રાજકોટમાં પિતાની વ્યથા:યુક્રેનમાં ભણતા મારા પુત્રએ કહ્યું કે, પપ્પા અહીં સ્થિતિ સ્ફોટક, આપણા વિદ્યાર્થીઓને પાછા લાવવા ભારત સરકારને અપીલ

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટમાં મેડિકલ સ્ટોરધાકર પ્રહલાદસિંહ જાડેજાનો પુત્ર યુક્રેનમાં અભ્યાસ કરતો હોવાથી આપવીતી જણાવી.
  • મારો દીકરો ભારત આવી જાય તે માટે સરકાર જલ્દીથી વ્યવસ્થા કરી આપે એવી માગ

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતીયોને યુક્રેન છોડવા સૂચના આપવામાં આવી છે. આ સમયે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી યુક્રેન અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓનાં વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં રહેતા પ્રહલાદસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મારો પુત્ર સત્યજીતસિંહ યુક્રેન અભ્યાસ માટે ગયો છે. મને એનો ફોન આવ્યો હતો અને કહેતો કે પપ્પા અહીં સ્થિતિ સ્ફોટક બનતી જાય છે. આથી મારી ભારત સરકારને વિનંતી છે કે, આપણા વિદ્યાર્થીઓને પાછા લાવો. મારા પુત્રને લઇને ચિંતા વધતી જાય છે.

અમારી ચિંતામાં વધારો થતો જાય છે
રાજકોટના ખોડિયારનગર વિસ્તારમાં મેડિકલ સ્ટોરધારક પ્રહલાદસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પુત્રનું નામ સત્યજીતસિંહ જાડેજા છે અને તે હાલ યુક્રેનની રાજધાની કિવ ખાતે અભ્યાસ માટે ગયો છે. હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે સરકારને અમે અપીલ કરી રહ્યા છીએ કે સરકાર ત્યાંની સરકાર સાથે વાત કરી આપણા વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા માટે કોઈ વ્યવસ્થા કરી આપે. અમારી ચિંતામાં વધારો એટલા માટે થયો છે કે, મારા પુત્ર સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિ સ્ફોટક જેવી છે. માટે અમારા દીકરા-દીકરીઓ ભારત આવી જાય તે માટે સરકાર જલ્દીથી વ્યવસ્થા કરી આપે એવી માગ છે.

સૌરાષ્ટ્રમાંથી 250 વિદ્યાર્થીઓ યુક્રેનમાં
યુક્રેન પર રશિયાના હુમલાનાં જોખમ વચ્ચે ગુજરાતીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેનું કારણ એ છે કે, ગુજરાતીઓએ પોતાના દીકરા-દીકરીઓને અભ્યાસ અર્થે મોકલ્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 250 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ માટે ગયા છે. ત્યારે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતીય એમ્બેસીની દેશ છોડવા અપીલ
યુક્રેન પર રશિયાના હુમલાનાં વધતા જોખમની અસર ભારત પર પણ થઈ રહી છે. યુક્રેન ખાતેની ભારતીય એમ્બેસીએ ભારતીયોને અપીલ કરી છે કે, તેઓ દેશ છોડીને નીકળી જાય. એમ્બેસી તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે, ખાસ કરીને એ વિદ્યાર્થીઓ ભારત પરત જતા રહે જેમનું યુક્રેનમાં રોકાવું બહુ જરૂરી નથી. આ ઉપરાંત ભારતીય નાગરિકોને યુક્રેનના પ્રવાસે ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...