કોહવાયેલી લાશ મળી:બોથડ પદાર્થના ઘા ઝીંકી પ્રૌઢાની હત્યા, પતિ શંકાના દાયરામાં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુવાડવાની સીમમાં રવિવારે પ્રૌઢાની કોહવાયેલી લાશ મળી
  • નિ:સંતાન દંપતી વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી

શહેરની ભાગોળે કુવાડવા ગામ નજીકથી રવિવારે સવારે કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. કુવાડવા ગામથી ગુંદા તરફ જવાના રસ્તે અતિ કોહવાયેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની કુવાડવાના સરપંચ સંજયભાઇ પીપળિયાને જાણ થઇ હતી. જેથી તેઓ તુરંત ત્યાં દોડી જઇ ખરાઇ કર્યા બાદ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એન.એન.ચુડાસમા, પીએસઆઇ બી.પી.મેઘલાતર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બનાવ સ્થળેથી કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગામની સીમમાંથી લાશ મળ્યાની ખબર મળતા લોકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. દરમિયાન પોલીસે મહિલાની ઓળખ મેળવવા તપાસ કરતા મૃતક મહિલા મંજુ ભરતભાઇ વસાવા હોવાની માહિતી મળી હતી. અને તે નજીકમાં જ તેના પતિ સાથે ભાગે ખેતી વાવવાનું કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પતિ ભરતને સ્થળ પર બોલાવી ઓળખ મેળવી હતી.

ભરતની પ્રાથમિક પૂછપરછમાં પત્ની મંજુ ચાર દિવસથી ગુમ હતી. શોધખોળ કરવા છતાં તેની ભાળ મળી ન હતી. ત્યારે આજે સવારે તેની લાશ મળી આવ્યાનું મૃતકના પતિ ભરતે પોલીસને જણાવ્યું હતું. મૂળ રાજપીપળાની મંજુ નિ:સંતાન હતી. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી અપાયો હતો. રિપોર્ટમાં મૃતકને કોઇ બોથડ પદાર્થના ઘા ઝીંકાયા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ રોડ પાસેથી મળ્યો હોય પોલીસે શરૂઆતમાં મંજુબેનનું અકસ્માતમાં મોત થયું હોવાનું અનુમાન લગાવ્યું હતું.

બીજી તરફ નિ:સંતાન દંપતી વચ્ચે અવારનવાર ગૃહકલેશ થતો હોવાની પણ પોલીસને માહિતી મળી હતી. ત્યારે પત્ની ચાર દિવસથી લાપતા હોવા છતાં પતિ ભરત વસાવાએ ગુમ થયા અંગેની પોલીસમાં જાણ કરી ન હોય બનાવ હત્યાનો હોવાની દૃઢ શંકા ઉપજી હતી. જેથી શંકાના દાયરામાં રહેલા મૃતકના પતિ ભરત વસાવાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...