તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રાજકોટમાં વેપારી સાથે મુંબઇના દંપતીએ 56 લાખથી વધુની છેતરપિંડી કરી, દંપતી સામે DCB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

3 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • પ્રારંભે માલનું પેમેન્ટ સમયસર આપી દેતાં હતાં
  • DCB પોલીસે દંપતીની શોધખોળ શરૂ કરી છે

રાજકોટમાં છેતરપિંડી અને લૂંટના બનાવો આવર નવાર બનતા રહે છે. ત્યારે રાજકોટના વેપારી સાથે મુંબઇના દંપતીએ કેબલ્સ-વાયર્સનો માલ મંગાવી રૂપિયા 56 લાખથી વધુની છેતરપિંડી કરી નાસી ગયા છે. આ અન્વએ વેપારીએ રાજકોટના DCB પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દંપતીએ વાતચીત કરતાં વેપારી મુંબઇ ગયા હતા
ભાવનગર રોડ પર ઇન્ડિયા ગ્લાસ સ્ક્રેપ ટ્રેડર્સના નામે કેબલ્સ અને વાયર્સનો વ્યવસાય કરતાં યાસીનભાઇ મહમદભાઇ ગાંજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું કેબલ્સ અને વાયર્સનો ધંધો કરતો હોવાથી ગુજરાત બહારના રાજ્યોમાં મારો માલ સપ્લાય કરુ છું. વર્ષ 2019માં અમારા ગોડાઉન ખાતે વેપારી આવેલા અને મુંબઇમાં પોલારીસ કેબલ્સ એન્ડ વાયર્સ પ્રા.લિ.ના માલિક અશોકભાઇ આત્મારામભાઇ ભનશાણી અને તેના પત્નિ શિતલબેનનો સંપર્ક કરાવી અશોકભાઇના મોબાઇલ ઉપર ફોન કરવાનું કહેતાં મેં વાતચીત કરતાં તેણે મને મુંબઇ આવવાનું કહ્યું હતું.

એકબીજાની સહમતિથી ધંધો કરવાનું નક્કી થયું
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, એ પછી હું 2019 ઓગષ્ટમાં મારા એકાઉન્ટન્ટ હમીદભાઇ ભટ્ટીને લઇ મુંબઇ ધંધાની વાત કરવા ગયો હતો અને અશોકભાઇની ગોરેગાંવ સ્થિત ઓફિસે તેને મળ્યો હતો. જ્યાં તેના પત્ની શીતલબેન પણ હતાં. મિટિંગ થયા બાદ ધંધાકીય વાતચીત થઇ હતી અને ધંધાની શરતો નક્કી કરી હતી. એકબીજાની સહમતિથી ધંધો કરવાનું નક્કી થયા બાદ કોન્ટ્રાક્ટ તૈયાર કરવાનું કહ્યું હતું.

પ્રારંભે માલનું પેમેન્ટ સમયસર આપી દેતાં હતાં
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ અમે પરત રાજકોટ આવી ગયા હતાં. કોન્ટ્રાક્ટ તૈયાર કરી અમારા મેઇલ આઇડીથી તેના મેઇલ આઇડી પર કોન્ટ્રાકટની વિગતો મોકલી હતી. તેણે સાઇન કરીને અમને ફરીથી ઇ-મેઇલથી મોકલી આપી હતી 17/10/2019ના રોજ અમલવારી શરૂ થઇ હતી. ત્યારબાદ અમે તેને માલની સપ્લાય ચાલુ કરી હતી. તેઓ પ્રારંભે માલનું પેમેન્ટ સમયસર આપી દેતાં હતાં. આ રીતે તેણે વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ સમય પસાર થતો ગયો તેમ તેણે પેમેન્ટમાં મોડુ કરવાનું શરૂ કર્યુ હતું.

56 લાખથી વધુની રકમનું પેમેન્ટ બાકી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ક્યારેક પંદર દિવસ, ક્યારેક વીસ દિવસ મોડુ થઇ જતું હતું. પેમેન્ટ મોકલી દેશે તેવો વિશ્વાસ આપતા હતાં. જેથી અમે માલની સપ્લાય બંધ કરી નહોતી. અમે તેઓને અનુક્રમે રૂ. 32,59,459, રૂ.21,75,141, રૂ. 1,41,944.97, રૂ. 9792.79, તથા રૂ. 84,748.23 મળી કુલ રૂ. 56,71,119નો માલ તા. 7//1/2020 થી 25/1/2020 સુધીમાં મોકલ્યો હતો. જેનું પેમેન્ટ તેણે આજ સુધી આપ્યું નથી. આ ફરિયાદને આધારે DCB પોલીસે મુંબઇમાં પોલારીસ કેબલ્સ એન્ડ વાયર્સ પ્રા.લિ.ના માલિક અશોકભાઇ આત્મારામભાઇ ભનશાણી અને તેના પત્ની શિતલબેનની શોધખોળ શરૂ કરી છે.