જામજોધપુરમાં પાંચ દિવસ પૂર્વે જ લગ્નની શરણાઇઓ ગુંજી હતી, ઢોલ ઢબૂક્યા હતા, ચિત્રોડા પરિવાર પુત્રવધૂને વાજતે ગાજતે ઘરે લઇ આવ્યો હતો, પરંતુ લગ્નના પાંચમા દિવસે જ નવોઢાએ ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો, નવોઢાને પિયર જવું હતું પરંતુ પતિએ એકાદ બે દિવસ પછી જશું તેમ કહેતા તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.
જામજોધપુરમાં બસ સ્ટેશન નજીક રહેતા જ્યોત્સનાબેન ચેતનભાઇ ચિત્રોડા (ઉ.વ.37)એ શુક્રવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે રાજકોટ પોલીસે જામજોધપુર પોલીસને જાણ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જામનગરના સિક્કા ગામના મેઘજીભાઇ નારણભાઇ ઘેડિયાની પુત્રી જ્યોત્સનાના લગ્ન પાંચ દિવસ પૂર્વે જ જામજોધપુરમાં યોજાયેલા સમૂહલગ્નમાં ચેતન ચિત્રોડા સાથે થયા હતા, ચેતન મોબાઇલ રિપેરિંગનું કામ કરે છે.
લગ્ન બાદ જ્યોત્સનાએ પિયર સિક્કા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પતિ ચેતને એકાદ બે દિવસમાં સિક્કા જશું તેમ કહેતા જ્યોત્સનાને માઠું લાગી આવ્યું હતું અને તેણે વખ ઘોળી લીધું હતું. પાંચ દિવસ પૂર્વે જ જ્યાં લગ્નના ગીતો ગવાયા હતા ત્યાં જ્યોત્સનાના મૃત્યુથી મરસિયા શરૂ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.