સેલ્યૂટ:ડોક્ટરની પત્નીએ પૂછ્યું, ‘હેરાન કેમ થાવ છો’, ડોક્ટરે કહ્યું, ‘તારો ભાઇ કે પિતા આ સ્થિતિમાં હોત તો તું આવું પૂછત?‘

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંદનાબેન અને તેમની બે પુત્રીઓ.
  • રાજકોટના એ તબીબો જે કોરોનાને હરાવવા લડાઈ લડી રહ્યા છે તેમના પરિવારજનો કહે છે, ‘એ દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે અને અમે તેની મદદ’
  • રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. જયેશ ડોબરિયાના પત્ની વંદનાબેનને DivyaBhaskarને જણાવી તેમની હાલની મનોદશા
  • ત્રણ દિવસમાં પતિ સાથે માંડ એકાદ-બે મિનિટ જ કોલ પર વાત થઈ, બંને દિકરીઓને તેમના ડેડીની જ મોટિવેશનલ સ્ટોરી કહે છે

જિજ્ઞેશ કોટેચા, રાજકોટઃ અમારા લગ્નના સત્તર વર્ષ થયા, સંતાનમાં બે પુત્રી છે, સ્વાઇન ફ્લૂ વખતે પણ તે સતત હોસ્પિટલે જ રહેતા હતા, મે ત્યારે તેમને પૂછ્યું હતું કે, આપણે પૈસાની કમી નથી, તો આટલા હેરાન શા માટે થાવ છો?, તેમણે કહ્યું કે તારો ભાઇ કે પિતા હોસ્પિટલમાં દાખલ હોય અથવા હું ડોક્ટર ન હોઉ અને બીમાર હોઉ અને કોઇ સારવાર કરે નહીં તો? આ શબ્દો છે રાજકોટની ખાનગી હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો.જયેશ ડોબરિયાના પત્ની વંદનાબેનના. તેઓએ કહ્યું હતું કે, કોરોનાનો ફેલાવો વધતા ડો.જયેશ ત્રણ દિવસ પહેલાં જ ઘરેથી કપડાં ભરેલી બેગ લઇને હોસ્પિટલે નીકળી ગયા હતા, મારી બંને પુત્રી સૂચી અને હીર જ્યારે પિતાની વ્યસ્તતા અંગે કહે છે ત્યારે હું તેમને કહું છું કે, આજે સમાજ અને દેશને તારા પિતા જેવા નિષ્ણાત ડોક્ટરની જરૂર છે, તારા પિતા રિયલ હીરો છે, હોસ્પિટલે જતા પહેલા તેમણે પૂછ્યું હતું કે, ઘર સંભાળી લઇશને કોઇ તકલીફ નહીં પડેને? મેં કહ્યું હતું કે, ચિંતા કરોમાં હું લક્ષ્મીબાઇ છું, તમે નિષ્ફીકર બની દર્દીદેવની સેવા કરો. સાચું કહું ખૂબ ડર લાગે છે, દિવસ વિતતો નથી અને રાત લાંબી લાગે છે, પણ મે તેમને આ વાત કરી નથી. 

વંદનાબેન ડોબરિયાના શબ્દોમાં જ તેમની જુસ્સાભરી વાત...

‘‘અત્યારે મારા પતિ સમાજની ખરી સેવા કરી રહ્યા છે તેનો મને અને મારા પરિવારને ખૂબ ગર્વ છે. તેઓ 3 દિવસ પહેલાં ગયા છે અને 15 દિવસનું કહીને ગયા છે... અમે હજી થોડાક દિવસ પહેલાં જ તાનાજી મૂવી જોયું હતું. એટલે સર જ્યારે 15 દિવસનું કહીને તેમની બેગ લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે, તાનાજી મૂવીમાં જેમ યોદ્ધાઓ જંગ લડવા જતા હતા તેમ તમે પણ તમારા જંગમાં સક્સેસ થઈને પાછા આવો તેવી શુભેચ્છા છે. આ ખરેખર બહુ ઉમદા કાર્ય છે.’’
ચિંતા તો બહુ થાય છે, ઊંઘ નથી આવતી, ટેન્શન રહે છે..

