કલાકાર ક્યારેય હારતો નથી:નવરાત્રી ન યોજાતા સિંગર-ઓરકેસ્ટ્રાના કલાકારોએ ઈડલી, સોપારી, શાકભાજી, કપડાં અને વોલ પેઈન્ટિંગનો વ્યવસાય શરૂ કરી દીધો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણભાઈ ઐયરે કહ્યુ- નવરાત્રીમાં રિધમિસ્ટ હતો, ઈડલીનો ધંધો શરૂ કર્યો. - Divya Bhaskar
કલ્યાણભાઈ ઐયરે કહ્યુ- નવરાત્રીમાં રિધમિસ્ટ હતો, ઈડલીનો ધંધો શરૂ કર્યો.

કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે અનેક રોજગાર-ધંધા ઠપ છે. રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવી રહ્યું હોવા છતાં હજી પણ અનેક વ્યવસાય એવા છે, જેમાં રોજગારી, કામ-ધંધો મળવો મુશ્કેલ છે. જેના કારણે આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અન્ય ધંધાઓ તરફ વળ્યા છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવી શકે. નવરાત્રી, જાજરમાન લગ્નોત્સવ, થિયેટર શો, મોટા જાહેર કાર્યક્રમો યોજાતા નથી જેથી સિંગર, ઓર્કેસ્ટ્રાના કલાકારોની રોજીરોટી બંધ થઇ ગઇ છે. જોકે તેઓ આ કપરી પરિસ્થિતિમાં હિંમત હારવાના બદલે એક નવી ઉર્જા સાથે અન્ય વ્યવસાયો તરફ વળ્યા છે અને ઈડલી, સોપારી, શાકભાજી, કપડાં અને વોલ પેઈન્ટિંગનો વ્યવસાય શરૂ કરી દીધો છે.

રિધમિસ્ટ કલ્યાણભાઈ ઐયરે કહ્યુ- નવરાત્રીમાં અમે બંને ભાઈઓ રિધમિસ્ટ તરીકે કામ કરતા હતા, લોકડાઉન અને અનલોકમાં પણ મ્યુઝિકના જાહેર કાર્યક્રમો ઉપર પાબંધી લગાવી દેતા અમારે આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હતો તેથી હાર ન માની ભાઈ વેંકટ ઐયર સાથે ભલે નાનો તો નાનો ઈડલીનો ધંધો શરૂ કર્યો છે.

શ્રીકાંત નાયરે કહ્યુ- પ્રોફેશનલ સિંગર છું, સોપારીનો બિઝનેસ શરૂ કર્યો.
શ્રીકાંત નાયરે કહ્યુ- પ્રોફેશનલ સિંગર છું, સોપારીનો બિઝનેસ શરૂ કર્યો.

પ્રોફેશનલ સિંગર શ્રીકાંત નાયરે કહ્યુ- હું પ્રોફેશનલ સિંગર છું. કિશોર કુમારના 150 ગીતો સતત 15 કલાક સુધી હેમુ ગઢવી હોલમાં ગાઈને રેકોર્ડ સર્જ્યો છે. પરંતુ હાલ એ બધું બંધ થતા ઘેર બેસવા કરતા મેં નાનો-મોટો વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને સોપારી, તમાકુ, ચૂનો બધું હોલસેલમાં વેચવાનું શરૂ કર્યું છે.

ઓર્ગેનાઈઝર-સિંગર મૌલિક ગજ્જરે કહ્યુ- ઓર્ગેનાઈઝર છું, શાકભાજીની ડિલિવરી શરૂ કરી.
ઓર્ગેનાઈઝર-સિંગર મૌલિક ગજ્જરે કહ્યુ- ઓર્ગેનાઈઝર છું, શાકભાજીની ડિલિવરી શરૂ કરી.

ઓર્ગેનાઈઝર-સિંગર મૌલિક ગજ્જરે કહ્યુ- હું પોતે ઓર્ગેનાઈઝર અને સિંગર પણ છું. આફ્રિકા, દુબઈ, મસ્કત સહિતના દેશોમાં ટીમ લઈને શો કરી આવ્યા છીએ, પરંતુ લોકડાઉન થતા ધંધો બંધ થયો. હાલ મેં શાકભાજીની હોમ ડિલિવરી કરવાનો બિઝનેસ શરૂ કર્યો છે અને એક મહિનામાં 400થી વધુ ગ્રાહકો જોડ્યા છે.

પ્રદીપભાઈ ઠક્કરે કહ્યુ- નવરાત્રીનો ગાયક છું, હાલ રેડીમેડ કપડાં વેચું છું.
પ્રદીપભાઈ ઠક્કરે કહ્યુ- નવરાત્રીનો ગાયક છું, હાલ રેડીમેડ કપડાં વેચું છું.

સિંગર પ્રદીપભાઈ ઠક્કરે કહ્યુ- વર્ષોથી પ્રોફેશનલ સિંગર છું અને એના ઉપર જ ઘર ચાલે છે. નવરાત્રીમાં ગાઉં છું, પરંતુ કોરોનામાં આવક બંધ થઇ ગઈ. ત્યારબાદ હવે મેં લેડિઝના રેડીમેડ ગાર્મેન્ટ વેચવાનું શરૂ કર્યું છે. અનલોક થયું ત્યારથી તૈયાર કપડાંની દુકાન નાખી છે, થોડા પૈસા રોકી-થોડા ઉધારીમાં શરૂ કર્યું છે.

કલાકારનો સહાય આપો નહીંતર આત્મહત્યા કરવાનો વારો આવશે, હિતુ કનોડિયાનો CMને પત્ર
કોરોના મહામારીના કારણે છેલ્લા 6 મહિનાથી બેકાર બનેલા લોકસંગીત, લોકનાટ્ય, ઓરકેસ્ટ્રા, નાટક, નૃત્ય વગેરના કલાકાર કસબીઓની હાલત કફોડી બની ગઇ છે. આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા આ કલાકારો માટે તાત્કાલિક ધોરણે આર્થિક સહાય કરવામાં આવે, જો આમ કરવામાં નહી આવે તો તેઓને નાછૂટકે આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેવો પત્ર ઇડરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...