિ કોઠારીએ જણાવ્યું હતું કે,NEET PG કાઉન્સેલિંગને અસ્થાયી રીતે આગળ વધારી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય એકમ ખોટો છે. દેશભરના યુવા ડૉક્ટરો પહેલાંથી જ વધારાનો બોજ સહન કરી રહ્યા છે અને રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે જેના કારણે તેમનું મેડિકલ શિક્ષણ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. આવામાં વધુ ચાર સપ્તાહ માટે કાઉન્સેલિંગને આગળ વધારવાનો નિર્ણય એકદમ ખોટો છે અને તેના કારણે જ રાષ્ટ્રીય સ્તરે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
દર્દીઓને ખાસ્સી પરેશાની વેઠવી પડશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલોમાં આજે રેસિડેન્ટ ડૉક્ટરો કાળી પટ્ટી પહેરીને વિરોધ કરી રહ્યા છે અને સોમવારથી હડતાલ પાડનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તબીબો સોમવારથી ઓપીડી કામગીરીથી અળગા થઈ જનાર હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ડૉક્ટરોની હડતાલને કારણે સિવિલમાં બહારગામથી આવતાં દર્દીઓને ખાસ્સી પરેશાની વેઠવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.