ડ્રગ્સ નેટવર્ક:મુંબઇ રહેતી વેબ સિરીઝની હીરોઇનના ભાઇનું ડ્રગ્સ નેટવર્ક, વિદ્યાર્થીઓ ટાર્ગેટ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષમાં 6800 કરોડના ડ્રગ્સ, 56 વિદેશી પકડાયા પણ શહેરોમાં પેડલરો સલામત
  • અગાઉ રાજકોટની પેડલર યુવતી ઝડપાઈ હોવા છતાં ડ્રગ્સ પહોંચાડે છે

હિરેન ભટ્ટ - પ્રકાશ રાવરાણી
ગુજરાત પોલીસે બે વર્ષમાં મેગા ઓપરેશનો કરી 6800 કરોડના ડ્રગ્સ સાથે 44 પાકિસ્તાની, 7 ઇરાની, 4 અફઘાની અને 1 નાઇજિરિયન ડ્રગ્સ માફિયાને ઝડપી લીધા છે. જેમાં ચાર દિવસ પૂર્વે પ્રથમવાર ઓખાના દરિયા કિનારેથી 10 પાકિસ્તાની સાથે ઝડપાયેલી બોટમાંથી 280 કરોડના 40 કિલો હેરોઇન સાથે હથિયારો પણ પકડાતાં ડ્રગ્સ માફિયાના ઇરાદા ખૌફનાક હોવાનું જણાય છે. પરંતુ ડ્રગ્સની ઘુસણખોરી અટકાવવા જે આક્રમકતા દર્શાવાઇ છે તેવી રાજકોટ સહિતના મહાનગરોમાં યુવાધનને બરબાદ કરવા ફેલાયેલા ડ્રગ્સના કારોબાર સામે દર્શાવાતી નથી. ભાસ્કરની તપાસમાં બહાર આવેલો ઘટનાક્રમ અને સુનિયોજિત ચાલતો રાજ્યવ્યાપી કાળો કારોબાર ચોંકાવનારો છે.

રાજકોટમાં કેવી રીતે ડ્રગ્સના દુષણથી વિદ્યાર્થીઓને બરબાદ કરાઇ રહ્યાં છે તેની વિગતો પરથી પડદો ઊંચકીએ તો મુંબઇ રહેતી હિન્દી વેબ સિરીઝની એક હીરોઇનનો ભાઇ પેડલરોની ચેઇન થકી રાજકોટ સહિત રાજ્યભરની નામાંકિત કોલેજોમાં અભ્યાસ કરતાં છાત્રોને નિશાન બનાવી રહ્યો છે. જેમાં ડ્રગ્સ ખરીદી શકે તેવા આર્થિક રીતે સદ્ધર છાત્રોને એક એક કરી ટાર્ગેટ કરાઇ રહ્યાં છે. ડ્રગ્સના વ્યસની થઇ ગયેલા યુવક-યુવતીઓને રોજની બે-ત્રણ પડીકીનો નશો કરવો પડે છે. એક પડીકી રૂ. 2500ની આવે છે. રોજની બે કે ત્રણ પડીકી ખરીદવા રૂ. 5000થી 7500 દરરોજ આપવા પડે! જેથી રૂપિયા લાવી શકે તેમ ના હોય તેવા કોલેજિયન યુવક-યુવતીને મફતમાં નશાની લાલચ આપી પેડલર બનવા મજબૂર કરી દેવાઇ છે. આ દુષણની દલદલમાં ફસાયેલા શ્રીમંત પરિવારના યુવાનો નશાખોર બની પેડલરો મારફતે ડ્રગ્સ માફિયાને કરોડો રૂપિયા રળાવે છે અને મધ્યમવર્ગના યુવક-યુવતી કે જેમને નશાની આદત થયા બાદ ડ્રગ્સ ખરીદી શકતાં નથી તેમને પેડલરોની ચેઇનનો હિસ્સો બનાવી દેવાય છે.

એક પેડલર 10થી 15 યુવક-યુવતીને જ ડ્રગ્સ આપે છે. જે દરેકને ચૌક્કસ કોડવર્ડ અપાયેલા છે અને દર સપ્તાહે કોડવર્ડ બદલી નંખાય છે, જેથી પેડલર પોલીસ કે મીડિયાની જાળમાં ફસાય નહીં! મુંબઇ રહેતી વેબ સિરિઝની હિરોઇનનો ભાઇ રાજકોટ સહિત રાજ્યભરમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવે છે. આ યુવાન રાજકોટની કોલેજો અને હોસ્ટેલ બહાર હથિયાર સાથે ફરી કોલેજોમાં ભણતાં યુવક-યુવતી પર પોતાનો પ્રભાવ ઉભો કરે છે, મિત્રતા કેળવે છે અને પછી ઘરેથી કોલેજ ટૂરના બહાને મંજૂરી લેવડાવી છાત્રોને મુંબઇ કે ગોવા ફરવા લઇ જાય છે. જ્યાં ટાર્ગેટ બનાવેલા યુવક-યુવતીઓને ક્લબમાં નાચગાન કરાવવા સાથે ચાર-પાંચ દિવસ સુધી ડ્રગ્સનું સેવન કરાવી લત લગાવાઇ છે.

