રાજકારણમાં સક્રિય થવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે છેલ્લા ત્રણ મહિનાથી મુદત પર મુદત પાડી છે, બુધવારે મીડિયાકર્મીઓ સાથેના મિલનમાં પટેલે રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે તો શબ્દશુદ્ધા ઉચાર્યો નહોતો પરંતુ 28મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટ આવી રહ્યા છે ત્યારે તે કાર્યક્રમમાં પોતે હાજર નહીં રહે તેવું કહેતા ફરીથી અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા.
ત્રણ મહિના પૂર્વે નરેશ પટેલે રાજકારણમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ ખાનગી રીતે સરવે શરૂ કરાવ્યો હતો અને સરવેનો રિપોર્ટ આવ્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે તેવી વાત કરી હતી, પરંતુ પટેલે દર વખતે નવી નવી તારીખો જાહેર કરી પોતાના નિર્ણય પર રહસ્ય સર્જ્યું હતું. બુધવારે નરેશ પટેલે મીડિયાકર્મીઓ સાથે મિલન કર્યું હતું, આ મિલનમાં તેઓ પોતાના નિર્ણય અંગે કોઇ નિર્દેશ આપશે તેવી વાતો વહેતી થઇ હતી પરંતુ મિલનમાં તેમણે તે અંગે એક શબ્દ ઉચ્ચાર્યો નહોતો અને તા.31મી સુધીમાં નિર્ણય જાહેર કરશે તેમ કહી વધુ એક મુદત પાડી હતી.
આગામી તા.28ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હોસ્પિટલનું લોકાર્પણ કરવા આટકોટ આવી રહ્યા છે, આ પ્રસંગમાં નરેશ પટેલ હાજર રહે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ હતી, પરંતુ બુધવારે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનના કાર્યક્રમમાં પોતે જવાના નથી, મોદી આવી રહ્યા હોવા છતાં નરેશ પટેલ તેમાં જવાના નહીં હોવાથી તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તેની ફરીથી ચર્ચા શરૂ થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.