ભેદ ઉકેલાયો:ઇકો કારની ચોરી કરી ઘરફોડ કરતી શિકલીકર ગેંગ પકડાઇ, રાજકોટ અને જૂનાગઢમાં 10 ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત

રાજકોટ7 મહિનો પહેલા
શિકલીકર ગેંગના 3 સભ્યોની 2.87 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી.
  • રાજકોટ રૂરલ પોલીસે ગેંગ પાસેથી 2,87,700નો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતી શીકલીગર ગેંગની રાજકોટ રૂલર પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ પોલીસે 10 જેટલા ગુનાને અંજામ આપનાર શિકલીગર ગેંગના 3 શખ્સોને ઝડપી પાડી 2 લાખ 87 હજાર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ પહેલા ઇકો કારની ચોરી કરી રેકી કરતી હતી. બાદમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી.

પોલીસે 2,87,700નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ ગ્રામ્ય તથા જૂનાગઢ જિલ્લામાં થયેલી ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનામાં ચોક્કસ ગેંગ હોવાની શંકાના આધારે તપાસ કરતા શિકલીગર ગેંગનો હાથ હોવાનું માલુમ થતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શિકલીગર ગેંગના 3 શખ્સો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગોમટા ચોક નજીક હોવાની ચોક્કસ બાતમી રાજકોટ રૂલર LCB ટીમને મળી હતી. જેના આધારે ત્યાં પહોંચી તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમને રાજકોટ ગ્રામ્ય અને જૂનાગઢ જિલ્લામાં 10 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ધરમસિંગ મંગલસિંગ બાવરી, દર્શનસિંગ ઉર્ફે ટકલું ભૌડ અને ઇમરતસિંગ મહેન્દ્રસિંગ દુધાણી નામના શિકલીગર ગેંગના 3 આરોપીની ધરપકડ કરી 2,40,000 કિંમતની ઇકો કાર, 41,700 રૂપિયા રોકડ રકમ સહિત કુલ 2 લાખ 87 હજાર 700નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પહેલા આ ગેંગ ઇકો કારની ચોરી કરી રેકી કરતી હતી.
પહેલા આ ગેંગ ઇકો કારની ચોરી કરી રેકી કરતી હતી.

શું છે આરોપીની મોડેસ ઓપરેન્ડી?
રાજકોટ રૂલર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલના જણાવ્યા મુજબ આ ગેંગના કુલ 4 સભ્યો છે જે પૈકી 2 સુરત ,1 અમરેલી અને 1 જૂનાગઢ જિલ્લામાં રહે છે. આરોપીઓ એક સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવી બાદમાં કોઇ એક જગ્યા પર એકઠા થઇ પ્રથમ ઇકો કાર ચોરી કરે છે અને બાદમાં એ જ કારમાં સવાર થઇ રેકી કર્યા મુજબ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપે છે અને બાદમાં એ જ ઇકો કારને અવાવરું જગ્યા પર બિનવારસી હાલતમાં છોડી ચાલ્યા જાય છે. છેલ્લા કેટલાક સમયથી કાર અને ઘરફોડ ચોરી થતાની ફરિયાદના આધારે ટીમ કામ કરતી હતી. જેના આધારે ચોક્કસ બાતમીના આધારે શિકલીગર ગેંગના 3 આરોપીને પકડી પાડી ફરાર આરોપી અર્જુનસિંગ ઉર્ફે અજ્જુસિંગ શિકલિંગરની શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલા આરોપીઓ પૈકી ધરમસિંગ બાવરી ઉપર અગાઉ માણાવદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે. જ્યારે દર્શનસિંગ ભૌડ વિરુદ્ધ સુરતના ઉધના અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...