ત્યારબાદ રાજકોટ પરત આવી ગયા પછી છાત્રોને ડ્રગ્સની લત લાગતાં મુંબઇ કે ગોવાની ટૂર પર લઇ ગયેલો યુવાન જે તે યુવક-યુવતીને સ્થાનિક ડ્રગ્સ પેડલરનો નંબર આપી જરૂર પડે ત્યારે તેની પાસેથી મંગાવી લેજે તેમ કહીં છાત્રોના જીવનમાં કાયમી અંધકાર ભરી પોતાના કાયમી ગ્રાહક ઉભા કરે છે. મોટા ભાગના વાલીઓને પોતાના સંતાન ડ્રગ્સના પાક્કા બંધાણી થઇ જાય પછી હકિકત ખબર પડે છે. મુંબઇની વેબ સિરિઝની હિરોઇનના ભાઇની ઓથ નીચે કામ કરતી રાજકોટની એક પેડલર યુવતી અગાઉ એકવાર ડ્રગ્સ કેસમાં પકડાઇ ગયાં છતાં હજું બેખૌફ બની છાત્રોને ડ્રગ્સ પહોંચાડી રહીં છે. ત્યારે યુવાધનનું કાયમી ચેન છીનવી લેતી પેડલરોની ચેઇન તોડી પોલીસ આક્રમક બનશે તો જ શહેરને ડ્રગ્સના દુષણથી બચાવી શકાશે.

પહેલાં વ્યસની બનાવી દઈ પછી મજબૂર કરી પેડલર બનાવે
​​​​​​​ડ્રગ્સની માયાજાળમાં ફસાયેલા અનેક વિદ્યાર્થી આ દલદલમાંથી બહાર આવી શકતાં નથી. રાજકોટમાં ડ્રગ્સ ખરીદનાર કોલેજના વિદ્યાર્થી વ્યસની છે અને ડ્રગ્સ વહેંચનાર એજ કોલેજની પૂર્વ વિદ્યાર્થિની સહિતના પેડલર છે. એટલે કે પ્રથમ સ્ટેજમાં વ્યસની બનનાર છાત્રોને ઘરેથી ડ્રગ્સ માટે રૂપિયા મળવાનું બંધ થાય પછી નાછૂટકે વ્યસન માટે અંતિમ સ્ટેજમાં પેડલર બનવા મજબૂર થઇ જાય છે.

માત્ર અરજીના આધારે પોલીસ પેડલર સામે ઠોસ પગલાં ભરતી નથી
ડ્રગ્સના અંધકારમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા દરેક માતા-પિતા પાસે પોલીસની મદદ સિવાય કોઇ વિકલ્પ હોતો નથી. પરંતુ રાજકોટમાં પોલીસ માત્ર અરજીના આધારે પેડલર સામે ઠોસ કાર્યવાહી કરી શકતી નથી. બીજી તરફ આબરૂ જવાના ડર અને પેડલરોના ખૌફથી લાચાર માતા-પિતા પોલીસ ફરિયાદ નોંધાવતાં ડરે છે.

જો ડ્રગ્સના નેટવર્કને નાથવામાં નહીં આવે તો અનેક વિદ્યાર્થીઓ પેડલર બની જશે
યુવાધનને ખરેખર ડ્રગ્સના દુષણથી બચાવવું હોય તો ડ્રગ્સની ઘુસણખોરી અટકાવવા જે આક્રમકતા દર્શાવાઇ છે તેવી જ લડાયકતા સાથે પોલીસે પોલીસ ફરિયાદની રાહ જોયા વગર પેડલરોને ભોં ભીતર કરવા પડશે. અન્યથા નશાનો આ કારોબાર અનેક પરિવારોને તબાહ કરી દેશે અને અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓને પહેલા ડ્રગ્સના વ્યસની અને પછી પેડલર બનાવી દેશે.
ડ્રગ્સ વિરોધી તોતિંગ ઝૂંબેશની વાતો વચ્ચે શહેરોમાં નશાનો સામાન ઘૂસે છે કઈ રીતે?
ગુજરાતના દરેક શહેરોમાં બેફામ વહેંચાઇ રહેલું ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું છે તે સવાલ છે એક તરફ રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ બે વર્ષમાં 6800 કરોડનું ડ્રગ્સ પકડ્યું હોવાનો દાવો કરે છે, સાથો સાથ ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવતી 5 ફેક્ટરી પણ પકડે છે. જે કામગીરી ખરેખર સરાહનીય છે. પરંતુ તેમ છતાં શહેરો સુધી ડ્રગ્સ કેવી રીતે પહોંચી રહ્યું છે? વિદેશથી ડ્રગ્સ લાવનારાઓ પર તવાઈ બોલાવનાર પોલીસ સ્થાનિક ડ્રગ્સ પેડલરોને કેમ પકડી શકતી નથી? તે સવાલ અકળાવનારો છે!

અન્ય સમાચારો પણ છે...