વિધાનસભાની ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં એક બાદ એક પાર્ટીના દિગ્ગજ નેતાઓ આગામી દિવસોમાં આવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 મેના રોજ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે આવી રહ્યા છે. પહેલા 28 મેએ આવનાર હતા પરંતુ હવે 29 મેએ આટકોટ આવશે તેવું ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ સત્તાવાર રીતે જણાવ્યું છે. આટકોટમાં મોદી 200 બેડની કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ હોસ્પિટલ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તરફથી બનાવવામાં આવી છે અને તેનું સંચાલન કરશે.
કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે
આ અંગે ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે, 29મેએ સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી આટકોટમાં નિર્માણ પામેલી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જનસંચાલિત કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે. સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ મુંજપરા, રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી, બધા જ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો હાજર રહી કાર્યક્રમને ભવ્ય બનાવશે.
40 કરોડના ખર્ચે હોસ્પિટલ બની
ડો.ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે, 40 કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલમાં લોકોને એકદમ રાહતદરે સારવાર મળશે. હોસ્પિટલની અંદર 24 જેટલા ઓપીડીના ડિપાર્ટમેન્ટ, ઓપરેશન થિયેટર અને રેડિયોલોજી વિભાગ લોકાર્પણ સાથે જ કાર્યરત થઈ જશે. તેમજ ત્રણ મહિના બાદ એથ્લેબ અને હાર્ટના વિભાગ સાથે આખી હોસ્પિટલ ધમધમતી કરાશે.
ડાયભાઈ પટેલે હોસ્પિટલ માટે 9 વીઘા જમીન દાનમાં આપી
કે.ડી. પરવાડિયા હોસ્પિટલની જમીનના દાતા સાકરબેન રણછોડભાઇ પટેલના પુત્ર ડાયાભાઇ પાટીદાર છે. તેમણે હોસ્પિટલ માટે નવ વિઘા જમીન આપી છે. વર્ષો પહેલા તેમણે આટકોટ પાસે જ હાઇવે રોડ ટચ જમીન સમાજ વાડી બનાવવા આટકોટ પટેલ સમાજને દાનમાં આપી હતી. પરંતુ સમાજ વાડીને બદલે આજે આ વિશાળ જગ્યા ઉપર આધુનિક સુવિધા સાથેનું માનવ મંદિરનું નિમાર્ણ થયું છે.
ડાયાભાઈ હાલ સુરતમાં રહે છે
ડાયાભાઇ પણ મૂળ આટકોટના છે અને હાલ સુરત રહે છે. તેમણે પણ વતન અને જન્મભૂમિનું ઋણ અદા કરી ભૂમિદાન કર્યું હતું. આટકોટ તથા આજુબાજુના લોકોને હવે સારી સુવિધા ઉપલબ્ધ મળશે. રાજકોટ સુધી ન જવું પડે તે માટે દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર મળશે. આટકોટ માટે હવે સોનાનો સુરજ ઉગ્યો છે. જસદણ તાલુકાના લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.