ભાવ તફાવત:સરસવ તેલના ભાવ ઘટ્યા, સિંગતેલ કપાસિયા અને પામોલીનમાં વધારો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિંગતેલ અને કપાસિયામાં માત્ર રૂ.200 નો તફાવત

ગત સપ્તાહના પ્રારંભે સોમવારે સાત કૃષિ પ્રોડક્ટના વાયદા વેપાર પર પ્રતિબંધ લાગુ કર્યો હતો. જેને કારણે આખું સપ્તાહ સરસવના તેલના ભાવ ઘટ્યા હતા. એક અઠવાડિયમાં રૂ. 80નો ઘટાડો આવતા સરસવ તેલનો ડબ્બો રૂ.2600એ પહોંચ્યો હતો. શનિવારે તેનો ભાવ સ્થિર રહ્યો હતો.જ્યારે સિંગતેલ- કપાસિયા તેલ અને પામોલીન તેલમાં રૂ. 20-20 નો વધારો થયો હતો. ભાવવધારા બાદ સિંગતેલ અને કપાસિયામાં માત્ર રૂ. 200નો જ તફાવત જોવા મળ્યો હતો.

શનિવારે ભાવમાં રૂ.20નો વધારો થયા બાદ સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2260, કપાસિયા તેલ રૂ. 2060 અને પામોલીન તેલ રૂ.1840 નો થયો હતો.વધુમાં વેપારીઓના જણાવ્યાનુસાર વાયદા વેપાર પર પ્રતિબંધ લાગુ થયા બાદ આખું સપ્તાહ હાજર સ્ટોકમાં પણ માત્ર જરૂર પૂરતા જ વેપાર થયા હતા. જૂનો સ્ટોક પણ સ્ટોકિસ્ટોએ કાઢતા બજારમાં માલની પૂરતી પ્રાપ્યતા રહી હતી. સામે બજારમાં ડિમાન્ડ ઓછી હતી. શનિવારે સિંગતેલ લૂઝનો ભાવ રૂ. 25 વધ્યો હતો અને રૂ.1275 ના ભાવે સોદા પડ્યા હતા.

જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ જોવા મળ્યા હતા. જ્યારે કપાસિયા વોશમાં રૂ.1125-1130 ના ભાવે રૂ. 5-7 ટેન્કરના કામકાજ નોંધાયા હતા. આમ, સિઝનમાં સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં વધઘટ જોવા મળી રહી હતી. સામે ડિમાન્ડ ઓછી રહી હતી. કાલે નવા ખૂલતા સપ્તાહમાં ભાવમાં ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે.

યાર્ડમાં મગફળીનો ભાવ રૂ.1200 નજીક, આજે નવી આવક સ્વીકારવામાં આવશે
ડિસેમ્બર માસ પૂરો થવા આવ્યો છે. આમ છતાં યાર્ડમાં હજુ મગફળીની આવક રાબેતા મુજબ ચાલુ છે. ગત સપ્તાહે આવેલી અને પડતર મગફળીનો નિકાલ શનિવારે થઇ જતા આજથી એટલે કે રવિવારે નવી આવક સ્વીકારવામાં આવશે. શનિવારે યાર્ડમાં મગફળીનો ભાવ રૂ.1200 એ પહોંચવામાં માત્ર રૂ.50નું જ છેટું રહ્યું હતું. જ્યારે કપાસનો ભાવ ફરી રૂ.1800ની ઉપર ગયો હતો. શનિવારે કપાસનો ભાવ રૂ.1471 થી લઇને રૂ. 1824 સુધી બોલાયો હતો અને 3.30 લાખ કિલો કપાસની આવક થઇ હતી. શનિવારે યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતુ કે,

આજરોજ રવિવારે 26 ડિસેમ્બરના રોજ મગફળીની આવક બપોરના 2.00 થી 5.00 સુધી જ સ્વીકારવામાં આવશે. મગફળીની આવક ગુણીમાં હોય તે ગુણીમાં અને પાલમાં હોય તે પાલમાં ઉતારવાની રહેશે. ગુણીના કોઈએ પાલ કરવા નહીં અને મગફળીની હરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઇ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...