રાજકોટ મહાનગરપાલિકાએ આવક મેળવવા માટે આવાસ યોજનાઓમાં બનાવેલી દુકાનોની મોટાપાયે હરાજી શરૂ કરી છે અને માત્ર 20 જ દિવસની અંદર જ 53 દુકાનોની હરાજી કરશે. આ ઉપરાંત રામનાથપરા સ્મશાન પાસે આવેલી ફ્લાવર માર્કેટમાં અગાઉની હરાજી બાદ જે થડાઓ હજુ પણ બાકી રહ્યા છે તેની પણ હરાજી કરાશે.
નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે 3 જ મહિના બાકી રહ્યા છે તેથી આવકનો ખાડો બૂરવા માટે વેરા વસૂલાતની કાર્યવાહી ઝડપી બનાવી છે. આ ઉપરાંત પણ આવક વધે તે માટે હવે દુકાનોની હરાજી કરવા નિર્ણય લેવાયો છે. સૌથી પહેલા થડાની હરાજી થશે જેમાં બાકી રહેલા 47 થડા માટે તા. 16 સવારે 9 વાગ્યે સેન્ટ્રલ ઝોન ઓફિસે રખાઈ છે.
ત્યારબાદ તા.18મીએ મવડી પાળ રોડ પર આવેલી શિવ ટાઉનશિપની 22 દુકાનોની હરાજી સવારે 9 વાગ્યે સ્થળ પર થશે. જ્યારે સીતા ટાઉનશિપની 19 દુકાનો, કવિ કલાપી ટાઉનશિપની 9 દુકાનો, વીર નર્મદ ટાઉનશિપ 2 દુકાનો અને ભક્ત કવિ નરસિંહ મહેતા ટાઉનશિપની એક સહિતની આ તમામ દુકાનોની હરાજી એકસાથે તા. 25મીએ સવારે 9 કલાકે મનપાની સેન્ટ્રલ ઝોન ઓફિસે સવારે 9 વાગ્યે રાખવામાં આવી છે.
ફ્લાવર માર્કેટના થડાની હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિએ સ્થળ ડિપોઝિટની રકમ રૂ.10,000 સ્થળ પર જમા કરાવવાના રહેશે. દુકાનોની હરાજીમાં ભાગ લેવા માગતા લોકોએ હરાજી પહેલા રૂ.2 લાખની ડિપોઝિટ ભરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.