રાજકોટમાં વધુ એક હત્યા:નરેશ પટેલના વેવાઇના બંગલે સિક્યોરિટી ગાર્ડની ફરજ બજાવતા વ્યક્તિની હત્યા, પોલીસે CCTVને આધારે તપાસ શરૂ કરી

રાજકોટ3 મહિનો પહેલા
પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાલ તપાસ હાથ ધરી છે - Divya Bhaskar
પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાલ તપાસ હાથ ધરી છે
  • આરોપીએ ડિસમિસ વડે આરોપીને બે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો
  • મૃતક નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઈના બંગલાની દેખરેખ રાખતો હતો

આજે રાજકોટમાં એક તરફ ગૃહમંત્રીની હાજરી છે, ત્યારે બીજી તરફ હત્યાની ઘટના બનતા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટ શહેરના પોશ વિસ્તાર સમા અમીન માર્ગ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. અમીન માર્ગ પર આવેલા વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઇ પટેલના બંગલામાં ચોરીના ઇરાદે ઘૂસી કેટલાક શખ્સોએ પ્રવીણભાઇ પટેલના માણસ વિષ્ણુભાઇ ઘુચરા (ઉ.વ.60)ની હત્યા નિપજાવી છે. હાલ સમગ્ર મામલે રાજકોટ માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે.

નરેશ પટેલના વેવાઇ પ્રવીણ પટેલના ઘરે પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા
નરેશ પટેલના વેવાઇ પ્રવીણ પટેલના ઘરે પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા
આજે રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી નાંખી છે. આરોપીએ મૃતકને તીક્ષ્ણ હથિયારના બે ઘા મારી હત્યા કરી છે. આરોપીએ ડિસમિસ વડે માથાના ભાગે અને ગળાથી નીચેના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. હાલ કોઈ નેપાળી શખસોએ આ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

હાલ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે
હાલ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે

વિષ્ણુ કુચરા બંગલાની દેખરેખ કરતો હતો
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના અમીનમાર્ગ પર વિદ્યાકુંજ સોસાયટી આવેલી છે. જેમાં ઇશાવાસ્યમ નામનો બંગલો આવેલો છે. આ બંગલો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઈ પટેલનો છે. હાલ પ્રવીણભાઇ પટેલ વડોદરા રહે છે અને અહીંયા તેમના બંગલામાં વિષ્ણુ કુચરા નામનો શખ્સ રહે છે, જે બંગલાની દેખરેખ પણ કરે છે. છેલ્લા ચાર વર્ષથી વિષ્ણુભાઈ બંગલાની રખેવાળી કરતા હતા. રાતના 9 વાગ્યાની આસપાસ આવેલા અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. હત્યા બાદ આરોપી બંગલાના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો. હત્યા કરનારો શખસ મૃતકના પરિચયમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટના અમીનમાર્ગ પરના બંગલામાં વિષ્ણુ કૂચરા નામના શખ્સની હત્યા થતા માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી ઝોન 2 તેમજ ડીસીપી ક્રાઇમ અને એસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ પોલીસે બંગલાની આસપાસ તેમજ આસપાસની સોસાયટી અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી હત્યારા કોણ હતા અને શા માટે નિપજાવી સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

ગૃહમંત્રીએ રાજકોટવાસીઓની સલામતીની ખાતરી આપ્યાની આઠમી કલાકમાં જ ઘાતકી હત્યા થઇ
રાજકોટની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બપોરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ગૃહવિભાગ લોકોની સુરક્ષા માટે સજ્જ છે, રાજકોટવાસીઓને સલામતી આપવાની તેમણે ખાતરી આપી હતી. ગૃહમંત્રી રાજકોટમાં નાટક માણી રહ્યા હતા તે વખતે જ બંગલામાં ઘૂસી પ્રૌઢની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં ફૌજીએ જામનગર રોડ પર છ દિવસ પૂર્વે ફૌજીએ અંધાધૂંધ ફાયરિંગ કરી જીએસટીના નિર્દોષ એએસઆઇની હત્યા કરી હતી, આ ઘટના હજુ તાજી જ છે ત્યાં વધુ એક હત્યાનો બનાવ બનતા શહેરીજનોમાં સલામતી અંગે અનેક સવાલો ચર્ચાવા લાગ્યા હતા.

પુત્ર બંગલે પહોંચ્યો તો લોહીથી લથબથ લાશ જોવા મળી
વિષ્ણુભાઇ ચારેક વર્ષથી ઉપરોક્ત બંગલાની દેખરેખ રાખતા હતા, તેમનો પરિવાર યોગીનગરમાં રહે છે. ઘટનાસ્થળે પહોંચેલા રૂપેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યે તેમના પર ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, તેમના પિતા વિષ્ણુભાઇ બીમાર પડ્યા છે, તાકીદે આવો, રૂપેશભાઇ બંગલે પહોંચતા જ તેમના પિતાનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...