ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પક્ષમાં જોડાવવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જ્યાં આજે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નરેશ પટેલ અંગે નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. જયારે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મારા અંગત મિત્ર છે, તેઓવર્ષોથી ભાજપના શુભેચ્છક રહ્યા છે.
વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ
સમગ્ર રાજકોટમાં હાલ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે ‘હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે,આજે ધુળેટી એટલો રંગોનો તહેવાર છે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. ડીજેના નાદ સાથે રંગોથી એકબીજાને કલર લગાવી અભિનંદન સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છીએ અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના રંગોથી છવાઈ જવા પામ્યું છે.
તિલક હોળીની ઉજવણી કરવામાં આવી
આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહીત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. જ્યાં ડી.જે અને બેન્ડની કર્ણપ્રિય સુરાવલીની રમઝટ અને ’કરાઓકે’ દ્વારા શહેરના ખ્યાતનામ ગાયકો સંગીતના સૂરોના સથવારે અને રાજસ્થાની નૃત્યની જમાવટ સાથે શહેર ભાજપ દ્વારા તિલક હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે.
પટેલ મારા અંગત મિત્ર છે, પાર્ટીમાં જોડાવવા બાબતે કોઈ ચર્ચા નથી થઈ: પાટીલ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે ધૂળેટીનાં તહેવારની ગુજરાતની પ્રજાને શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદથી ઉત્સવ ઉજવે તેવી તેમણે વાત કરી હતી. તે દરમિયાન તેમણે રાજકીય પ્રશ્નોના પણ જવાબ આપ્યા છે જે અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. નરેશ પટેલ રાજકીય પાર્ટીમાં જોડાશે કે કેમ તે અંગે સી આર પાટીલે કહ્યું કે નરેશ પટેલ મારા અંગત મિત્ર છે અને તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક રહ્યા છે. તેમણે ક્યારેય પોતે કોઇ પાર્ટીમાં જોડાવાના છે એવી બાબતે ચર્ચા કરી નથી.
આવા અલ્ટીમેટમ ચૂંટણી વખતે આવતા જ હોય છે
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તમામ કેસ પરત ખેંચી લેવા માટે માંગણી કરવામાં આવી હતી જેનું 23 મારા સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તે સંદર્ભમાં તેમણે જણાવ્યું કે આવા અલ્ટીમેટમ ચૂંટણી વખતે આવતા જ હોય છે. સરકાર કોઈ અલ્ટીમેટમ ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી નથી પાસ ના યુવાનો સામે જે કેસ થયા છે તેમનો મેરીટના આધારે સરકાર નિર્ણય લેશે. સરકારે જે કેસ પરત ખેંચવા માટેનો આશ્વાસન આપ્યું છે મને લાગે છે કે સરકાર તે પૂરું કરશે.
પાટીલના સાથે અમારે કોઈ લેવાદેવા નથી
પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, સી આર પાટીલના નિવેદન સાથે અમારે કોઈ લેવાદેવા નથી અમારા માટે તેમનું નિવેદન કોઈપણ પ્રકારનું મહત્વ લાગતું નથી. અમારી માંગ સરકાર સામે છે કે આજે કેશુ અમારા પર સરકાર દ્વારા લગાડવામાં આવ્યા છે તે તેમને દૂર કરે એટલે સરકારે જે નિર્ણય લેવો હશે તે લેશે અને 23 માર્ચ સુધીમાં જો તેનો નિર્ણય નહીં લેવાય તો અમે આગામી દિવસોમાં કાર્યક્રમમાં આપવાના શરૂ કરીશું અને તેની રાજકીય રીતે અસર થાય છે કે કેમ તેમને પોતે જ નક્કી કરવાનું રહેશે.
ચાર વર્ષથી અમે આ પ્રકારની માંગ કરી રહ્યા છીએ
સુરત ખોડલધામ સમિતિના અધ્યક્ષ ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે આજે કેસ પરત ખેંચવાની વાત છે તે અમે કોઇ ચૂંટણી સમયે જ કરીએ છીએ એવું નથી છેલ્લા ચાર વર્ષથી અમે આ પ્રકારની માંગ કરી રહ્યા છે. ચૂંટણીઓ તો સતત આવે ને જાય એનાથી અમને કોઈ ફરક પડતો નથી અમે અમારી માંગણી છે તે પૂર્ણ કરવા રજૂઆત કરી રહ્યા છે. નરેશ પટેલ માત્ર સી.આર.પાટીલ ના અંગત મિત્ર નથી કે ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક નથી તેઓ તમામ રાજકીય પાર્ટીના નેતાઓ સાથે મિત્રતા રાખે છે અને તેમના તેઓ શુભેચ્છક પણ છે તેઓ જે માત્ર પાટીદાર સમાજને અન્યાય ન થાય તેના માટે જે તે સમયે સમાજને કોઈ નડતરરૂપ પ્રશ્ન હોય તો તેઓ રાજકીય આગેવાનોને મળતા હોય છે અને તે દરેક પાર્ટીના હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.