ભૂમાફિયાઓનો આતંક:ખંઢેરીની જમીન પચાવી પાડવા મામાના 3 પુત્ર સહિત 8નો ખેડૂત પર ખૂની હુમલો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાડીએથી નીકળી ખેડૂત પરાપીપળિયા પહોંચ્યા ત્યારે કાર સાથે જીપ અથડાવી
  • બાદમાં લાકડાંના ધોકા સહિતના હથિયાર વડે તૂટી પડ્યા

પારકી જમીન પચાવી પાડતા ભૂમાફિયાઓ એટલી હદે પહોંચ્યા છે કે પરિવારની જમીન પચાવવા સંબંધોને પણ નેવે મૂકી દીધા છે. આવા જ એક બનાવમાં મામાના ત્રણ દીકરાએ અન્ય સાગરીતો સાથે મળી ફઇના દીકરાની જમીન પચાવી પાડવા માટે હત્યાનો પ્રયાસ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

જામનગર રોડ, એસઆરપી ગેટ સામે આવેલા વર્ધમાનનગર સોસાયટીમાં રહેતા વિક્રમ કાનાભાઇ સોનારા નામના ખેડૂત યુવાને કોઠારિયા રોડ, આશાપુરા હોલ વાળી શેરી-17માં રહેતા મેરામ મેણાંદ જળુ, ઘનશ્યામ લાખા જળુ, પ્રકાશ લાખા જળુ અને તેની સાથે આવેલા પાંચ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે હત્યાની કોશિશ, રાયોટિંગ, મારામારી, તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ખેડૂત યુવાનની ફરિયાદ મુજબ, તેની ખંઢેરી ગામે ખેતીની જમીન આવેલી હોય રવિવારે બપોરે પોતાની કાર લઇ ખંઢેરી વાડીએથી ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન પરાપીપળિયા પાસે પહોંચતા એક બોલેરો કાર પૂરઝડપે ધસી આવી પોતાની સાઇડથી ટક્કર મારી હતી. જેને કારણે પોતે સ્ટિયરિંગ પર માંડ માંડ કાબૂ મેળવી કારને સાઇડમાં લીધી હતી.

પોતે હજુ કારમાંથી ઉતરવાની કોશિશ કરતા હતા. ત્યારે બોલેરો કારમાંથી મામાના દીકરા મેરામ, ઘનશ્યામ અને પ્રકાશ ધોકા સાથે નીચે ઉતર્યા હતા. આ સમયે અન્ય ત્રણ કાર પણ ધસી આવી હતી. જેમાંથી પાંચ શખ્સ પણ ધોકા, પાઇપ સાથે ધસી આવી કાર ઉપર હુમલો કર્યો હતો. અને પોતાને કારમાંથી નીચે ઉતરવા દીધો ન હતો.

ધોકા, પાઇપના ઘાને કારણે કારનો દરવાજો પણ ખુલ્યો ન હતો. ત્યારે મહામુસીબતે પોતે કારમાંથી બહાર આવતાની સાથે જ ત્રણેય મામાના દીકરાઓએ ઝઘડો કરી ધોકાના ઘા પગમાં તેમજ શરીરના અન્ય ભાગમાં ઝીંકી ઇજા પહોંચાડી હતી. પોતાના પર હુમલો થતા પોતે બૂમાબૂમ કરી મુકતા પરાપીપળિયા ગામના લોકો દોડી આવતા મામાના દીકરાઓ અને તેના સાગરીતો તેમના વાહનોમાં નાસી ગયા હતા.

બાદમાં ગામના લોકો પોતાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાંથી ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. પીઆઇ જી.એમ.હડિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ ઇજાગ્રસ્ત વિક્રમભાઇની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, તેની ખંઢેરી ગામે સરવે નં.110 વાળી જમીન પડાવવા માટે છેલ્લા પાંચ મહિનાથી મામાના ત્રણેય દીકરાઓ અવારનવાર ઝઘડા કરી રહ્યા છે. તે વાતની જ અદાવત રાખી પોતાને મારી નાંખવા પોતાની કાર સાથે અકસ્માત કરી ખૂની હુમલો કર્યો છે. પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...