વેક્સિનેશનને વેગ આપવા પ્રયાસ:રાજકોટની મ્યુનિ. કચેરીમાં વેક્સિન ન લેનારને નો એન્ટ્રી, પોલીસે ચેકિંગ હાથ ધરતા હોબાળો થયો, રસ્તા પર ટ્રાફિકજામ

રાજકોટ18 દિવસ પહેલા
મનપા કચેરીમાં વેક્સિન ન લેનારને પ્રવેશ પર બંધ કરાતા હોબાળો થયો અને રસ્તા પર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા.
  • પોલીસે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર પદાધિકારીના વાહનો પણ રોક્યા હતા

ત્રીજી લહેર વચ્ચે દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા રાજ્યમાં એક પણ વ્યક્તિ વેક્સિન વગર ન રહે અને કોરોનાની લડાઈ સામે સુરક્ષિત બને તે માટે સરકારી કચેરીઓમાં વેક્સિન નહીં લેનાર માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આજે રાજકોટ મનપા કચેરી ખાતે આજે સવારથી જ વેક્સિન ન લેનાર લોકોને એન્ટ્રી આપવાનું બંધ કરાયું છે. બીજી તરફ વેક્સિન ન લેનાર લોકોને એન્ટ્રી ન મળતા હોબાળો મચાવ્યો હતો અને કચેરી બહાર રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો.

પોલીસે પદાધિકારીના વાહનો પણ રોક્યા હતા
આજે વહેલી સવારથી જ કોર્પોરેશન કચેરી ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં માત્ર કોરોના રસીના બંને ડોઝ લેનારને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન કોઈ પણ શરમ રાખ્યા વિના પદાધિકારીઓનાં સત્તાવાર વાહનો પણ રોકવામાં આવ્યા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો અને મનપા કચેરી બહાર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસે પદાધિકારીઓના વાહનો રોકી ચેકિંગ કર્યું.
પોલીસે પદાધિકારીઓના વાહનો રોકી ચેકિંગ કર્યું.

વિજિલન્સ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારના આદેશ અનુસાર કચેરીમાં બહારથી આવતા મુસાફરોનું ચેકિંગ કરવાનો પ્રારંભ કરાયો છે. જેમાં કોરોના વેક્સિનનાં બે ડોઝ લઈ લીધા હોય તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન RMC કચેરી બહાર લોકો તેમજ વાહનોની લાંબી લાઇનો લાગી હતી. કોઈ પણ અઇચ્છનીય ઘટના ન બને તે માટે વિજિલન્સ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

સવારથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.
સવારથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

બંને ડોઝ લીધા હોવાથી મને પ્રવેશ મળ્યોઃ યુવાન
એક યુવાને જણાવ્યું હતું કે, મેં વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી મને પ્રવેશ મળ્યો હતો. વેક્સિન કોરોના સામેની લડાઈમાં સુરક્ષિત બનાવે છે. મારી સૌને વિનંતી છે કે, વેક્સિન લેવી આવશ્યક છે. હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વેક્સિન જ આપણી પાસે રામબાણ ઇલાજ છે.

અન્ય સમાચારો પણ છે...