સોમા અને નાફેડ વચ્ચેની બેઠક સફળ:નાફેડે ઓઇલ મિલરોની માંગણી ગ્રાહ્ય રાખી નિયમોમાં કર્યા ફેરફાર, સીંગતેલના ભાવમાં થઇ શકે છે ઘટાડો

રાજકોટ19 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીથી લોકો પરેશાન થઇ ગયા છે તેમાં પણ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, તેલ, અનાજ, કઠોળ અને પેટ્રોલ ડીઝલમાં ભાવ આસમાને પહોંચતા મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે. આ વર્ષે સીંગતેલનો હાઇએસ્ટ ભાવ રૂ. 3000 સુધી પહોંચી જતા 15 દિવસ પૂર્વે રાજકોટમાં નાફેડ સરકાર અને સૌરાષ્ટ્રના ઓઇલ મિલરો વચ્ચે બેઠક મળી હતી.

આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જે માંગણીઓને માન્ય રાખી નાફેડે મગફળી ખરીદ માટે નિયમો હળવા કરતા બેઠકને સફળ બની છે અને સોમા દ્વારા નાફેડના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસસિએશન પ્રમુખ કિશોર વિરડીયા
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસસિએશન પ્રમુખ કિશોર વિરડીયા

મગફળી ખરીદ માટે નિયમો હળવા કરી દીધા
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસસિએશન પ્રમુખ કિશોર વિરડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ગત 28-8-2022ના રોજ નાફેડના અધિકારીઓ અને સરકાર સાથે એક મિટિંગ યોજાઈ હતી. જેમાં નાફેડની હરાજીને લગતા જે મુદ્દાઓ સોમાં તરફથી ઉઠાવવામાં આવ્યા હતા તેમાંથી નાફેડેએ ઘણા મુદ્દામા ફેરફાર કરી આપ્યા છે અને મગફળી ખરીદ માટે નિયમો હળવા કરી દેતા સૌરાષ્ટ્રના ઓઇલ મિલરો નાફેડના આ નિર્ણયને આવકારી રહ્યા છીએ. આગામી ટૂંક સમયમાં મિલરો પણ નાફેડ પાસેથી મગફળીની ખરીદ શરૂ કરી મિલોમાં તેનું પીલાણ પણ શરૂ કરી દેશે, જેનાથી લોકો સુધી સીંગતેલ પહોંચી શકશે. સોમા દ્વારા બેઠક દરમિયાન કેટલાક મુદ્દાની રજુઆત કરવામાં આવી હતી જેમાંથી નાફેડે અમારા મૂદા ગ્રાહ્ય રાખ્યા છે.

સોમા દ્વારા નાફેડના આ નિર્ણયને આવકારવામાં આવ્યો
સોમા દ્વારા નાફેડના આ નિર્ણયને આવકારવામાં આવ્યો

આ મુદ્દા રજૂ કરાયા

  • 95% પેમેન્ટ હવેથી કન્ફર્મેશનના 5 (પાંચ) બેંક વર્કિંગ દિવસોમાં આપી દેવાનું રહેશે જે અગાઉ 2 દિવસમા આપવાનું રહેતું હતું.
  • 250 મેટ્રિક ટન સુધીનો જથો ઉપાડવા માટે હવે થી 10 ફ્રી દિવસનો સમય મળશે.
  • કોઈ પણ જથ્થો ઉપાડવા માટે જે ફ્રી દિવસો આપવામાં આવ્યા હશે તે ખતમ થઈ જાય અને જથ્થો ઉપાડવાનો બાકી હોય તો નાફેડને જાણ કરવાથી 30 દિવસ સુધીનો વધારાનો સમય આપી શકાશે જેના માટે વરેહાઉસનું ભાડું ખરીદનારએ આપવાનું રહેશે.
  • જો આ સમય મા પણ જથ્થો નહિ ઉપડે તો 6 મહિના માટે નાફેડની હરાજીમા થી બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને EMD તથા બીજી રકમ જપ્ત કરવામાં આવશે.

સીંગતેલના ડબ્બાના ભાવ રૂ. 3 હજારની ઐતિહાસિક સપાટી પર
આ સાથે નાફેડની મગફળી ઓઇલ મિલરો ખરીદ કરવા શરૂઆત કરશે અને આગામી સમયમાં મગફળીની આવક પણ ધીમે ધીમે શરૂ થશે તો આગામી નજીકના દિવસોમાં સીંગતેલના ભાવ ઘટી શકે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. મહત્વનું છે કે, મગફળીની અછત અને નાફેડ પાસેથી મિલરોએ મગફળી ખરીદ કરવાનું નહિવત કરી દેતા અછત ના કારણે સીંગતેલના ડબ્બાના ભાવ હાલ રૂ. 3 હજારની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયા છે જે કદાચ અત્યર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...