રાજકોટના સમાચાર:મ્યુનિ.એ આઝાદીની થીમ પર પતંગોત્સવ યોજ્યો, 13,274 પશુને લમ્પી વાયરસની વેક્સિન અપાઇ

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
આવાસ યોજનાના લાભાર્થીઓને પતંગ અને ફીરકી આપવામાં આવી. - Divya Bhaskar
આવાસ યોજનાના લાભાર્થીઓને પતંગ અને ફીરકી આપવામાં આવી.

વર્ષ 2021માં ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા, જે દરેક માટે ગર્વની વાત છે. આઝાદીની ચળવળ, ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિશે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય થાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષે એટલે કે 2021થી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ મ્યુનિ. દ્વારા 1 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ શ્રી લક્ષ્મણ ટાઉનશીપમાં આઝાદીની થીમ આધારિત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને પતંગ અને ફીરકીઓ આપવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં અત્યારસુધીમાં 13274 પશુમાં વેક્સિનેશન
લમ્પી સ્કિન ડિસીઝ ફેલાતો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા પશુઓ માટે વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેમાં અત્યારસુધીમાં 13274 પશુને વેક્સિન આપવામાં આવી છે. પશુઓ માટે વેક્સિનેશન ડ્રાઈવ 26 જુલાઈથી શરૂ કરાઇ છે. જેમાં રાજકોટ શહેરમાં પશુપાલકોનાં પશુઓને તથા ગૌશાળા-પાંજરાપોળ સંસ્થાનાં પશુઓને વિનામૂલ્યે લમ્પી સ્કિન ડિઝિસ થતો અટકાવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે. જે અંતર્ગત 26 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીમાં રાજકોટમાં 3986 પશુને વેક્સિન આપવામાં આવી છે

ઝડપથી પશુઓમાં વેક્સિન અપાવવા મ્યુનિ.ની પશુપાલકોને અપીલ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યારસુધીમાં પશુપાલન વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા, સ્વૈચ્છિક રીતે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ રસીકરણની સંખ્યા13274 છે.રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં વેક્શિનેશન ઝડપથી કરવાથી પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ ફેલાતો અટકશે. રસીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ગત રવિવારનાં રોજ પણ લમ્પી સ્કિન ડિસીઝની રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. પશુઓને રસીકરણ કરવાનું બાકી હોય તો પશુ દવાખાના-સદર, એ.એન.સી.ડી, રાજકોટ મહાનગરપાલિકા કે મોબાઈલ નં. 9925423975 પર સંપર્ક કરી વહેલી તકે રસીકરણ કરાવી લેવા જણાવવામાં આવ્યું છે.

લમ્પી સ્કિન ડિસીઝના કારણે મોબાઈલ પશુ દવાખાના 1962 કોલમાં 3 ગણો વધારો
હાલ પશુઓમાં લમ્પી સ્કિન રોગના ફેલાવાના કારણે સમગ્ર જિલ્લામાં પશુ સારવાર માટે કાર્યરત મોબાઈલ પશુ દવાખાના 1962 કોલમાં ત્રણ ગણા વધારા સાથે રોજના 400 જેટલા કોલ આવતા હોવાનું કો-ઓર્ડિનેટર રમેશ સોયાએ જણાવ્યું છે. તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે, છેલ્લા પંદર દિવસથી 1962ના કમર્ચારીઓએ રવિવાર સહિત એક પણ દિવસની રજા લીધા વગર સતત 12 કલાકથી વધુ કામગીરી કરી રહ્યા છે.

રાજકોટ, જસદણ, વીંછિયામાં કેસ સૌથી વધુ
રાજકોટ, જસદણ, વીંછિયા સહિતના તાલુકાઓમાં હાલ કેસ વધુ જોવા મળતા હોય તે તરફ સારવાર માટે વધારે એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી રહી છે. જ્યારે ઓછા કેસ ધરાવતાં જેતપુર, ધોરાજી વિસ્તારમાં અમે વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છીએ. જ્યારે સિટી વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળની એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ટીમ દ્વારા એક હજારથી વધુ પશુઓને વેક્સિન આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં જન જાગૃતિ માટે દરેક મોબાઈલ પશુ દવાખાનામાં ઓડિયો સિસ્ટમથી લમ્પી વાયરસ સામે પશુઓને સુરક્ષિત રાખવા અંગે માર્ગદર્શન આપતી ક્લીપ સતત વગાડીએ છીએ. ગૌશાળા પાસે પશુઓને બહાર નહીં કાઢવા તેમજ માખી મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા સૂચના આપીએ છીએ. જરૂર પડ્યે ફોન કોલ પર પણ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું શ્રી રમેશ સોયાએ જણાવ્યું છે.

સરધારમાં પતિએ બે વર્ષનું બાળક છીનવી પત્નીને કાઢી મૂકી
રાજકોટ તાલુકાના સરધાર ગામની પરિણીતા પરિવારના માળાને વિખેરાતાં રાજકોટની 181 અભયમ ટીમે બચાવ્‍યો છે. સાથે પીડિતાનું તેના બે વર્ષના સંતાન સાથે પુનઃમિલન અને સાસરિયાં પક્ષ સાથે સુલેહ કરાવીને ગૃહસ્‍થ જીવનને નવજીવન આપ્‍યું છે. આ અંગે અભયમના કાઉન્‍સેલર સુમિતાબેન પરમારે વિગતો આપતા જણાવ્‍યું હતું કે, પીડિતાનો પતિ સાથે નાની બાબતમાં ઝઘડો થતાં પીડિતા પાસેથી બે વર્ષનું બાળક છીનવી લેવામાં આવ્‍યું અને મહિલાને અડધી રાત્રે ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. પિયર પહોંચી છેલ્લા ચાર માસથી પીડિતા દ્વારા પતિ સાથે તેમના બાળક અંગે વાતચીત કરવાનો પ્રયત્‍ન કરવામાં આવી રહયો હતો. પરંતુ પીડિતાને ફરી ઘરે લઈ જવા કે બાળકને આપવા અંગે કોઈ જવાબ ન મળતા પીડિતા દ્વારા મહિલા અભયમ ટીમને જાણ કરવામાં આવી હતી.

અભયમે પરિવાર વિખેરતા અટકાવ્યો
મહિલા અભયમને જાણ કરવામાં આવતા રાજકોટની અભયમ ટીમે પીડિતાના સાસુ અને પતિ સાથે ઘટનાના સંદર્ભમાં પરામર્શ કરવામાં આવ્યો હતો અને કાયદા અંગે માર્ગદર્શન આપ્‍યું તથા નૈતિક બાબતોનું ભાન પણ કરાવ્‍યું હતું. જેથી અભયમ ટીમના સફળ કાઉન્‍સેલીંગને પરિણામે હાલ પીડિતા તેના બે વર્ષના બાળક, પતિ અને સાસુ સાથે સન્‍માન સાથે સાસરે પરત ફરી છે. આમ કાઉન્‍સેલર સુમિતાબેન પરમાર, કોન્‍સટેબલ વંદનાબેન ચુડાસમા અને પાયલોટ કૌશિકભાઈ ચાંચિયાની ટીમે એક મહિલા પાસેથી તેના બાળકને દૂર જતા રોકયો અને સાસરિયામાં માન-સન્‍માન સાથે ફરી વસવાટ કરવાનો હક અપાવ્‍યો છે

અન્ય સમાચારો પણ છે...