‘‘અત્યારે તેમની ચિંતા તો બહુ થાય છે. ત્રણ દિવસથી ઊંઘી શકી નથી. તેઓ હોસ્પિટલમાં પોઝિટિવ કેસની સાથે ટેકલ કરતા હોય એટલે સતત ચિંતા રહે છે. અધૂરામાં તેમને ઘરનું ભોજન પણ મળે નહીં, ત્યાં કેન્ટિન છે પણ ઘરનું જમવાનું એ ઘરનું. તેમને ત્યાં જમાડતું કોણ હશે તેની ચિંતા રહે છે. ખૂબ ચિંતા થાય છે. અમારે તો હજી સુધી કોઈ વીડિયોકોલ પણ નથી આવ્યો. તેમણે કહ્યું છે કે ફ્રી થઈશ એટલે કોલ કરીશ. આ ત્રણ દિવસમાં માંડ એકાદ-બે મિનિટ અમે વાત કરી હશે. કારણ કે તેઓ ત્યાં 24 કલાક પેશન્ટની સારવારમાં જ વ્યસ્ત રહે છે.’’
લોકોને એટલી જ સલાહ છે કે પ્રિકોશન રાખો, ઘરમાં રહો
‘‘અત્યારે તો મારે તેમને એટલી સલાહ આપવાની કે પ્રિકોશન રાખો અને પોતાનું ધ્યાન રાખજો. જમવામાં અને ફૂડમાં તેઓ ટાઈમ ટુ ટાઈમ રહે- મેડિસિન લે તે જ સલાહ આપવાની. જ્યારે સમાજ માટે મારે એટલું જ કહેવું છે કે અત્યારે સરકાર, પોલીસ, મીડિયાવાળા કહે છે કે તેમે ઘરમાં રહો, સલામત રહો તે સાચું છે. લોકોએ બહાર આવીને વાઈરસ ફેલાવામાં સહભાગી ન થવું જોઈએ. તમારે મેક્સિમમ સમય પરિવાર સાથે જ વિતાવવો જોઈએ. ખાલી ખોટું બહાર નિકળવાની જરૂર નથી.’’

મારી દિકરીઓને તેમના ડેડીની જ મોટીવેશનલ સ્ટોરી કહું છું
‘‘અત્યારે મારો તો આખો દિવસ ઘરમાં દિકરીઓની સંભાળ રાખવામાં જ જાય છે. તેમને સ્ટડી કરાવું છું અને પ્રોજેક્ટમાં હેલ્પ કરું છું. તેમને હું મોટિવેશનલ સ્ટોરી કહું છું અને ખાસ તો તેમના ડેડીની જ સ્ટોરી કહું છું કારણ કે મારા તો ઘરમાં જ મોટું એક્ઝામ્પલ છે તો બહાર જવાની ક્યાં જરૂર છે. મારી ડોટરમાં પણ અત્યારથી જ સેવાના બીજ રોપાઈ રહ્યા છે. તે બંને અત્યારથી જ પોઝિટિવ થિન્કિંગ ધરાવે છે.’’

નર્સિંગ સ્ટાફ વિના ડોક્ટર અધૂરા છે, તેમને પ્લીઝ હેરાન ન કરો
‘‘ડોક્ટરોના ફેમિલીને અંદરથી તો ડર જ હોય છે. આપણને કોરોનાના પેશન્ટનું નામ સાંભળીને ડર લાગે છે તો તેમને તો ત્યાં કામ કરવાનું હોય છે. પોઝિટિવ કેસ આવે એટલે અમને પણ ટેન્શન આવે છે કે સાહેબ ત્યાં હોય એટલે તેમના રૂમમાં હોય અને પોઝિટિવ પેશન્ટ સાથે રહીને ટ્રીટમેન્ટ કરવાની હોય એટલે ટફ છે.. ઈઝી નથી. આપણને હોસ્પિટલનું નામ લઈને કોઈ હે કે ત્યાં જવાનું છે તો પણ ડર લાગે છે. હું તો ખાસ નર્સિંગ સ્ટાફને પણ થેંક્સ કહીશ કારણ કે તેમના વગર તો ડોક્ટરો પણ અધૂરા છે. આવામાં નર્સિંગ સ્ટાફ રેન્ટ પર રહેતા હોય અને મકાન માલિક હેરાન કરતા હોય તો ના કરવા જોઈએ.’’

