રાજકોટમાં આજે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા છેલ્લા 6 મહિનામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 188 રાજકોટના અને 20 વિદ્યાર્થીઓ જૂનાગઢમાંથી પાસ થયા છે. કાર્યક્રમમાં હાજર નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ તમામ પક્ષને સમાન રાખી ચાલશે, મારા ઘણા અંગત લોકો રાજકારણમાં છે. હું એકેયના ચૂંટણી પ્રચારમાં જવાનો નથી. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, હું ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દઈશ.
રમેશભાઈ પહેલેથી ભાજપ સાથે જોડાયેલા છે
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમમાં હાજર રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા ખોડલધામના એક ટ્રસ્ટી છે. ભાજપે તેને ટિકિટ આપી છે. રમેશભાઈ પહેલેથી ભાજપ સાથે જોડાયેલા છે. ખોડલધામ તમામ પક્ષને સમાન રાખી જ્યાં જ્યાંથી લેઉવા પટેલ સમાજના ઉમેદવાર લડતા હોય તેને સાથ આપશે. ત્રણેય પક્ષમાં હજી ઘણીબધી ટિકિટ પણ ફાઈનલ થઈ નથી. આખું સમીકરણ તો 15 નવેમ્બરના રોજ ખબર પડે, કેટલા ફોર્મ પાછા ખેંચાય છે તેનું એક એક સીટ પરથી ખબર પડે પછી માહોલ જાણવા મળે.
આ વખતે હું રાજકારણમાં નથી
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારું રાજકારણમાં જોડાવું એ ભૂતકાળ બની ગયો છે. આ વખતે હું રાજકારણમાં છું નહીં. મારા ઘણા બધા અંગત લોકો રાજકારણમાં છે અને તમામને શુભેચ્છા પાઠવું છું. પક્ષોએ અમારા બન્ને સમાજનું ધ્યાન રાખીને ટિકિટ આપી છે. હું ચૂંટણી પ્રચારમાં બિલકુલ જઈશ નહીં. સારા ઉમેદવારો રાજકારણમાં આવે અને સમાજનું કલ્યાણ કરવા ચૂંટાઈને આવે તેવી મા ખોડલને પ્રાર્થના. અમે કોઈના પ્રચારમાં જવાના નથી. હું ક્યારેય ઇશારો ન કરી શકું કે આની તરફ જાવ.
હવે ખોડલધામમાં મહાસભાનો કોઈ પ્રશ્ન નથી
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હું લગભગ બધા નેતાને મળતો જ હોવ છું, લેઉવા પટેલ સમાજ દરેક પક્ષમાં હોય છે. હવે ખોડલધામમાં મહાસભાનો કોઈ પ્રશ્ન આવતો નથી. 21 જાન્યુઆરી અમારી મોટી તારીખ હોય છે અને આગામી 21 જાન્યુઆરીએ જ કાર્યક્રમ રાખીશું. ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ સામાજિક ધર્મસભા થઈ નહીં શકે. ક્યારેય તેઓ પણ નહીં ઈચ્છે કે આપણે ખોડલધામના સ્ટેજ પર જઈએ.
હવે ખોડલધામમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયા કરીશ
ખોડલધામના ટ્રસ્ટી અને રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, રાજકારણમાં જઈએ તો ખોડલધામમાંથી રાજીનામું દેવું એ સાચી વાત છે. મેં ટ્રસ્ટને કહ્યું જ છે કે, હું રાજીનામું આપી દઉં છું. ટૂંક સમયમાં જ ચૂંટણી જાહેર થઈ અને ફોર્મ ભરવાનું એવું બધુ ચાલુ હતું એટલે હવે ખોડલધામમાંથી રાજીનામું આપવાની પ્રક્રિયા હાથ ધરીશું. પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલે છે.
રાજકોટ દક્ષિણ બેઠક પર OBC સમાજ સાથે કોઈ નારાજગી નથી
રમેશ ટીલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, બધા વોર્ડમાં લોકોમાં થનગનાટ છે અને લોકો ભાવથી જોડાઈ રહ્યા છે. આપાગીગાના ઓટલાના નરેન્દ્રસિંહ સોલંકી સાથે હવે કોઈ નારાજગી નથી. તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મેં ફોર્મ ઉપાડ્યું છે, ભરું કે ન ભરું એ ફાઈનલ નથી. રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડને ટિકિટ આપી તે OBC જ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર OBC સમાજમાં કોઈ નારાજગી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.