ક્રાઇમ:બે વર્ષથી ગુમ થયેલી મહિલાની હત્યા, બિલ્ડર પતિ સામે ફરિયાદ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા બનતા મકાને બોલાવ્યા બાદ મહિલા લાપતા થઇ’તી
  • ઊનાની ઘટનામાં રાજકોટ સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યો

ઊનામાં રહેતી મહિલા બે વર્ષ પૂર્વે લાપતા થયા બાદ તેનો પત્તો લાગ્યો નહોતો, મહિલાની હત્યા તેના જ પતિએ કર્યાની મહિલાની માતાએ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની લાશ મેળવવા તેમજ આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ઊનામાં ભીમપરા ગરબી ચોકમાં રહેતા લીલાબેન મનસુખભાઇ સોલંકી (ઉ.વ.56)એ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ જમાઇ મહેશ ભગવાન બાંભણિયાનું નામ આપ્યું હતું.

લીલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ચાર સંતાન છે જે પૈકી મોટી દીકરી ગીતાના લગ્ન આઠ વર્ષ પહેલા મહેશ બાંભણિયા સાથે કોર્ટ મેરેજ થયા હતા, મહેશના પ્રથમ લગ્ન અસ્મિતા સાથે થયા હોય ગીતાબેન ભીમપરામાં અલગ મકાન રાખીને રહેતા હતા. ગીતાબેનને સંતાનમાં ચાર વર્ષની પુત્રી આરાધ્યા છે. જમાઇ મહેશ બાંભણિયાએ ઊનામાં ગીરગઢડા રોડ પર ગોલ્ડન સિટીમાં પ્લોટ લીધો હતો અને વર્ષ 2019માં ત્યાં મકાન બનાવવાનું ચાલુ કર્યું હતું. નવા બનતા મકાને ગીતાબેન અવારનવાર સ્કૂટર લઇને જોવા જતા હતા.

ગત તા. 9 ઓક્ટોબર 2019ના મહેશે પત્ની ગીતાબેનને ગોલ્ડન સિટી ખાતેના નવા બનતા મકાને બોલાવ્યા હતા ત્યારબાદ તે લાપતા થઇ ગયા હતા. લાંબો સમય વિતવા છતાં ગીતાબેન પરત નહીં આવતા પિયરિયાઓએ તેમની શોધખોળ કરી હતી, પરંતુ તેનો પત્તો લાગ્યો નહોતો. આ અંગે તેના પતિ મહેશને પૂછતાં તેણે ગીતાબેન નવા બનતા મકાને આવ્યાની વાત કરી હતી પરંતુ તે ત્યાંથી રવાના થઇ ગયા બાદ ક્યા ગયા તે અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

સોલંકી પરિવારે આ અંગે મહેશ બાંભણિયાને અનેક વખત પૃચ્છા કરી હતી પરંતુ તે દર વખતે અલગ અલગ વાતો કરતો હતો. મહેશે જ તેની પત્ની ગીતાબેનની હત્યા કરી લાશને સગેવગે કરી દીધાની શંકા ઉઠતાં સોલંકી પરિવાર ઊના પોલીસ સ્ટેશને દોડા કરતો હતો પરંતુ પોલીસ તેને જવાબ આપતી નહોતી, અંતે આ અંગે રાજ્યના પોલીસવડા સુધી રજૂઆત થતાં અંતે સીઆઇડી ક્રાઇમે આ અંગે મહેશ બાંભણિયા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

સીઆઇડી ક્રાઇમના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેશ બાંભણિયા હાથ આવ્યા બાદ ગીતાબેનની લાશ અંગેનો ભેદ ઉકેલાશે. બાંભણિયા પૂર્વ ધારાસભ્ય રાઠોડ પર ફાયરિંગ કરવાનો ગુનો નોંધાયો છે. મૃતકની બહેને એવો આક્ષેપ કર્યો છે કે, મકાનના વાસ્તામાં બેસવા મુદ્દે માથાકૂટ થયા બાદ હત્યા કરી છે.

અન્ય સમાચારો પણ છે...