એક જ ઘરમાં અલગ રહીએ છીએ: ડો. પાડલિયાના પત્ની

ડો. પાડલિયાનો પરિવાર
ડો. પાડલિયાનો પરિવાર

આવી સ્થિતિમાં તે ઘરે બેસી રહે તો તે ડોક્ટર તરીકે યોગ્ય ન કહેવાય. અત્યારે દેશ કોરોનાની સામે યુદ્ધ કરી રહ્યો છે અને તેમાં મારો પુત્ર ડોક્ટર નહીં પણ સૈનિક છે જેનો અમને ગર્વ છે. હવે લોકો પણ તેમાં સાથ આપે અને ઘરની બહાર ન નીકળે તો જંગ જીતી જશું. આ શબ્દો ડો.જીગર પાડલિયાના પિતા રણજિતભાઈના છે. પત્ની ડો.રાધિકા કહે છે કે, તેઓ આખો દિવસ હોસ્પિટલ જ રહે છે, વોલેટ કે ઘડિયાળ નથી લઈ જતા. પરત આવે ત્યારે પોતાના કપડાં ગરમ પાણીમાં જાતે ધૂએ છે, સોફા પર સાથે બેસવા પણ નથી દેતા એક જ ઘરમાં અલગ અલગ રહીએ છીએ. પરિવારને ચેપ ન લાગે તે માટે આટલી કાળજી લઈએ છીએ. બહેન ડો.નિરાલીએ કહ્યું કે, કાલે જ ભાઈનો બર્થ ડે હતો કોઇ સેલિબ્રેશન ન રાખ્યું પણ મોડી રાતે ભાઈ આવ્યો એટલે રાહ જોઈ રહેલા પાડોશીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી તે જોઈ ગૌરવ થયું.

લગ્નને 3 જ મહિના થયા છે પણ મે જ કહ્યું કે, દેશસેવા પહેલાઃ ડો. દર્શન જાની પરિવાર

ડો. દર્શન જાનીનો પરિવાર
ડો. દર્શન જાનીનો પરિવાર

ડો. દર્શન જાની શહેરના અગ્રણી આર્કિટેક્ટ સંજીવ જાનીના પુત્ર છે પોતાના પુત્ર વિશે કહે છે કે ‘દર્શન મારો એકનો એક પુત્ર છે અને કોરોના જેવી મહામારીમાં દર્દીઓના સીધા સંપર્કમાં છે આમ છતાં તે કામ કરે છે. સમાજમાં રહેવું હોય તો સમાજને દેવું પણ પડે અને મારો દીકરો એ જ કરી રહ્યો છે. લગ્નને ત્રણ જ મહિના થયા છે પણ જ્યારથી કોરોનાની હવા ફેલાઈ છે ત્યારથી ફક્ત હોસ્પિટલ જ રહે છે ક્યારેક ફ્રેશ થવા ઘરે આવે છે, જમવાનું, સુવાનું બધું જ હોસ્પિટલમાં હોય છે. માતા વંદનાએ રડમસ અવાજે ફક્ત એટલું જ કહી શક્યા કે ‘દીકરાની ચિંતા તો ખૂબ થાય છે પણ આ તેનો ધર્મ છે એટલે રોકી શકતી નથી’ ડો. દર્શન જાનીના પત્ની રૂપલ જાની પણ ડોક્ટર છે તેઓ કહે છે કે ‘લગ્નને હજુ 3 મહિના થયા છે, આલ્બમ પણ નથી બન્યો પણ અત્યારે મેં જ કહ્યું છે કે પહેલા દેશસેવાને મહત્ત્વ આપો પરિવાર અને પત્નીને સમય તો મળશે જ’.

અન્ય સમાચારો પણ છે...