ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ:ભાજપે ગામડાંમાં પ્રચાર શરૂ કર્યો, ઇ-બાઇકમાં LED સ્ક્રીન લગાડી યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવાનું શરૂ કર્યું

રાજકોટ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર ઝડપી કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા એક તરફ ગૌરવયાત્રા કાઢવામાં આવી રહી છે તો બીજી તરફ 14 લાખથી વધુ ખેડૂતોને રીઝવવા માટેનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં દરેક વિધાનસભામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ‘નમો કિશાન પંચાયત’ ઇલેક્ટ્રિક બાઇક દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ભગવા રંગનાં કમળ તેમજ નરેન્દ્ર મોદીના ફોટા સાથે તૈયાર કરવામાં આવેલી ઇલેક્ટ્રિક બાઇકમાં ગ્રામ્ય વિસ્તારમાં ખાસ વિશેષ પ્રચાર ખેડૂતોને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે. બાઇકમાં LED સ્ક્રીન લગાડી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે.

ઇ-બાઇકને આખી કેસરી રંગથી રંગી દેવામાં આવી.
ઇ-બાઇકને આખી કેસરી રંગથી રંગી દેવામાં આવી.

ગુજરાતનાં ગામડે ગામડે પ્રચાર શરૂ કરવામાં આવ્યો
પાછલા વિધાનસભાનાં પરિણામ જોતાં શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વર્ષે ચૂંટણી પહેલાં ખેડૂતોને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા હાઈટેક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને અનુકૂળ એવી ઈલેક્ટ્રિક બાઇક પર ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દરેક વિધાનસભા અંતર્ગત આવતાં ગામડે ગામડે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા 1800 કાર્યકર્તાને તાલીમ આપવામાં આવી.
ભાજપ દ્વારા 1800 કાર્યકર્તાને તાલીમ આપવામાં આવી.

1800થી વધુ કાર્યકર્તાને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી
ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતો સુધી ભાજપનો પ્રચાર કરવા ગુજરાત ભાજપે હાઈટેક પ્રચાર પદ્ધતિ અપનાવી છે. રાજ્યના 33 જિલ્લા માટે ઈ-બાઇકની ખરીદી કરવામાં આવી છે. આ બાઈક પર પાછળના ભાગે ખાસ LED સ્ક્રીન લગાડવામાં આવી છે, જેમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યારસુધીની કામગીરી, વિવિધ સરકારી યોજનાઓ સહિતના મુદ્દાઓને આવરી લેતી ટૂંકી ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે. આ LED સ્ક્રીન સાથેની ઈ-બાઇક ચલાવવા માટે 1800થી વધુ કાર્યકર્તાઓને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

ઇ-બાઇકની પાછળ LED સ્ક્રીન લગાડવામાં આવી.
ઇ-બાઇકની પાછળ LED સ્ક્રીન લગાડવામાં આવી.

કેન્દ્ર સરકારની કામગીરીનો પણ પરિચય કરાવાય છે
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ જણાવ્યું હતું કે કિસાન મોરચા અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઇલેક્ટ્રિક બાઇક સાથે ગુજરાત તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તેમજ અલગ અલગ સિદ્ધિઓ દર્શાવતી વિગત સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે 14 હજારથી વધુ ગામડાંમાં 20 લાખથી વધુ ખેડૂતોનો સીધો સંપર્ક ઈ-બાઇક મારફત ડિજિટલ પ્રચાર સાથે કરવામાં આવશે. ઈ-બાઇક પર તમામ કાર્યકર્તાઓ ગ્રામ્ય વિસ્તારોમાં જશે અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓથી માંડીને રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીનો પરિચય કરાવાશે.

ભાજપે ગામડાંમાં લોકોને રીઝવવા હાઇટેક પ્રચાર શરૂ કર્યો.
ભાજપે ગામડાંમાં લોકોને રીઝવવા હાઇટેક પ્રચાર શરૂ કર્યો.
અન્ય સમાચારો પણ છે...