કૃત્રિમ તેજી અને સટ્ટાખોરીને કારણે તેલબજારમાં સતત ભાવવધારો જોવા મળે છે. જેને કારણે સામાન્ય લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. બુધવારે દિવેલમાં રૂ.20નો વધારો થયો હતો. આ સાથે જ કપાસિયા તેલ કરતા દિવેલ અને સરસવ મોંઘું બન્યું હતું. જ્યારે સિંગતેલે રૂ. 2300ની સપાટી કુદાવ્યા બાદ તેના ભાવ કાબૂમાં આવ્યા છે. અત્યારે તમામ તેલના ભાવ જોઈએ તો જેમાં પામોલીન, સનફ્લાવર અને કોર્ન ઓઈલ જ રૂ. 2100ની સપાટીની અંદર છે. જ્યારે બાકીના તેલમાં રૂ.2300 થી લઇને રૂ.2700 સુધીનો ભાવ છે.
જોકે ભાવવધારા માટે વેપારીઓ શોર્ટ સપ્લાયનું કારણ આગળ ધરી રહ્યા છે. જ્યારે સરસવ તેલમાં ગત સપ્તાહે રૂ. 40 થી 50 સુધીનો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ તેલના ભાવમાં સ્થિર વલણ રહેતા તેનો ભાવ રૂ.2630 નો થયો છે. ગત સપ્તાહે વેપારીઓ એવી ધારણા લઇને ચાલતા હતા કે, સરસવ તેલમાં નવી સિઝન શરૂ થવા જઈ રહી છે. જેને કારણે જૂના સ્ટોકની ડિમાન્ડ નહિ રહે અને પૂરતા ભાવ પણ નહિ મળે. આથી, સંગ્રહખોરોએ જૂનો માલ વેચવા કાઢ્યો હતો. સામે લેવાલી હતી નહીં. આથી, તેના ભાવ ઘટ્યા હતા. ત્યારબાદ કોઈ ઘટાડો આવ્યો નથી.
જોકે હાલમાં સાઈડ તેલમાં ભાવ વધી રહ્યા છે. જેને કારણે કપાસિયા તેલમાં ડિમાન્ડ નીકળી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અત્યારે કપાસિયા તેલમાં લગ્નની, સિઝન-હોટેલ અને ફરસાણના ધંધાર્થીની ડિમાન્ડ છે.તેમજ સાઈડ તેલમાં ભાવ વધતા જે લોકો સરસવ, પામોલીન તેલ ખરીદતા હતા તે હવે કપાસિયા તેલ ખરીદવા લાગતા તેમાં ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે. બુધવારે સિંગતેલ લૂઝમાં 1325, કપાસિયા વોશમાં રૂ.1275 અને 1280ના ભાવે સોદા પડ્યા હતા.જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.