મિશન 2022:ખોડલધામ ‘નરેશ’ની જેમ કારડિયા રાજપૂતના કિંગમેકર વજુભાઈ બનશે, સમાજને એક કરવા આસ્થાની છતના સહારે, જશા બારડે કહ્યું- વોટબેંક મુજબ રાજકારણમાં અન્યાય

રાજકોટ10 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • પાટીદારોને એક કરવા ખોડલધામ બન્યું, કારડિયા રાજપૂતોને એક કરવા ભવાની માતાજીનું મંદિર બનશે
  • વજુભાઈએ સુત્રપાડામાં આગાઉ જાહેરાત કરી હતી, મારો ટેકો, હું તેની સાથે બે દિવસમાં બેઠક કરીશઃ જશા બારડ

જ્યારે જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિ આધારિત ચોગઠા ગોઠવવાની શરૂઆત થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે. ખરા સમયે જ જ્ઞાતિના આગેવાનો મેદાનમાં આવી પોલિટિકલ પાર્ટીને પ્રેશર કરતા હોય છે. ખોડલધામ સંસ્થા બનાવી નરેશ પટેલે પાટીદારોને એક કરવાની પહેલ કરી છે. ત્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. હવે કારડિયા રાજપૂત સમાજ એકતા બતાવવા મેદાને ઊતર્યો છે. એમાં પણ હાલ રાજકારણમાંથી નિવૃત્ત જેવા સિનિયર નેતા વજુભાઈને કમાન સોંપાશે. સુરેન્દ્રનગર પાસે ખોડલધામ જેવું 35 એકરમાં કારડિયા રાજપૂતના કુળદેવી ભવાની માતાજીનું મંદિર નિર્માણ થશે. આ મુદ્દે ભાજપના પૂર્વ ધારાસભ્ય જશા બારડે જણાવ્યું હતું કે વોટબેંક મુજબ અમારા સમાજને રાજકારણમાં અન્યાય થાય છે.

સમાજની અમુક ગેરમાન્યતાઓ દૂર કરીશું: જશા બારડ
પાટીદાર અને કોળી સમાજની જેમ કારડિયા રાજપૂત સમાજ એક કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ આધારિત ગણિતને વધુ એક મજબૂત સ્થાન આપવામાં આવી રહ્યું છે. ખોડલધામ અને ઉમિયાધામની માફક કારડિયા રાજપૂત સમાજ ‘ભવાની મંદિર’નું નિર્માણ કરશે, આથી વજુભાઈ વાળા ફરી રાજકારણમાં સક્રિય થશે. મંદિર નિર્માણ માટે સુરેન્દ્રનગર પાસે 35 એકર જમીન લેવાઈ ગઈ છે. જશા બારડે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર બે ટિકિટ મળી હતી એમાં પણ હાર થઈ હતી. વોટબેંક મુજબ ત્રણથી ચાર ટિકિટ મળવી જોઈએ. રાજકારણમાં અમારા સમાજને અન્યાય થઇ રહ્યો છે. આ સિવાય સમાજની અમુક ગેરમાન્યતાઓ દૂર કરવા આસ્થાના નેજા હેઠળ સમગ્ર સમાજને એક કરીશું, એની સમગ્ર આગેવાની વજુભાઈ વાળા લેશે.

ટૂંક સમયમાં સંમેલન યોજવાની પણ તૈયારી
સૂત્રોના કહેવા મુજબ, કારડિયા રાજપૂત સમાજની વિવિધ પેટાજ્ઞાતિઓ સાથે બેઠકો યોજી ભવાની માતાજીના મંદિર માટે સહમતી સાધ્યા બાદ મંદિર માટે અમદાવાદ હાઈવે ઉપર દર્શન હોટલ સામે ખરીદવામાં આવેલી જમીન ઉપર જ સમસ્ત કારડિયા રાજપૂત સમાજનું વિશાળ સંમેલન યોજવાનું આયોજન છે. આગામી જાન્યુઆરી-2022 આસપાસ યોજાનારા આ સંમેલનમાં કારડિયા રાજપૂત સમાજ રાજકીય દિશા-નિર્દેશ પણ નક્કી કરે એવી ચર્ચા છે. ખોડલધામમાં નરેશ પટેલ પાટીદારોના કિંગમેકર બન્યા છે એમ ટૂંક સમયમાં વજુભાઈની આગેવાનીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરી કારડિયા રાજપૂત સેનાના સેનાપતિ વજુભાઈ બને તો નવાઈ નહીં.

મંદિર બનાવવા 100 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો
કારડિયા રાજપૂત સમાજના આગેવાન મહેશ રાજપૂતનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે ભવાની માતાજીના વિશાળ મંદિર માટે સાયલા તાલુકાના લખતરી ગામની રાજકોટ-અમદાવાદ હાઈવે ટચ જમીન ખરીદી લેવામાં આવી છે. આ માટે ટ્રસ્ટની પણ રચના થઈ ગઈ છે. હવે સમાજમાંથી ફાળો એકત્ર કરી આસ્થાના પ્રતીક સમાન ભવાની માતાજીનું મંદિર મૂર્તિમંત કરવાનું આયોજન છે. આ મંદિર માટે અંદાજિત 100 કરોડનો ખર્ચ નિર્ધારવામાં આવ્યો છે અને સમાજમાં મંદિર બનાવવા માટે ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. રાજ્યપાલના ભારમાંથી મુક્ત થતાં જ ભાજપના વરિષ્ઠ નેતાએ સમાજના આગેવાનો સાથે શરૂ કરેલો બેઠકોનો દોર અમદાવાદ હાઈવે પર આવેલી જમીનમાં સાફ-સફાઈ હાથ ધરવા સૂચના આપી દેવામાં આવી છે.

સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ
ગુજરાત ભાજપના રાજકારણમાં બે દાયકા સુધી દબદબો ધરાવ્યા બાદ રાજ્યપાલ બનેલા અને હાલમાં જ રાજ્યપાલપદેથી નિવૃત્ત થઈ પરત રાજકોટ આવી ગયેલા રાજકારણના જૂના ખેલાડી વજુભાઈ વાળાએ પોતે ભાજપમાં હતા, છે અને રહેશે એવી જાહેરાત કરી હતી. બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વજુભાઈ રાજપૂતોની તમામ પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા મોતિયાના ઓપરેશન બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પરના પ્રાઈમ લોકેશનમાં ભવાની માતાજીના મંદિરના નિર્માણ સાથે રાજપૂતોની તમામ પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય બન્યા છે. આ માટે વિવિધ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદારોના આસ્થાના બે મુખ્ય કેન્દ્રો ખોડલધામ અને ઉમિયાધામમાં પોતાની જ્ઞાતિનું રાજકીય વર્ચસ્વ વધારવા અત્યારથી જ વ્યૂહરચનાઓ ગોઠવાવા લાગી છે.

વજુભાઈએ 2013માં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો
વજુભાઈ વાળા પણ સામાજિક કાર્યો થકી રાજકીય એજન્ડા સક્રિય કરવાની દિશામાં આગળ વધી રહ્યાનું માનવામાં આવી રહ્યું છે. કારડિયા રાજપૂત સમાજના ટોચના નેતા વજુભાઈ વાળાનું નિર્વિવાદી વ્યક્તિત્વ છે. તેમણે કારડિયા રાજપૂત સમાજમાં 2013ની સાલમાં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ આ યોજના પર કોઈ પ્રગતિ થઈ શકી નથી અને વજુભાઈને પણ ભાજપમાંથી સાઈડલાઈન કરી રાજ્યપાલ બનાવી દેવાયા હતા.

ખોડલધામ મંદિર જેવું જ કારડિયા રાજપૂત સમાજનું મંદિર બનશે.
ખોડલધામ મંદિર જેવું જ કારડિયા રાજપૂત સમાજનું મંદિર બનશે.

રાજપૂત સમાજના વિવિધ વિસ્તારોના આગેવાનોની બેઠકોનો દોર શરૂ
હવે વજુભાઇ નિવૃત્ત થઈને ફરી રાજકોટ આવી જતાં તેમણે કારડિયા રાજપૂત સમાજનાં કુળદેવી ભવાની માતાજીના મંદિરનો એજન્ડા હાથ પર લીધો છે. હાલ ગુજરાતમાં કોડીનાર, તાલાલા, સોમનાથ, બોટાદ, લીંબડી, તળાજા, સિહોર, સાયલા, ધંધૂકા, આણંદ સહિતના વિસ્તારોમાં કારડિયા રાજપૂતોની વસતિ નોંધપાત્ર છે. વજુભાઈએ કારડિયા રાજપૂત સમાજના વિવિધ વિસ્તારોના આગેવાનોની બેઠકોનો દોર શરૂ કર્યો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર અને ધંધૂકાના આગેવાનો વજુભાઈને તેમના નિવાસે મળ્યા હતા અને મંદિર બનાવવાની યોજના અંગે ચર્ચા કરી હતી.

રાજકીય પ્લેટફોર્મ પર સમાજ પોતાની વાત રજૂ કરી શકે
હાઈવે પર ખરીદેલી જગ્યા સાફ કરવા જણાવી મંદિર માટે આગામી દિવસોમાં તમામ પેટાજ્ઞાતિના આગેવાનો સાથે બેઠક યોજવા જણાવ્યું હતું. આ વાતને કારડિયા રાજપૂત સમાજના આગેવાન કાનભા રાજોડાએ સમર્થન આપ્યું હતું. સોમનાથ જિલ્લાના રાજપૂત સમાજના નેતા જશાભાઈ બારડે પણ જણાવ્યું હતું કે અમે સમાજના મંદિર માટે વજુભાઈ વાળાને ટૂંક સમયમાં મળવાનું વિચારી રહ્યા છીએ. મંદિરનો ઉદ્દેશ સમાજને એક કરવાનો છે, આથી રાજકીય પ્લેટફોર્મ પર સમાજ પોતાની વાત રજૂ કરી શકે. ઉલ્લેખનીય છે કે કારડિયા સમાજના પ્રભુત્વવાળી તાલાલા, સોમનાથ અને કોડીનાર વિધાનસભાની બેઠકો પર છેલ્લી ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...