શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓ છાશવારે કાયદો હાથમાં લઇને પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવે છે, છતાં પોલીસના પેટનું પાણીયે હલતું નથી, પોલીસની નિષ્ક્રિયતાનો શહેરીજનો ભોગ બની રહ્યા છે, આવો જ વધુ એક કિસ્સો ભગવતીપરામાં બન્યો છે, નામચીન શખ્સ સહિત બે શખ્સે પોપટપરાના બે યુવકને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા બંનેે યુવકને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા, પોલીસે બંને આરોપીને ઝડપી લઇ તપાસ શરૂ કરી હતી.
પોપટપરામાં રહેતો અસ્લમ હનિફભાઇ બેલીમ (ઉ.વ.28) અને તેનો મિત્ર હરપાલસિંહ બહાદુરસિંહ પરમાર (ઉ.વ.35) મંગળવારે રાત્રે 8.30 વાગ્યે ભગવતીપરામાં પુલ નીચે હતા ત્યારે ભગવતીપરાનો સાજન પરમાર અને રણજિત ઉર્ફે મહાદેવ ત્યાં ધસી ગયા હતા અને પોપટપરાના બંને યુવક પર છરીથી તૂટી પડ્યા હતા, ઝનૂની બનેલા બંને હુમલાખોરોએ અસ્લમ અને હરપાલસિંહને પડખું, બેઠક અને કપાળના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, હિચકારો હુમલો થતાં બંને યુવકે દેકારો કરતાં આસપાસના વિસ્તારના લોકો દોડી જતાં બંને હુમલાખોર નાસી ગયા હતા.
હુમલામાં ઘવાયેલા બંને યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટ સહિતની ટીમ હોસ્પિટલે દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અસ્લમ અને હરપાલસિંહ પોપટપરામાં રહે છે અને બંને સાડીના કારખાનામાં કામ કરે છે, કુખ્યાત ગુલિયાના સાગરીત સાજન પરમાર સાથે અગાઉ માથાકૂટ થઇ હતી જે બાબતનો ખાર રાખી આજે બંને યુવક ભગવતીપરામાં દેખાતા જ સાજન અને તેના સાગરીત તૂટી પડ્યા હતા, પોલીસે સાજન અને રણજિતને ગણતરીની મિનિટોમાં જ ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.